મુંબઇના યુવા લેખક અમિષ ત્રિપાઠીએ ભગવાન શિવને એક હાડ-માંસના માણસ તરીકે કલ્પ્યા અને એમની ફિલોસોફીને એક ભવ્ય એડવેન્ચર કથામાં પરોવી. એ બેસ્ટસેલર પુસ્તક ‘ધ ઇમ્મોર્ટલ્સ ઓફ મેલુહા’ની વાત અને લેખક સાથેની એક્સ્કલુઝિવ મુલાકાત ગુજરાતી મીડિયામાં પહેલીવાર પેશ છે...
ભગવાન શિવ. દેવાધિદેવ. સર્વ પાપોનો વિનાશ કરનારા. શિદ્દતથી પ્રેમ કરનારા. બાહોશ લડવૈયા. બેનમૂન ડાન્સર. પ્રભાવશાળી નેતા. સર્વશક્તિમાન અને પ્રામાણિક. અત્યંત ભોળા, છતાં એમને ભોળવવા અશક્ય. અત્યંત શાર્પ સેન્સ ઓફ હ્યુમરના સ્વામી છતાં એકદમ શોર્ટ ટેમ્પર્ડ. પરંતુ ધારો કે, શિવ એક ભગવાન નહીં, બલકે મારા-તમારા જેવા હાડ-માંસના બનેલા એક મનુષ્ય હોય, તો? અને પોતાના કાર્યો થકી એમનું વ્યક્તિત્વ એટલું ઉજજવળ બન્યું કે કાળક્રમે એ ભગવાન, ઈશ્વરનો દરજજો પામ્યા હોય? એન્ટર ‘ધ ઇમ્મોર્ટલ્સ ઓફ મેલુહા’. યુવા લેખક અમિષ ત્રિપાઠીની ‘શિવા ટ્રાયોલોજી’નું પહેલું અને અદ્ભુત પુસ્તક, જેના હીરો છે, શિવ.
***
સમય છે, ઇસવીસન પૂર્વે ૧૯૦૦. તિબેટમાં કૈલાશ પર્વતની તળેટીમાં ફેલાયેલા વિશાળ જળરાશિ ધરાવતા માનસરોવરનું રખોપું કરી રહ્યો છે એક સ્થાનિક આદિવાસી કબીલો, ગુણા. પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે સતત લડાઇઓ લડીને લોહી રેડતા રહેલા આ કબીલાનો નાયક છે, એકવીસ વર્ષનો શિવ. સોહામણું મુખ, કસાયેલો બાંધો અને વર્ષોના સંઘર્ષની ચાડી ખાતા ઘાવના નિશાન. શરીરે વીંટાળેલું વ્યાઘ્રચર્મ. પણ અત્યારે શિવ એક ગહન ચિંતામાં છે: રોજે રોજ લડાઇઓ લડતા રહેવું એ પણ માત્ર જીવતા રહેવા માટે? કે પછી અત્યારના સર્વશ્રેષ્ઠ રાજ્ય ‘મેલુહા’નો પ્રસ્તાવ સ્વીકારીને આખા કબીલા સાથે એમના રાજ્યમાં ભળી જવું? મેલુહામાં ભળવાનો પ્રસ્તાવ લલચામણો હતો, કેમ કે એ લોકો ફળદ્રુપ જમીન આપવાના હતા, સતત સુખ-શાંતિ અને સૌથી વધુ- સલામતી આપવાના હતા. આખરે, સમગ્ર કબીલાની સંમતિથી શિવ નિર્ણય લે છે, મેલુહામાં ભળી જવાનો.
મેલુહા, જેને સાડા ત્રણ-ચાર હજાર વર્ષ પછીનો યુગ ‘સિંધુ ખીણની સંસ્કૃતિ’ તરીકે ઓળખવાનો હતો. વિશ્વની સૌથી મહાન અને અત્યંત પરપિકવ સંસ્કૃતિ. કાશ્મીરથી લઇને મોહેંજો દડો, લોથલ સુધી અને સપ્તસિંધુ (સાત નદીઓ-સિંધુ, સરસ્વતી, યમુના, ગંગા, સરયુ, બહ્નપુત્રા અને નર્મદા)નો એ પ્રદેશ નદીઓ અને છેક સરસ્વતી, નર્મદા સુધી વિસ્તરેલું વિશાળ સૂર્યવંશી રાજાઓનું રાજ્ય. શ્રીનગરમાં શિવના કબીલાને માનભેર આવકારવામાં આવે છે. એમને સરસ ગેસ્ટ હાઉસમાં ઉતારો આપવામાં આવે છે. અને સમગ્ર કબીલાને એક ભેદી આયુર્વેદિક પીણું પીવડાવાય છે.
પહેલીવાર જીવતા રહેવાની ચિંતા વિના અત્યંત નરમ પથારી પર સૂઇ રહેલા શિવને અચાનક ભારે પરસેવો છુટવા માંડે છે અને ગભરામણ થવા માંડે છે. જાગીને જોયું તો ચમત્કાર! શિવનો હિમડંખથી નક્કામો થયેલો પગનો અંગૂઠો સાજો થઇ ગયો હતો. એના શરીર પરના લડાઇના ઘાવ અને તેની નિશાનીઓ પણ અર્દશ્ય થઇ ગયા હતા. પરંતુ શિવનું નસીબ એને કંઇક જુદી જ વ્યક્તિ તરીકે પ્રસ્થાપિત કરવાનું હતું. શિવના સમગ્ર કબીલાની દેખરેખ રાખી રહેલી બાહોશ તબીબ આયુર્વતી અસ્વસ્થ થયેલા શિવની ડોક જોઇને છળી ઊઠી. એની આંખોમાંથી આંસુ સરી પડ્યા. એ સીધી શિવના ચરણોમાં પડી ગઇ. કેમ કે, શિવની ગરદન, ભૂરા રંગની થઇ ગયેલી! તો શું શિવ એ જ ‘નીલકંઠ’ હતા? મેલુહાને તમામ દુ:ખોથી ઉગારવા માટે જેની સદીઓથી રાહ જોવાતી હતી એ ‘નીલકંઠ’ અવતાર આવી પહોંચ્યા હતા? શિવને કશું સમજાયું નહીં, કે મને અને મારા કબીલાને પીવડાવવામાં આવ્યું એ શું હતું અને એનાથી માત્ર મારી ડોક જ શા માટે ભૂરી થઇ ગઇ અને એ જોઇને સૌ અહોભાવમાં કેમ સરી પડે છે?
વાત ઊડીને મેલુહાના રાજા દક્ષ સુધી પહોંચી. શિવને મેલુહાની રાજધાની દેવગિરિ તેડાવવામાં આવ્યા અને વિશ્વના સૌથી સમૃદ્ધ રાષ્ટ્ર મેલુહાના રાજા દક્ષ ખુદ ‘હે પ્રભુ!’ કહીને શિવના ચરણોમાં પડી ગયા. હવે શિવની અકળામણનો પાર નહોતો. આ બધું થઇ શું રહ્યું છે?
ધીમે ધીમે શિવને ખબર પડી. સમગ્ર મેલુહા રાજ્ય બારસો વર્ષ પૂર્વે થઇ ગયેલા બાહોશ રાજા શ્રી રામે સ્થાપેલા કાયદાઓ પ્રમાણે જ ચાલતું હતું. અહીં કાયદો સર્વોપરી હતો અને એમાંથી કોઇ બાકાત નહોતું. એટલેસ્તો, આ મેલુહાને સૌ ‘રામરાજ્ય’ કહેતા હતા. અહીં ભગવાન મનુએ સ્થાપેલા ચાર વર્ણ-બ્રાહ્નણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર- પ્રમાણે કાર્યોનું વિભાજન થતું. પરંતુ શિવના આશ્ચર્ય વચ્ચે કોઇને તેના જન્મ પ્રમાણે વર્ણ એનાયત નહોતા થતા. વાસ્તવમાં અહીં ‘માઇકા’ પ્રથા હતી. ગર્ભવતી સ્ત્રીઓ એક ચોક્કસ અજ્ઞાત સ્થળે પ્રસૂતિ માટે જતી અને એના સંતાનને તેની માતાથી દૂર થોડા વર્ષ ત્યાં જ ઉછેરવામાં આવતું. બાળકનાં રસ-રુચિ અનુસાર તેને ચારમાંથી એક વર્ણ પસંદ કરવાની તક અપાતી. ત્યારબાદ બાળકને જે તે વર્ણનાં ઇચ્છુક માતા-પિતા દત્તક લેતાં. મતલબ કે દરેક વ્યક્તિનો વર્ણ અહીં એના કર્મથી નક્કી થતો હતો, અને દરેકને સરખું માન મળતું.
શિવને એક વાતનું ભારે આશ્ચર્ય થયું. સમગ્ર રાજ્યમાં કોઇ વૃદ્ધ દેખાતું જ નહોતું. સૌ યુવાન જ હતા. એનું કારણ હતું ‘સોમરસ’, જે શિવને મેલુહામાં પ્રવેશતી વખતે પીવડાવવામાં આવ્યું હતું. તેની શોધ કરેલી ભગવાન બ્રહ્નાએ. શિવે મંદાર પર્વત પર બ્úહસ્પતિ નામના અત્યંત વિચક્ષણ વિજ્ઞાની પાસેથી જાણ્યું કે કેવી રીતે તેઓ સંજીવની નામની વનસ્પતિ અને સરસ્વતી નદીના પાણીમાંથી ભારે જહેમતપૂર્વક માણસને લગભગ અમત્ર્ય બનાવતા સોમરસનું સર્જન કરવામાં આવતું હતું. થિયરી એવી કે માણસના શરીરમાં ઉત્પન્ન થતાં ઓિકસડન્ટ્સને આ સોમરસ પરસેવા અને મૂત્રવાટે બહાર ફેંકી દેતું અને આ રીતે માણસ સદા યુવાન રહેતો. સમગ્ર મેલુહાને સોમરસ આપવામાં આવતો.
પરંતુ શિવને મળેલો અહોભાવ એની પાછળની પ્રચંડ જવાબદારી સાથે આવ્યો હતો. સૌ એને ભગવાન શ્રી રામનું અધુરું કાર્ય પૂર્ણ કરવા આવેલા નીલકંઠનો અવતાર માનતા હતા. એ કાર્ય હતું, શ્રી રામની જન્મભૂમિ અયોધ્યાની આસપાસ વસેલા વિશાળ ‘સ્વદ્વીપ’ રાજ્યનાં ચંદ્રવંશીઓનો સર્વનાશ કરવાનું. કારણ કે એ ચંદ્રવંશીઓ ‘નાગા’ નામે શાપિત પ્રજાતિનાં લોકો સાથે મળીને મેલુહાનાં નિર્દોષ નાગરિકો પર હુમલા કરતા હતા. એ લોકો સરસ્વતી નદીનું પાણી ચોરી રહ્યા હતા. અને મેલુહાવાસીઓ માની રહ્યા હતા, કે માત્ર શિવ જ એમને ઉગારી શકે એમ છે. આખરે શિવ એ યુદ્ધ લડે છે. પાર વિનાનું લોહી વહે છે. પણ એ પછી જ્યારે શિવને એક રહસ્ય ખબર પડે છે, ત્યારે એના વિષાદનો પાર રહેતો નથી.
***
‘આપણે ભગવાનને ‘દેવ’ કહીએ છીએ અને દાનવોને ‘અસૂર’ કહીએ છીએ. પરંતુ એક વખત ટીવી જોતાં જોતાં અમારા પરિવારમાં ચર્ચા ચાલી કે પ્રાચીન ઝોરાિષ્ટ્રયન અને પિર્શયન લોકો દેવોને ‘અહુરા’ અને દાનવોને ‘દૈવા’ કહેતા હતા. મતલબ કે આપણાથી એકદમ વિપરિત. ત્યારે મને વિચાર આવ્યો કે ધારો કે, એ વખતે આ બે માન્યતા ધરાવતાં લોકો મળે, તો એ તો એકબીજાને દાનવ જ માને ને? પણ એ બંનેમાંથી સાચું કોણ? ખરેખર દેવ કે દાનવ કોણ છે? કે પછી બંને સાચા છે અથવા તો બંને ખોટા છે?’ મુંબઇથી ફોન પર વાત કરતાં આ અત્યંત પ્રતિભાશાળી સર્જક અમિષ ત્રિપાઠી કહે છે. માર્ચ, ૨૦૧૦માં પ્રકાશિત થયેલી ‘ધ ઇમ્મોર્ટલ્સ ઓફ મેલુહા’ મુંબઇના લેખક અમિષની પહેલી નવલકથા છે અને આ ટ્રાયોલોજીના બે ભાગ ‘ધ સિક્રેટ ઓફ નાગા’ અને ‘ધ ઓથ ઓફ ધ વાયુપુત્ર’ પ્રકાશિત થશે.
‘મને થયું કે એક માણસ, જે માત્ર આપણા કરતાં સાવ અલગ હોવાને કારણે જ આપણે એને એવિલ-શેતાન માની બેસીએ છીએ. પણ એનો અર્થ એ નથી કે એ ખરેખર શેતાન છે. બસ, આ વિચાર સાથે હું એક ફિલોસોફીનું પુસ્તક લખવા બેઠો. પણ મારા ભાઇ-ભાભીએ સલાહ આપી કે યાર, તું માત્ર ફિલોસોફી લખીશ તો કોઇ નહીં વાંચે. એના કરતાં એક સરસ સ્ટોરીમાં આ ફિલોસોફી પરોવીને લખ.’ પરંતુ અમિષનું આ પુસ્તક વાંચતાં જરાય અંદેશો ન આવે કે આ એમનું પહેલું જ પુસ્તક છે. પ્રાચીન ભારતની વિચારધારાઓ, ત્યારનાં રાજ્યો, ઐતિહાસિક તથ્યો અને ભારતીય પૌરાણિક માન્યતાઓનું લાજવાબ કોમ્બિનેશન અમિષે કર્યું છે. માટે નવાઇ નથી કે પાંચ વર્ષની જહેમત પછી લખાયેલું અમિષનું આ પુસ્તક છેલ્લા પાંચ મહિનાથી સતત બેસ્ટસેલર બની રહ્યું છે. પરંતુ પહેલી જ નોવેલમાં આટલી ઊંડાણપૂર્વકની વાત કરવા માટે જબરદસ્ત રિસર્ચ તો કરવી પડી હશે ને? અમિષ જવાબ આપતા કહે છે, ‘હા અને ના. જુઓ, મને હિસ્ટોરિકલ બુકસ વાંચવાનો ભારે શોખ છે. રાતોની રાતો જાગીને હું એ પુસ્તકો વાંચતો રહું છું. અને મારા પરિવારમાં પણ હિન્દુ ધર્મની વાતો થતી રહી છે. એટલે પાછલા પચ્ચીસ વર્ષથી મારા મનમાં આ વાતો ફીડ થતી રહી છે, જે આ પુસ્તક સ્વરૂપે બહાર આવી છે. હા, મેં ગ્રેગરી પોશેલની ‘ઇન્ડસ સિવિલાઇઝેશન’ અને ગ્રેહામ હેનકોકના ‘અંડરવર્લ્ડ’ એ બે ગ્રેટ પુસ્તકોનો સંદર્ભ ખાસ લીધો છે.’
બીજું, અહીં સોમરસને એક આયુષ્ય વધારનારા ‘વન્ડર ડ્રગ’ તરીકે પ્રોજેક્ટ કરવામાં આવ્યું છે. પરંતુ આપણે તો સોમરસને શરાબ-મદિરાના પર્યાય તરીકે ઓળખીએ છીએ. તો ખરેખર સત્ય શું હતું? ‘દો ચીઝે હૈં. તમે પ્રાચીન પુસ્તકો-ઇવન યજુર્વેદ પણ વાંચશો તો સમજાશે કે સોમરસ તેમાં લગભગ કેન્દ્રસ્થાને હતું. અને મને લાગે છે કે માત્ર નશાની ચીજ મદિરા આટલા કેન્દ્રસ્થાને ન હોઇ શકે. બીજું, જેવો વૈદિક યુગ પૂરો થયો કે સોમરસનો ઉપયોગ ખતમ થઇ ગયો. તો એ વિચારવું ખોટું નહી ંલેખાય કે સોમરસ વાસ્તવમાં કોઇ જુદી જ વસ્તુ હતું. અને હા, નોવેલમાં મેં સોમરસનું જે સાયન્સ લખ્યું છે તેના પર અત્યારનું વિજ્ઞાન રિસર્ચ કરી જ રહ્યું છે. તમે ‘સાયિન્ટફિક અમેરિકન’ જર્નલમાં પ્રકાશિત થયેલો ‘રેડિકલ પ્રપોઝલ’ નામનો લેખ વાંચી શકો છો.’
અચ્છા, આ નોવેલની બીજી એક રસપ્રદ વાત એ છે કે લગભગ ચાર હજાર વર્ષ પહેલાંની વાર્તા હોવા છતાં પાત્રો એકદમ મોડર્ન ભાષા બોલે છે. તે સમજાવતા અમિષ કહે છે, ‘જુઓ, હું ઇચ્છું છું કે આ કથા દ્વારા શિવજીની ફિલોસોફી-જેના પર વર્ષોથી સમયની ધૂળ ચડી ગયેલી-તે વધુને વધુ લોકો સુધી પહોંચે. તો અત્યારે બોલાતી ભાષા જ વાપરું એ સ્વાભાવિક છે.’ ઓકે, અને કઇ ફિલોસોફી તમે કહેવા માગો છો? ‘એક તો મેં કહ્યું એમ, કોઇ વ્યક્તિ આપણાંથી અલગ હોવા માત્રથી એ શત્રુ નથી થઇ જતો. બીજી વાત, માણસની ઓળખ એનાં કર્મ હોવા જોઇએ, નહીં કે એનો જન્મ. એની કીર્તિ, પ્રતિષ્ઠા પર માત્ર એના કર્મોનો જ પ્રભાવ પડવો જોઇએ, નથિંગ એલ્સ.’ (અમિષ રહસ્ય છત્તું કરે છે કે આ જ કારણોસર એણે બુકના કવર પર માત્ર પોતાનું નામ ‘અમિષ’ લખાવ્યું છે. તે કહે છે, ‘હું ઇચ્છું છું કે લોકો મને માત્ર મારા કર્મથી ઓળખે, નહીં કે મારી અટક પરથી મારી જ્ઞાતિને આધારે’). આઇઆઇએમ-કોલકાતાના પાસઆઉટ અને અત્યારે આઇડીબીઆઇ-ફોર્ટિસ લાઇફ ઇન્સ્યોરન્સના નેશનલ હેડ અમિષ આગળ કહે છે, ‘ત્રીજી વાત, ભગવાન દરેક માણસની અંદર જ બેઠા છે. મહાદેવ કોઇ માતાની કૂખમાંથી જન્મતા નથી. જે વ્યક્તિ સત્યને પક્ષે, સારપને પક્ષે લડે છે, એ મહાદેવ બને છે. એ રીતે દરેક વ્યક્તિ મહાદેવ છે.’
અમિષે પુસ્તકમાં અશ્પ્úશ્યતાની વાત પણ વણી લીધી છે. કથામાં મેલુહાના લોકોને ‘વિકર્મ’ નામની પ્રથામાં માનતા બતાવાયા છે. કેટલાંક રોગિષ્ઠ, કમનસીબ લોકોને તેમના પુનર્જન્મનાં પાપનું કારણ અને કમનસીબીના વાહક ગણીને એને અડવાનો ઇન્કાર કરી દે છે. ખુદ કથાની નાયિકા ‘સતી’ મૃત બાળકને જન્મ આપવાના અને પહેલા લગ્નમાં વિધવા થવાના ‘ગુના’ સબબ વિકર્મમાં સામેલ છે. મેલુહાના રાજા દક્ષની પુત્રી હોવા છતાં કોઇ એને સ્પર્શ કરતું નથી. રામરાજ્ય હોવા છતાં શિવ એ પ્રથાને વાહિયાત ગણાવીને એનો નાશ કરાવે છે. અમિષ કહે છે, ‘આજેય ભારતમાંથી અશ્પ્úશ્યતા ગઇ નથી. પરંતુ યાદ રહે, શિવજી એ વાતથી તદ્દન વિરુદ્ધ હતા’.
૩૯૦ પાનાંમાં પથરાયેલી ‘ધ ઇમ્મોર્ટલ્સ ઓફ મેલુહા’નો ફલક એટલો બધો વિશાળ છે, અને શહેરની રચના, રાજ્યો, પુરાતન ભારતની પ્રથાઓ, કથાઓ, ત્યારના લોકોની રહેણીકરણી , પહેરવેશ વગેરેમાં અમિષે એટલું ઝીણું કાંત્યું છે અને એ પણ એટલી સરળ તથા રસાળ શૈલીમાં કે એની કથાની અને એમાં રહેલી ફિલોસોફીની વાત મર્યાદિત શબ્દોમાં કરવી એ ચોખાના દાણા પર ભગવદ્ ગીતા લખવા જેવું કપરું કામ છે.
અંતે અમિષ કહે છે, ‘જ્યારે તમારું હૃદય તૈયાર થશે, એ સામેથી જ ભગવાન-ઈશ્વરને શોધી લેશે.’ પાને પાને રૂંવાડા ઊભા કરી દેતા આ ગ્રાન્ડ એડવેન્ચર પરથી હોલિવૂડ કે બોલિવૂડની ફિલ્મ બને એ પહેલાં આ પુસ્તક વાંચવું એ શ્રાવણ મહિનાની શ્રેષ્ઠ આરાધના સાબિત થશે! અમે નોવેલના બીજા ભાગની રાહ જોઇએ છીએ, અમિષ! ‘
ચેન્જડ મેન: અમિષ ત્રિપાઠી
મુંબઇમાં જન્મેલા અમિષે ઓરિસ્સા, તામિલનાડુ અને મુંબઇમાં અભ્યાસ કર્યો છે. આઇઆઇએમ-કોલકાતામાંથી એમબીએ કર્યું છે. એ ગણાવીને અમિષ કહે છે, ‘હું નખશિખ ભારતીય છું!’ તાજેતરમાં ડેન્ગ્યુના તાવમાં સપડાયેલા અમિષનો પરિવાર અત્યંત ધાર્મિક અને સર્વધર્મ સમભાવ ધરાવતો હોવા છતાં, તે પોતે પાંચ વર્ષ પહેલાં સુધી લગભગ નાસ્તિક હતા. એટલે સુધી કે પરિવારનાં સભ્યો મંદિરમાં જાય, તો પોતે બહાર ઓટલા પર બેસી રહે! પરંતુ આ પુસ્તકે અમિષને બદલી નાખ્યા. હવે એ ભારે શાંત છે. એ કહે છે, ‘ઈશ્વર આપણાં સઘળા દુ:ખ દૂર કરશે એ આશાએ એમની આરાધના ન કરવી જોઇએ. બલકે એમની ભક્તિ આપણને તમામ દુ:ખો સામે લડવાની પ્રચંડ શક્તિ બક્ષે છે.’