અમારા પરિવારમાં કલા અને શિક્ષણને હંમેશાં પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. એમાંય સંગીત અને ચિત્રકામ જેવા વિષયો તો ફરજિયાત રહ્યા છે. શ્રીમંત પરિવારમાં મારો જન્મ થયો હોવા છતાં જીવનમાં પોતાનું અનોખું કંઇક કરવું એવા વિચારો અમારામાં પહેલેથી જ રોપવામાં આવ્યા હતા. નાના હોઇએ ત્યારે શું કરવું, શેમાં આગળ વધવું એનું આપણને ખાસ કોઇ જ્ઞાન ન હોય. એવું જ મારી સાથે બન્યું. મારે ભણીગણીને કંઇક કરવું હતું.
તેથી મેં એન્જિનિયર બનવાનું નક્કી કર્યું. ૧૫ વર્ષનો હતો ત્યારે મેં કોલેજમાં જઇ એન્જિનિયર બનવાની ઇચ્છા વ્યક્ત કરી. એન્જિનિયર બનવા માટે મારી ઉંમર નાની હતી. બીજું, ‘તમારું ચિત્રકામ ઘણું સારું છે’એવું કોલેજના અધ્યાપકે મને કહ્યું અને સાથે એ પણ ઉમેર્યું કે મારે એન્જિનિયર બનવા કરતાં ફાઇન આર્ટ્સ કરી કલાના ક્ષેત્રમાં ઝંપલાવવું જોઇએ. અધ્યાપકની વાતને મેં સહજપણે સ્વીકારી લીધી અને ફાઇન આર્ટ્સ કર્યું.
એ દરમિયાન મને ચિત્રોમાં રસ પડતો ગયો. એ સમયે હિન્દુસ્તાનમાં ચિત્રકલાથી લોકો ખાસ કંઇ પરિચિત નહોતા. આજે એ દિશામાં લોકોમાં થોડીઘણી જાગૃતિ આવી છે ખરી. પરંતુ મારી દ્રષ્ટિએ હજુ ઘણાં પાછળ છે. અત્યારે જે સુવિધાઓ વિદ્યાર્થીઓને સરળતાથી મળી રહે છે, તેનો પણ એ વખતે અભાવ હતો. અરે, પેઇન્ટિંગ કરવા બ્રશ કેવી રીતે પકડવું એ પણ લોકો જાણતા નહોતા.
જેને શીખતા દિવસો લાગી જતા હતા. વા‹ટર અને એક્રેલિક કલરને સમજતા પણ વાર લાગતી. ‘કોઇ નવી વસ્તુ શીખવી હોય, એમાં પારંગત થવું હોય તો મહેનત કરવી જ પડે. મહેનત વગર ક્યારેય સફળતા મળતી નથી’, અધ્યાપકની આ વાત મારા ગળે ઊતરી ગઇ હતી. તેથી હું હંમેશાં ચિત્રમાં કંઇક નવું કરવાનો પ્રયત્ન કરતો.
ચિત્રકલા સાથે સંકળાયેલા મારા જીવનના યાદગાર પ્રસંગની વાત કરું તો ફાઇન આર્ટ્સના મેળામાં અમારા બધાનાં ચિત્રો વેચવા માટે મૂકવામાં આવ્યાં હતાં. એમાં સૌથી પહેલાં મારું કૂકડાઓનું ચિત્ર વેચાઇ ગયું. તેની જાણ કરવા મારા પ્રોફેસર રીતસર દોડીને આવ્યા હતા. એમની સાથે મારી પણ ખુશીની કોઇ સીમા નહોતી. ફાઇન આર્ટ્સ કરી આગળ અભ્યાસ કરવા હું લંડન ગયો. ચિત્ર શીખતાં શીખતાં એમાં નવું નવું ક્રિએટ કરતો ગયો. કોઇપણ વસ્તુમાં કંઇક નવું ક્રિએટ કરવા મહેનત કરવી જ પડે છે, પછી એ ચિત્ર હોય કે સંગીત.
૨૫ વર્ષની ઉંમરે મેં પેઇન્ટિંગમાં એક્ઝિબશિન કરવાનું શરૂ કર્યું અને સમયાંતરે મુંબઇ, દિલ્હી, કોલકાતા, ઇંગ્લેન્ડ અને લંડન એમ વિવિધ જગ્યાએ એક્ઝિબશિન કરતો રહ્યો. આ એક્ઝિબશિનમાં હું ઘણો સફળ પણ રહ્યો. ત્યારબાદ સંસદસભ્ય બન્યો.
સંસદમાં જોડાવાને લીધે અવારનવાર દિલ્હી જવાનું થતું. એ દરમિયાન હું પંડિત મણિપ્રસાદજીના સંપર્કમાં આવ્યો અને સંગીત તરફ ઢળ્યો. સુગમ અને શાસ્ત્રીય સંગીતનું જ્ઞાન નાનપણમાં મેળવ્યું હતું. તેને ફરી શીખવાનો પ્રારંભ કર્યો. ગાતી વખતે પડતી ભૂલો અંગે ગુરુજી માર્ગદર્શન આપતા ગયા અને હું તેને સુધારતો ગયો.
સમય મળતા રિયાઝ કરતો રહ્યો અને ગુરુજીના કહેવાથી સંગીતમાં પ્રોગ્રામ પણ આપવાનું શરૂ કર્યું. એ સમયે ફિલ્મોમાં પણ સંગીત આપ્યું. સંસદમાં ઝંપલાવ્યા બાદ પેઇન્ટિંગ માટે ખાસ સમય ફાળવી ન શકવાને કારણે તેનાથી થોડો અળગો જરૂર થઇ ગયો. હવે ફરી પાછું પેઇન્ટિંગ અને સંગીત બંને કલાઓમાં પૂરતો સમય ફાળવવાનું શરૂ કર્યું છે.
પેઇન્ટિંગની વાત કરું તો હું પાબ્લો પિકાસોનો પ્રશંસક છું, કેમ કે તેમનું કામ નાવીન્યસભર રહ્યું છે, જે મને હંમેશાં આકર્ષે છે. હું રોજ ચારથી પાંચ કલાક પેઇન્ટિંગ માટે અને સાંજે એકાદ કલાક સંગીતમાં રિયાઝ કરવા માટે ફાળવું છું. હજુ આ ક્ષેત્રમાં મારે ઘણું કરવાનું બાકી છે. જે હું કરી રહ્યો છું. સુખી-સમૃદ્ધ પરિવારમાં મારો જન્મ થયો.
અમારા કુટુંબનું નામ છે, ખ્યાતિ છે. એનો અર્થ એ નથી કે, ખાઓ, પીઓ અને બેસી રહો. હું બેસી રહેવામાં માનતો નથી. તેથી આજે ૭૨ વર્ષની ઉંમરે પણ હું સક્રિય છું. હું માનું છું કે જીવનમાં પોતાનામાં પડેલી ખૂબીને નિખારવાનો અથવા શોખના વિષયમાં ઊંડા ઊતરવાનો પ્રયત્ન જરૂર કરવો જોઇએ.
અત્યાર સુધીમાં મેં જે કંઇ કર્યું છે એ મહેનત કરીને મેળવ્યું છે. મહેનત કરીને મેળવેલી વસ્તુમાં ક્યારેય ખોટ નથી જતી. એનાથી જ્ઞાનની લીટી લાંબી જ થાય છે. વૃક્ષ આપણને ફળ, ફૂલથી માંડી બીજ, પાન વગેરે આપીને પોતાનો ફાળો આપે છે, એમ હંમેશાં લોકોને આપતા રહો. એમાંય ભણેલા ગણેલા લોકોએ તો ખાસ બીજા માટે કંઇક કરવું જ જોઇએ.
No comments:
Post a Comment