જિંદગી દરેક ડગલે એક પડકાર-કસોટી-પરિશ્રમ છે અને એમાંથી જ તમારે તમારો રસ્તો કંડારવો પડે છે અને ત્યારે જ તમે આગળ વધી શકો છો. મારી જિંદગી અને કારકિર્દીમાં એવી કેટલીય ક્ષણો આવી જ્યારે મને લાગ્યું કે હવે તો ચોતરફના બધા જ રસ્તા બંધ થઇ ગયા છે અને હવે મારું કંઇ જ નહીં થઇ શકે, પરંતુ આવા સમયે હિંમત હારીને હતાશાની ખીણમાં ડૂબવાથી ક્યારેય આગળ વધી શકીએ નહીં. હતાશાનું કળણ ખતરનાક હોય છે. મને યાદ છે એક સ્ટેજ કાર્યક્રમ પછી મને બાળકળાકાર તરીકે ફિલ્મમાં કામ મળ્યું. એ ફિલ્મ હતી ‘બાપ બેટી’. ત્યારે હું ૧૨ વર્ષની હતી. પછી તો હું પાછી ભણવામાં પડી ગઈ.
થોડાં વર્ષો પછી દિગ્દર્શક વિજય ભટ્ટે મને હિરોઇન તરીકે ‘ગુંજ ઊઠી શહનાઇ’ ફિલ્મમાં લીધી ત્યારે હું ખૂબ જ રોમાંચિત હતી. સોનેરી ભવિષ્યનાં સપનાં જોતી હતી. પરંતુ થોડા દિવસોના શૂટિંગ પછી એમણે ઓચિંતા એક દિવસ આવીને એમ કહીને મોટો વિસ્ફોટ કર્યો કે હું સ્ટાર મટિરિયલ છું જ નહીં. મને ભયંકર આઘાત લાગ્યો. એ ફિલ્મમાં મારા સ્થાને અનીતા (જાણીતી હિરોઇન)ને લેવામાં આવી. જોકે, એ ઊંડા આઘાત છતાં મેં જાત પરથી વિશ્વાસ ન ગુમાવ્યો.
એટલે જ નાઝિર હુસેન (જાણીતા ફિલ્મ લેખક-દિગ્દર્શક) તરફથી સ્ક્રીન ટેસ્ટ આપવાનું આમંત્રણ આવ્યું ત્યારે હું નર્વસ હતી, પરંતુ મેં નક્કી કરી લીધું કે મારે જાતને સાબિત કરવી જ છે. સ્ક્રીન ટેસ્ટમાં હું પાસ થઇ અને પસંદગી પામી. સાઇનિંગ અમાઉન્ટ તરીકે ૧,૦૦૦ રૂપિયા મળ્યા. ફિલ્મ હતી ‘દિલ દે કે દેખો’ અને મારા હીરો હતા શમ્મી કપૂર. મારી પહેલી જ ફિલ્મ સુપર ડુપર હિટ થઇ ગઇ અને રાતોરાત હું હિરોઇન તરીકે જામી ગઇ.
તમે જ કહો, મેં આગળ વધવાનો દ્રઢ નિર્ધારન કર્યો હોત તો અટકી પડી હોત. તો, આવા વળાંક જિંદગીમાં ઘણી વાર આવે છે. ‘ચિરાગ’નું જ ઉદાહરણ લો. એમાંનું પાત્ર મને બહુ અઘરું લાગેલું અને મને ડર લાગેલો કે આ હું નહીં કરી શકું. પછી નિશ્વય કર્યો કે હાર તો નહીં જ માનું. એટલે, ખૂબ મહેનત કરી. એનું પરિણામ પણ ખૂબ સરસ મળ્યું. શાબાશી પણ ખૂબ મળી.
વ્યક્તિગત જિંદગીમાં મારી માતાનાં અવસાન પછીનો ગાળો મારે માટે બેહદ કપરો હતો, કેમકે માતા જ મારી જિંદગીનો આધારસ્તંભ હતી. એના વગરના જીવનની હું કલ્પના પણ નહોતી કરી શકતી. મને થયું મારી આખી દુનિયા ખતમ થઇ ગઇ છે. ઊંડા વિષાદમાં ઘેરાઇ ગયેલી. ત્યારે જ દૂરદર્શનના સીઇઓ સરોજ ચંદોલાએ મને કહ્યું, ‘ચલો, ઊઠો, કામ પર લગ જાઓ. મુઝે ચાર કેસેટ ચાહીએ.’ અને મેં ‘બજે પાયલ’ બનાવી. જિંદગીની નૌકા આગળ ધપાવવા હું કામમાં ડૂબી ગઈ અને આગળ વધી શકી.
મારી જ નહીં, દરેક માણસની જિંદગીમાં અનેક ઉતાર-ચઢાવ આવે છે. ક્યારેક તો એવું પણ લાગે છે કે બસ, ‘ડેડ એન્ડ’ આવી ગયો. પણ એનો અર્થ એ નહીં કે તમે જીવન હારી જાવ. જિંદગીમાં વિશ્વાસ અને તમન્નાનો જોશ ઠંડો ન પડવા દો. પરાજય તો આવ્યા કરે. એને સ્વીકારીને આગળ વધો. તમારે જિંદગીમાં કોઇ એક ચીજ પર એટલો બધો દારોમદાર ન રાખવો જોઇએ કે એ ચીજ ન મળે તો તમે ચકનાચૂર થઇ જાવ. તમારે વિકલ્પના રસ્તાઓ શોધવા જ પડે છે અને શોધવા જ જોઇએ.
જ્યાં ‘ચાહ’ હોય છે, ત્યાં ‘રાહ’ નીકળી આવે છે. આજે જ્યારે પણ બાળકો-યુવાનોના આપઘાતની ખબર સાંભળું છું ત્યારે ખૂબ દુ:ખ થાય છે. હું માનું છું કે જિંદગીથી વધુ મહત્વનું, વધુ મૂલ્યવાન કંઇ જ નથી. જિંદગી દરેક રૂપે દરેક સ્થિતિમાં ખૂબસૂરત છે. (રેખા ખાન સાથેની વાતચીતના આધારે)
No comments:
Post a Comment