રોમાના દીકરાની મન્થલી ટેસ્ટ નજીક આવતી હતી અને વળી ચોમાસુ પણ હવે બરાબર જામ્યું હોવાથી એના માટે નવો રેઇનકોટ લેવાનો હતો. એ શહેરમાં ખરીદી માટે ગઇ હતી. આખી બપોર ફરીને એણે ખરીદી કરી અને પછી ઘરે પાછી ફરવાનો વિચાર કરતી હતી. ત્યાં એને યાદ આવ્યું કે આટલે સુધી આવી છું તો લાવ ને મોનલને મળતી જાઉં.
એણે ત્યાંથી રિક્ષા કરી અને મોનલના ઘરે પહોંચી. પહેલાં તો એને થયું કે મોનલ જોબ કરતી હોવાથી ઘરે હશે કે કેમ? પણ પછી થયું આજે તો રવિવાર છે એટલે ઘરે જ હશે અને એ નહીં હોય, તો પણ એના પતિ રીતેશ તો હશે જ. ત્યાં જઇને જરૂર લાગશે તો મોનલને મોબાઇલ કરી દઇશ. રોમા આમ વિચારતી હતી એટલામાં તો રિક્ષા મોનલના ઘર સુધી પહોંચી ગઇ. રોમાએ જઇને જોયું તો મોનલને તાવ હોવાથી એ સૂતી હતી. બાજુમાં ખુરશી પર રીતેશ બેઠો હતો. રોમાને આવેલી જોઇ એણે એને આવકારી અને મોનલને જગાડી. રોમાએ પૂછ્યું, ‘શું થયું, મોનલ?’ તો રીતેશે જવાબ આપ્યો, ‘એને ત્રણેક દિવસથી તાવ આવે છે. ડોક્ટરને બતાવ્યું અને એમણે દવા લખી આપી છે, પણ હજી નબળાઇ ઘણી છે.’ રોમા મોનલ પાસે બેઠી. એ હજી ખબરઅંતર પૂછતી હતી, ત્યાં રીતેશ રસોડામાં ગયો.
થોડી વાર બાદ રોમાએ મોનલને કહ્યું, ‘હવે તું આરામ કર, હું જાઉં.’ એટલામાં રીતેશ રસોડામાંથી ટ્રે હાથમાં લઇને બહાર આવ્યો. ટ્રેમાં ચાનો કપ, નાસ્તાની પ્લેટ અને રોમાના દીકરા માટે જયૂસનો ગ્લાસ હતો. મોનલ માટે પણ એ જયૂસનો ગ્લાસ સાથે લાવ્યો હતો. રોમાએ પૂછ્યું, ‘અરે, આ બધી તકલીફ ઉઠાવવાની શી જરૂર હતી? હું તો મોનલને મળવા આવી હતી અને તમે....’ જવાબમાં રીતેશે કહ્યું, ‘તો શું થઇ ગયું? મને કંઇ તકલીફ થઇ હોય અને મારા ખબરઅંતર પૂછવા કોઇ આવે તો મોનલ નથી કરતી? એ નોકરી કરવાની સાથે આખા ઘરની સંભાળ પણ રાખે છે. તો મોનલની બહેનપણી માટે હું ચા-નાસ્તો બનાવું તેમાં શું ખોટું છે?’
રોમાને થયું, રીતેશની વાત તો સાચી છે. દરેક વખતે પત્ની જ પતિની સેવા કરે કે તેમના મિત્રો, સંબંધીઓની આગતા-સ્વાગતા કરે એવું કોણે કહ્યું? મોનલે પણ રીતેશને કહ્યું, ‘રીતેશ, તમારી આ વિચારસરણીનો તો મને આજ સુધી ખ્યાલ ન આવ્યો. તમે આટલા દિવસથી મારી સંભાળ રાખો છો, પણ ક્યારેય મને જણાવ્યું નથી.’ રીતેશ બોલ્યો, ‘એમાં તને જણાવવાની શી જરૂર? તું સમજે એ જ મારા માટે ઘણું છે.’ મોનલને અત્યંત આનંદ થયો. પતિની લાગણીનો ખ્યાલ આવવાની સાથે એ પણ સમજાયું કે રીતેશ કેટલો સમજદાર છે. પત્નીની તકલીફને સમજી એને સહકાર આપવામાં માનતો રીતેશ જેવો પતિ મળવા માટે એ પોતાને નસીબદાર સમજવા લાગી.
નોંધ : તમારા જીવનમાં આવું ક્યારેય બન્યું છે જેના લીધે તમારા જીવનમાં કંઇક પરિવર્તન આવ્યું હોય? એક નવી શરૂઆત થઇ છે? તો તે અંગે અમને તમારા ફોટા સાથે લખી મોકલાવો. અમે તમારા લખાણને ફોટા સાથે અહીં પ્રકાશિત કરીશું
No comments:
Post a Comment