સિદ્ધિની પ્રાપ્તિ એ માન મેળવવાનો પરવાનો નથી. સન્માન માગવાની કે મેળવવાની ચીજ નથી. હમણાં એક તેજસ્વી પોતાના ક્ષેત્રમાં અત્યંત માહેર સમવયસ્ક મિત્ર સાથે વાતો કરવાનું બન્યું. ઇશ્વરે તમામ સુખો આપ્યા હોવા છતાં આ મિત્રએ સખેદ ફરિયાદ કરી કે મારી આટલી બધી સિદ્ધિઓ પછી પણ મારા ગામ કે મારી જ્ઞાતિમાં મારી ખાસ કદર નથી થઇ. એવું પણ નથી કે હું સામાજિક રીતે અતડો રહું છું. તમામ સામાજિક પ્રસંગોએ બધાને હળુંમળુંય છું. આમ છતાંય મને પૂરતું માન મારું ગામ કે મારી જ્ઞાતિ આપતા નથી તેવું સતત અનુભવું છું.
આવી લાગણી આ મિત્રને જ થઇ હોય તેવું નથી. અનેક લોકોને આવું થતું હોય છે. સિદ્ધિ, પ્રસિદ્ધિ, પૈસો વગેરે બધું પ્રાપ્ત થઇ ગયા બાદ સામાજિક સ્વીકૃતિની અપેક્ષા માણસના મનમાં જાગે છે અને તે ન સંતોષાતા વ્યક્તિ ફરિયાદી બની જાય છે. આવી લાગણી સાથે અસહમત ન થઇએ તો પણ એ લાગણી સાથે સહમત થવું પણ અઘરંુ છે. કારણ એ છે કે કોઇ વ્યક્તિ સિદ્ધિ પ્રાપ્ત કરે, સફળતા મેળવે તો તે તેનું અંગત તપ અને આકાંક્ષા છે, જેમાં ઈશ્વરની કૃપા (જેને આપણે ભાગ્ય કહીએ છીએ) પણ ભળતી હોય છે. આ સંપૂર્ણ વ્યક્તિગત બાબત છે. સમાજને સીધી રીતે તે માટે કોઇ લેવાદેવા નથી. વળી, જ્ઞાતિ કે ગામ માટે એક વ્યક્તિ આખરી બનતી નથી તેના પૂર્વસુરિઓ પણ હોય છે અને અનુગામીઓ પણ હોય છે.
અહીં એ પણ યાદ રાખવા જેવું છે કે માતા પાસે જેમ માણસ કોઇ દિવસ મોટો થતો નથી તેવું જ જ્ઞાતિ માટે કહી શકાય. જ્ઞાતિ પણ આખરે તો માતાનું વિશાળ સ્વરૂપ છે. જ્યારે ગામ એ કદાચ પિતાનું વિસ્તૃત કદ છે. આ સરખામણી માત્ર વિષય સ્પષ્ટ કરવા કરી છે. તે કાયમી વ્યાખ્યા નથી, પણ જે સમજવાનું છે તે એ છે કે જેમ માતા પાસેથી આપણે સન્માનની અપેક્ષા નથી રાખતા તેમ જ્ઞાતિ પાસેથી પણ આવી અપેક્ષા ન હોવી ઘટે. જેમ પિતા પાસેથી અભિનંદનની અપેક્ષા નથી રાખતા, તેમ ગામ પાસેથી પણ અભિવાદનની અપેક્ષા ન રાખીએ. સમાજને ક્યારેય તેજસ્વી તારાઓની ખોટ પડતી નથી. ચોરો ક્યારેય સુનો ન હોય.
ભાવનગરની આલ્ફ્રેડ હાઇસ્કૂલના ૧૯૬૦થી ૧૯૭૦ના શિક્ષકો ગુરુ શિખરો હતા. એ કલાસમાં ગમે તે વિષય ભણાવતાં ભણાવતાં પણ અદ્ભુત ફિલોસોફી સમજાવી દેતા. આવા એક શિક્ષક સ્વ. મનુભાઇ મ. પંડ્યાએ કહેલી એક વાત યાદ આવે છે. તેમણે કહેલું કે જીવનમાં પોતાની જાત માટે ક્યારેય વધારે પડતા વિચારો ન કરવા. આપણે મહાન છીએ એવું ન અનુભવવું. આપણી સિદ્ધિ કે પ્રાપ્તિ માટે આપણને જ્યારે પૂરતું સન્માન ન મળે ત્યારે આપણી જે લાગણી ઘવાય છે તે સાચી નથી હોતી. વિરાટ વિશ્વમાં આપણી સિદ્ધિ આપણા માટે બેશક ભવ્ય હોઇ શકે, પણ અન્ય સૌ માટે એ શાહીના ટપકાથી વધારે કશું જ નથી. આ સત્ય કડવું છે પણ સ્વીકારવું પડે તેમ છે.
અચ્છા, આપણે કેવી રીતે નક્કી કરી શકીએ કે આપણી નોંધ જ્ઞાતિ કે ગામે લેવી જોઇએ? કારણ કે તમે પ્રાપ્ત કરેલી સિદ્ધિનું મૂલ્ય તમારે મન ખૂબ હોય પણ જ્ઞાતિ કે ગામ માટે કદાચ તેનું મહત્વ ન પણ હોય. અનેક સિદ્ધ પુરુષોની નોંધ તેમના ગોળ, સમાજ, જ્ઞાતિ, ગામ કે શહેરે લીધી નથી અને આમ છતાંય તે મહાપુરુષોનું મહત્વ પણ ઓછું અંકાતું નથી.
આપણે ઘણીવાર આપણી જાત વિશે વધારે પડતું વિચારીએ છીએ ત્યારે આપણે મહાન છીએ તેવો અહેસાસ થતો હોય છે પણ એ સત્ય નથી, કારણ કે આપણે પોતે આપણી જાતને માપીએ ત્યારે ગજ હંમેશા ટૂંકો લાગે. ખરી વાત એ છે કે કોઇક આપણને પ્રમાણે અને આપણને સન્માને ત્યારે માનવું કે આપણે સાચા છીએ. સમાજ તમારી પાસે આવે એવી અપેક્ષા માત્ર તમારી સિદ્ધિઓના જોરે તમે ન રાખી શકો. કારણ કે તમે જે કાંઇ પ્રાપ્ત કર્યું છે તેનું મૂલ્ય આખરે તો સમય જ નક્કી કરી આપતો હોય છે.
આપણને પરીક્ષા દેવાની પણ ઉતાવળ હોય છે અને પરિણામ મેળવવાની પણ ઉતાવળ હોય છે. આ બંને ઉતાવળ અનુચિત છે. ઈતિહાસ સાક્ષી પૂરે છે કે જેમણે સન્માનની અપેક્ષા નથી રાખી અને મૂંગા મોઢે કામ કરે રાખ્યું છે તેને વહેલે મોડે સમાજે સ્વીકૃતિ આપી છે અને તે સામે ઘણીવાર એવું પણ બન્યું છે કે અપરિમિત સફળતા પ્રાપ્ત કરનાર વ્યક્તિની પણ નોંધ લેવાઇ નથી. એટલું ખાસ યાદ રાખવું જોઇએ કે તમે ભલે ગમે તેવી ભવ્ય ગણી શકાય તેવી વ્યક્તિગત સિદ્ધિ મેળવો કે સમાજસેવક તરીકે ઉત્તમ કામ કરો, પણ તેની ગુણવત્તા અંગે તેના ટકાઉપણા અંગે, તેની સત્યતા અંગે અને તેની ઉપયોગિતા અંગે નિર્ણય કરવાનો સમાજને હક છે અને આવડત પણ છે. આવો નિર્ણય જલદી થાય તેવી અપેક્ષા રાખવી એ આપણી ઉણપ સૂચવે છે. સમજદારી ધીરજ રાખવામાં છે. પામવું હશે તો માપવાનું બંધ કરવું પડશે.‘
ઇતિ સિદ્ધમ્: એ મિનારથી કદી ના ઓળખાયો છે આદમી તો મનસુબાથી ઉંચાકાયો છે
- સલીમ શેખ ‘સાલસ’
No comments:
Post a Comment