August 24, 2010

નરકમાં હૂક હોય?

‘દીકરા, તું જેની જરા સરખી કલ્પના પણ ન કરી શકે એવાં એવાં ગંદાં કામ મેં કર્યા છે. તું સાધુ બનીશ એમાં અમને પણ એક ફાયદો છે. તું અમારા જેવા પાપીઓ માટે પ્રાર્થના કરી શકીશ. બાકી, અમે પાપીઓ તો પ્રાર્થના કરવાને પણ લાયક નથી રહ્યા.’

ધ બ્રધર્સ કારામાઝોવ-૭

હવે જરા ઊંડાં ઊતરીએ.

અત્યાર સુધીમાં, મુખ્ય પાત્રો- બાપ અને ત્રણ દીકરા-નો પરિચય આપણે મેળવ્યો. આપણે એટલું જાણ્યું કે બાપ-દીકરા વર્ષો પછી ભેગા થયા છે અને હવે બાપનો કરપીણ અંત આવવાનો છે. તો, હવે શરૂ થાય છે અસલી ખેલ. એ ખેલ જેટલો ઘટનાઓ રૂપે ભજવાય છે એટલો જ, અથવા એથી
વધુ માણસોના ભેજાની ભાતીગળ ડિઝાઇન રૂપે રજુ થાય છે.

જેમ કે, એક અઠંગ નાસ્તિકના મગજમાં આછી આસ્તિકતા કેવી ગુંથાયેલી હોય છે એના તાણાવાણા આપણે આ પ્રકરણમાં જોઈશું. આ આખી ડિઝાઇન એક સંવાદરૂપે દોસ્તોયેવસ્કીએ આલેખી છે. તખ્તો એવો છે કે એક બાજુ પુણ્યના પક્ષે અલ્યોશા બેઠો છે. બીજી બાજુ, પાપના પૂતળા જેવો પિતા ફ્યોદોર છે. પછી પાપ જ્યારે પુણ્ય સાથે વાતે વળગે છે ત્યારે એ કેવું હિલોળે ચઢે છે, કેવાં ગોથાં ખાય છે, કેવું આડુંઅવળું થાય છે એ બધું જોવા જેવું છે. પહેલી નજરે રમુજી અને વેરવિખેર લાગી શકે એવો આ સંવાદ છે. પણ જરાક ધારીને જોતાં તરત સમજાશે કે સૌથી ર્દુષ્ટ વ્યક્તિ પણ છેવટે તો ક્ષમા, પ્રેમ અને કરુણા ઝંખતી હોય છે.

દોસ્તોયેવસ્કી લખે છે...

***

દીકરા અલ્યોશાએ પિતા ફ્યોદોરને કહ્યું: ‘હું મઠમાં જોડાવા માગું છું.’ પોતે શા માટે મઠમાં જોડાવા માગે છે એ વિશે એણે પૂરતી સ્પષ્ટતા કરી. ખાસ તો, મઠના વિખ્યાત સાધુ ઝોસિમાથી પોતે ભારે પ્રભાવિત થયો હોવાનું અલ્યોશાએ સ્વીકાર્યું. બધી વાત કહ્યા પછી અલ્યોશાએ પોતાને જવા દેવાની પરવાનગી માગી.

ફ્યોદોરે અલ્યોશાને એકદમ શાંતિથી સાંભળ્યો. એ વખતે ફ્યોદોર દારૂ પી રહ્યો હતો. અલ્યોશાને સાંભળ્યા બાદ અચાનક ફ્યોદોરના ચહેરા પર બેહેકેલા માણસનું સ્મિત ફરકર્યું. એ સ્મિતમાં લુચ્ચાઈની છાંટ હતી. એ બોલ્યો: ‘હં... બુઢ્ઢો ઝોસિમા બધા સાધુઓમાં સૌથી પ્રામાણિક તો છે જ. અચ્છા... તો મારો કૂમળો દીકરો સાધુ બનવા માગે છે. તું માનીશ નહીં, પણ મને થોડો અંદાજ આવી ગયેલો કે છેવટે તને આવો જ કંઈક ધંધો સૂઝશે. ખેર, તારે સાધુ જ બનવું હોય તો મને કોઈ વાંધો નથી. (જનરલની વિધવાએ તારા ભણતર માટે રાખેલા અને પોલેનેવે વ્યાજે મૂકેલા) તારા પેલા બે હજાર રુબલ તો હવે તને મળી જ ગયા છે. તને એ પૈસા જોઈતા હોય તો ઠીક છે, એ ‘દહેજ તું પાસે રાખી શકે છે. રહી મારી વાત. તો એક વાતની ખાતરી રાખજે કે હું તને ક્યારેય નિરાશ નહીં કરું.

જો એ લોકો તને મઠમાં એડમિશન આપવા માટે પૈસા માગશે તો હું એ પણ આપીશ. જોકે, એ લોકો પૈસા ન માગે તો આપણે સામે ચાલીને એમના પર દબાણ ન જ કરવું જોઈએ, શું કહેવું છે તારું? અને તું તો જરાય ખર્ચાળ નથી. તું તો પેલા કેનેરી પંખી જેવો છે. અઠવાડિયે બે દાણા મળી રહે તોય ભયો ભયો. પણ હું તને એક બીજા ‘મઠ’ની વાત કહું. એ ‘મઠ’ વિશે મારી પાસે ચિક્કાર જાણકારી છે. એમાં ફક્ત મહિલાઓ જ છે. એ મહિલાઓને ત્યાંના લોકો દેવદાસી તરીકે ઓળખે છે. મારા ખ્યાલથી ત્યાં ત્રીસ દેવદાસીઓ છે. હું ત્યાં ગયો છું. મસ્ત જગ્યા છે. ત્યાં ચેન્જ સારો મળી રહે. એક જ ખામી છે એ જગ્યાની કે ત્યાં એકેય ફ્રેન્ચ બાઈ નથી. એમાં આપણું રશિયન ગૌરવ વચ્ચે આડું આવી જાય છે. મેરા રશિયા મહાન. પણ ફ્રેન્ચ સ્ત્રીઓને લાવવામાં રશિયાને વચ્ચે લાવવાની જરૂર નથી. આમ પણ, એ મઠ અમીર છે. ફ્રેન્ચ મહિલા રાખવી એને પોસાય તેમ છે. ઠીક છે, આજે નહીં તો કાલે, ફ્રેન્ચ છોકરીઓને એ મઠ વિશે ખબર પડવાની જ છે. એટલે એ સામે ચાલીને આવશે. પણ આપણા મઠમાં (જેમાં તું જોડાવા માગે છે ત્યાં) આવું કશું નથી.

અહીં તો ૨૦૦ સાધુ છે તોય એકેય દેવદાસી નથી. અહીં તો સાધુઓ ડાહ્યાડમરા થઈને ઉપવાસ પણ કરે છે. હં... તો તું તારે સાધુ બનવું છે. જો દીકરા, સાચું કહું છું... તું ઘર છોડીને, મને છોડીને જાય એ વાત મને નથી ગમતી. તારી સાથે હું બહુ એટેચ્ડ થઈ ગયો છું. બાકી હું કોઈની સાથે બંધાઉં એવો છું નહીં. છતાં, તારી મને એટલી માયા લાગી ગઈ છે કે ખુદ મને જ એની નવાઈ લાગી રહી છે... હા, તું સાધુ બનીશ એમાં એક ફાયદો છે. તું અમારા જેવા પાપીઓ માટે પ્રાર્થના કરી શકીશ. બાકી, અમે પાપીઓ તો પ્રાર્થના કરવાને પણ લાયક નથી રહ્યા. હા, યાર, મને ઘણી વાર એવો વિચાર આવે કે મારા માટે કોઈ પ્રાર્થના કરશે ખરું? મેં તો માની લીધેલું કે આ દુનિયામાં એવો એક પણ માણસ નથી, જે મારા માટે પ્રાર્થના કરે, પણ હું કેટલો મૂરખ હતો! છોકરું તો કાંખમાં જ હતું. હું સાવ જ ડોબો હતો. ઠીક છે, મારામાં અક્કલ ભલે નથી, છતાં ક્યારેક હું આ બધી વાતો વિશે વિચારું છું ખરો. સતત ભલે નહીં, પણ ક્યારેક મને એવો વિચાર આવે ખરો કે હું તો જેવો મરીશ કે તરત શેતાનો આવીને એમના હૂક સાથે ભરાવીને મને ખેંચી જશે. પણ પછી મને એવો વિચાર આવે કે એ હૂક કેવો હશે? એ હૂક શેનો બનેલા હશે? શું એ લોખંડનો હૂક હશે?

જો હૂક લોખંડનો બનેલો હોય તો ત્યાં નરકમાં લોઢાને ગાળીને હૂક બનાવવાની ભઢ્ઢી, પણ હોવી જોઈએ ને! તો શું ત્યાં લુહારની કોઢ-વર્કશોપ હશે? મઠના સાધુઓને તો એ વાતની ખાતરી જ છે કે નરકમાં, આવું બધું હોય જ, કમસે કમ છત તો હોય જ. પણ મારા જેવા માણસને એવા નરકની કલ્પના ગમે જ્યાં છત જ ન હોય. નરકમાં છત ન હોય તો એ જરા... વધુ શિષ્ટ અને સંસ્કારી અને પ્રબુદ્ધ લાગે. આમ તો, નરકમાં છત હોય કે ન હોય શો ફરક પડે છે? પણ ફરક પડે છે, બહુ જ મોટો ફરક પડે છે. જો નરકમાં છત ન હોય તો હૂક પણ ન હોય. અને હૂક જ ન હોય તો સજા કરવાની આખી વાત જ પડી ભાંગે છે. પણ પાછું એય સાલું માની શકાય તેવું નથી. કારણ કે જો એ લોકો મારા જેવા માણસને ઢસડીને નરકમાં હૂકે ન ટાંગે તો આ જગતમાં ન્યાય જેવું રહ્યું જ શું? ના, ના... ત્યાં હૂક ન હોય, મારા જેવા માણસ માટે પણ હૂક ન હોય, એ તો કેમ બને?

દીકરા, તું તો જેની જરા સરખી કલ્પના પણ નહીં કરી શકે એવાં એવાં ગંદાં કામ મેં કર્યા છે.’ ‘પણ ત્યાં હૂક નથી.’ અલ્યોશા ધીમેથી અને ગંભીરતાથી બોલ્યો. એ એકદમ ધ્યાનપૂર્વક પિતાને જોઈ રહ્યો હતો. ‘મને ખબર છે. મને ખબર છે. હૂક નહીં તો હૂકનો પડછાયો છે. પણ તને કઈ રીતે ખબર પડી કે ત્યાં હૂક નથી? એ તો આપણે જોઈશું કે સાધુઓ સાથે થોડો સમય વીતાવ્યા પછી તું કેવો રાગ આલાપે છે. છતાં, તું જેટલો સમય ત્યાં છે એ દરમિયાન હૂક વિશે બરાબર તપાસ કરજે. અને તને કંઈક જાણવા મળે તો મને આવીને કહેજે. આ તો શું કે બીજી દુનિયામાં પ્રવેશતાં પહેલાં ત્યાં મારે શું શું વેઠવાનું છે એનો આછો અંદાજ હોય તો મને થોડું સારું પડે. અને આમ પણ, મારા જેવા બુઢ્ઢા દારૂડિયા સાથે અને બજારુ ઔરતો સાથે રહે તો પણ તું બગડી જાય એવો તો નથી- તું તો સ્વચ્છ ફરિશ્તો છે- છતાં, તું મઠમાં રહે એ જ સારું છે.

ત્યાં મઠમાં પણ તને કોઈ બગાડી શકશે નહીં એવી મને આશા છે એટલે જ તો હું તને ત્યાં જવા દઉં છું. પણ મને એ નથી સમજાતું કે શેતાનો જેમ મારું ભેજું ખાઈ જાય છે એમ તારું ભેજું કેમ નથી ખાતા? ઠીક છે, અત્યારે તારી અંદર મઠમાં જવાની આગ બહુ ભભૂકી રહી હોય તો જઈ આવ. પણ પછી એ આગ ઠરી જશે. તું લાઈન પર આવી જઈશ. ત્યારે તું બીજે ક્યાંય ન જતો. ત્યારે તું મારી પાસે પાછો આવતો રહેજે. હું તારી અહીં જ, આ ઘરમાં રાહ જોઈશ, કારણ કે મને ખબર છે કે આવડી મોટી આ દુનિયામાં એકલો તું જ એવો છે જેણે ક્યારેય મને વખોડ્યો નથી. તને મારા તરફ અણગમો નથી એવી એક લાગણી મારી અંદર જે છે તે... તે એટલી પ્રબળ છે... કે...’ આટલું કહેતાં ફ્યોદોર રડી પડ્યો.
એ એવો જ હતો, લુચ્ચો છતાં લાગણીશીલ. ખંધો છતાં રોતલ.

No comments:

Post a Comment