August 24, 2010

ગુજરાતી બચાવો ન્યૂ બ્રાન્ડ નોનસેન્સ નુસખા!

ગુજરાતી ભાષા મરી રહી છે કે બીમાર છે કે કોમામાં છે કે ઊંઘમાં છે એ વિશે અનેક િંચતનો, ચર્ચાઓ થાય છે. આજે ગુજરાતીને બચાવવાના કેટલાંક અંતરંગી આઇડિયાઓ જોઇએ.

ટાઇટલ્સ

ઉન કો પ્યાર પે ગુસ્સા આતા હૈ,
હમેં ગુસ્સે પે આતા હૈ પ્યાર!

ગુજરાતી ભાષા મરી રહી છે કે બીમાર છે કે કોમામાં છે કે ઊંઘમાં છે કે જીવી રહી છે કે જીવવા માગે છે વગેરે વિશે અનેક ચિંતનો, ચર્ચાઓ થાય છે, થવી પણ જોઇએ. પણ સચ્ચાઇ એ છે કે મોટાભાગના સાહિત્યકારો કે લેખકોનાં બાળકો અંગ્રેજી મીડિયમમાં ભણે છે, ભણ્યા છે અને ભાગ્યે જ કોઇ એવા જ કોઇ ગુજરાતી ભાષામાં અધ્યાપક, પ્રોફેસર લેખકો બન્યા છે. આજે આશય ગોસપિનો નહીં, સ્વીટ ગુજરાતી ભાષાને બચાવવાનો છે અને અમારી પાસે થોડા અંતરંગી આઇડિયાઓ છે જેમ કે...

આઇડિયા-૧: પ્રેમપત્રોની ગુજરાતીમાં મફત ટયુશન સર્વિસ સેવા

જેમ દરેક જુવાન વ્યક્તિને ખીલ થાય એમ પ્રેમપત્ર લખવાનું ફીલ પણ થાય. જે કોઇ જન્મે છે એ એકવાર મરે પણ છે. એમ એ એકવાર પ્રેમમાં પણ પડે છે અને દરેક પ્રેમ કરનારને પ્રેમપત્ર લખવાના પ્રોબ્લેમમાંથી તો ગુજરવું તો પડે જ છે. ઇશ્કની ઇમ્પોસબિલ મહેનતનો આ એક એવો આગનો દરિયો છે, જેમાં દરેકે એકવાર તો ડૂબકી મારવી જ પડે છે. એટલે જ ગામેગામ, શહેર શહેર ગુજરાતીમાં પ્રેમપત્રો લખવાની મફત ટયુશન સર્વિસ શરૂ કરવી જોઇએ. જુવાનિયાઓ પ્રેમી-પ્રેમિકાને પટાવવા માટે એટલા ડેસ્પરેટ હોય છે કે ગુજરાતી શું તમિળમાં પણ પ્રેમપત્ર લખવાનું શીખવા તૈયાર થઇ જશે અને એ રીતે ભાષા વાઇરસની જેમ ફેલાઇ જશે.

દરેક ગુજરાતી ભાષાપ્રેમીએ આ બીડું ઝડપી લેવા જેવું છે, કારણ કે જો કોઇ કપલ, આ પ્રેમપત્ર ટયુશન સર્વિસને કારણે આગળ જઇને પરણશે તો આખી જિંદગી એ ગુજરાતી ભાષાને યાદ રાખશે અને જો લગ્ન નિષ્ફળ જશે તો પણ એ લોકો ગુજરાતીમાં જ ગાળો આપશે. અને અગર જો એ કપલ્સમાંથી જો કોઇકનું લગ્નજીવન સફળ થશે તો પણ એ કપલ પોતાના બાળકોને બુઢાપામાં કિસ્સાઓ સંભળાવશે કે કેવી રીતે વર્ષો પહેલાં ગુજરાતીમાં લવલેટર લખેલા, એમાં કેવી ભૂલો હતી, કેવી વેવલી અને વાયડી વાતો હતી, કેવી બાલિશ ગુજરાતી કવિતાઓ ટાંકેલી વગેરે.

આમ, ભાષા પેઢી દર પેઢી પ્રેમપત્રો દ્વારા આગળ ચાલશે. હું તો કહું છું કે શાળાઓ કોલેજોમાં એક કમ્પલસરી સબજેકટ હોવો જોઇએ કે ગુજરાતીમાં પ્રેમપત્ર કેમ લખવા. આનાથી બાળકોની ભાષાશક્તિ તો ખીલશે જ પણ બોરિંગ વ્યાકરણ કે ગાંધીજીની આત્મકથા ભણાવીને કંટાળેલા ટીચરોને પણ જરા બે ઘડી ગમ્મત થશે.

ઇન્ટરવલ

ના ના ડાર્લિંગ, હું છોકરીને કિસ નહોતો કરતો, હું તો એના બે હોઠ વચ્ચે કાનાફૂસી કરતો હતો.
(ગ્રાઉચો માકર્સ)

પછી તો પરીક્ષામાં એવા પ્રશ્નો પણ મૂકી શકાશે કે ‘ધારો કે તમે રાખી સાવંતના પ્રેમમાં છો અને તો એને પ્રપોઝ કરતો પત્ર લખો. ભાષામાં અ®લીલતા ઓછી હશે તો એક્સ્ટ્રા માકર્સ મળશે!’ અથવા તો ‘તમે ગાંઠિયાનો સ્ટોર ચલાવો છો અને ત્યાં રોજ ફાફડા ખરીદવા આવતી છોકરીને, દુકાનના ગલ્લે બેસીને કેવો પ્રેમપત્ર લખશો? ગાંઠિયા, મરચાં વિશે ફાલતુ વર્ણનો કરશો તો માકર્સ કપાશે.’ આનાથી યુવાપેઢીના તન-મનનો અને આપણી ભાષાનો વિકાસ રાતોરાત થશે. પ્રેમપત્રની પાઠશાળા માટે અમુક ગાઇડ્સ જેવી કિતાબો પણ ફટાફટ છપાવા માંડશે અને પબિ્લશરો પણ કમાશે. એ ગાઇડમાં અમુક સેમ્પલ પ્રેમપત્રો હશે.

જેમ કે,
એક ચિંતકનો પ્રેમપત્ર :

પ્રિય, જેમ હરિયાળા ખેતરો નષ્ટ કરીને આજના સમાજે એને એરપોર્ટ બનાવી નાખ્યા છે, એમ મેં મારા દિલને નષ્ટ કરીને તારા આગમન માટે રોમાન્સનો રન-વે બનાવ્યો છે. જેમ પતંગિયું આકાશમાં ઊડીને રંગોની રંગોળી પૂરે છે એમ તું મારા મનમાં મેઘધનુષ રચે છે. તારા ખીલમાં મને ‘અ-ખિલ’ બ્રહ્નાંડ દેખાય છે. તને જોઇ મારું હૈયું ગદ્ગદ્ છે, તું જ આત્માનું ઉપનિષદ છે! તારા ચહેરામાં જ ચારેય ‘વેદ’ સમાયા છે, તું ‘ના’ કહીશ તો એ ‘વેદના’ બની જશે વગેરે. આવા પ્રેમપત્રોથી સ્ટુડન્ટમાં કાલાઘેલા વેવલા વિચારોને છુપાવવાની કલા પણ ખીલશે. વળી, વેદ, ઉપનિષદ કે ઝેનકથાઓની ડાહીડાહી વાતોનો પ્રચાર પણ થશે એ તો અલગ! અને જો ટીનએજરોને જીતવાનો પણ પ્રયાસ કરવો હોય તો એ માટે પણ ગાઇડ પુસ્તિકામાં સેમ્પલ પ્રેમપત્ર રેડી હશે, જેમ કે,

કોઇ યુવા લેખકનો પ્રેમપત્ર:

હાય, ફ્રેન્ડ, યુ નો વ્હોટ? આજે મારા મનમાં ગુગલ સફિઁગ કરંુ છું તો બધે તું અને તું જ દેખાય છે. વ્હુ-હા-હા-હા... વાઉ, શું ગ્રેટ ફીલિંગ છે! હું પુિલ્લંગ અને તું સ્ત્રીલિંગ છે. વેલ, લવ એટલે લવ એટલે લવ, તમે એને કબૂતર કહો કે કહો ‘ડવ’. હેય ડિયર, કાલે મલ્ટિપ્લેક્સના અંધારામાં જ્યારે મેં લેટેસ્ટ હોલિવૂડ ફિલ્મ જોઇ ત્યારે તને બહુ મિસ કરી! પોપકોર્ન ખાતાં ખાતાં વિચાર્યું કે ‘હમ આપકે હૈં કૌન’? ચેતન ભગતથી લઇને નિરંજન ભગત સુધી બધાના પ્રેમ, પ્રીત, લવનાં કૂલ કવોટેશન્સ ટપકાવી શકું એટલો હું વેલરેડ છું, પણ તોય તારા માટેના પ્રેમને હું વ્યક્ત નહીં કરી શકું.

હેય સ્વીટહાર્ટ, ચાલને એક રૂખીસુખી સાંજને ભીગીભીગી બનાવીએ, તું અને હું થોડું ચીગીવીગી-ચીગીવીગી કરીએ વગેરે. બોલો, છે ને જમાના સાથે તાલ મિલાવતો પ્રેમપત્ર? આવા પ્રેમપત્રોથી યંગસ્ટર્સનું એકબીજા તરફ અને ગુજરાતી ભાષા તરફ ખેંચાણ વધશે અને રંગબેરંગી ચોપડીઓનું વેચાણ પણ વધશે! તો ગુજરાતી બચાવોના સપિાહીઓ, જાગો! પ્રેમપત્રોની પાઠશાળા ખોલો અને પ્રેમપૂર્વક ભાષા તરફ લોકોને પાછા વાળો!

આઇડિયા-ર: શેરબજારનો વ્યવહાર માત્ર ગુજરાતીમાં

આપણે ગુજરાતીઓ બહુ ‘શેર દિલ’ લોકો છીએ. આપણે ઓકિસજન વિના જીવી લેશું, પણ શેરબજાર વિના નહીં. ‘સેક્સ’થી વધુ આપણને ‘સેનસેક્સ’માં રસ પડે છે. એટલે જ જો દેશની સર્વ શેરબજારોનો વ્યવહાર કમ્પલ્સરી ગુજરાતીમાં કરી નાખવામાં આવે તો દુનિયાનો અંત આવે ત્યાં સુધી ગુજરાતી ભાષા કોક્રોચની જેમ ટકી જશે! અને ધંધો કરવો હશે તો બીજી ભાષાના લોકોએ પણ જખ મારીને ગુજરાતી શીખવી પડશે એ અલગ!

જરા વિચારો કે લાખો કરોડો કમાતી કે ગુમાવતી વખતે સટોડિયાઓના મોંમાંથી જે ગુજરાતી શબ્દ નીકળશે એ હજારો કવિતા, ગઝલોથી પણ વધુ ધારદાર હશે! અને પછી તો ‘રિલાયન્સ રાખે એને કોણ ચાખે?’ કે ‘ટિસ્કો ક્યાંય નથી ટર્ન ઓવરમાં’ કે ‘ધીમે ધીમે ભાવ ઉતરતી શેરબજારની સાખે આપણે ડીલ કર્યાનું યાદ!’ જેવી શેરબજારૂ કવિતાઓ પણ માર્કેટમાં લખાવા માંડશે! તો બસ, એક વાર શેરબજારના સોદાઓ વાતચીત, હિસાબ કિતાબ પેપરવર્ક, બજાર વિશેના લેખો, ચોપડાઓ બધું ગુજરાતીમાં ફરજિયાત કરીને જુઓ અને પછી જુઓ કે ગુજરાતી ભાષાની માર્કેટવેલ્યુ ક્યાંથી ક્યાં જાય છે!

આઇડિયા-૩: ટીકાકારોને રોજ ૧૦ પત્રો ગુજરાતીમાં લખો

એક માણસને બહુ બધી ભાષાઓ આવડતી હતી. એની આસપાસના લોકોને સમજાતું નહીં કે એની સાચી ભાષા કઇ છે? તો એકવાર એ જ્યારે ઊંઘતો હતો ત્યારે કોઇએ એના પર ગરમ પાણી ફેંકર્યું. ત્યારે એણે તરત જાગીને પોતાની માતૃભાષામાં ગાળો આપી અને એની સાચી ભાષા પકડાઇ ગઇ. એટલે કે ગાળો આપવામાં માણસની સાચી ભાવનાઓ બહાર નીકળે છે. તો જો એક ફતવો બહાર પાડવામાં આવે કે ગુજરાતી સમાજ, રાજનીતિ, કોમવાદ, ભ્રષ્ટાચાર, સેકયુલરવાદ કે નેતાઓ વગેરે વિશે જો કોઇ માણસ જરાક પણ ટીકા કરે તો દરેક ગુજરાતપ્રેમીએ એને રોજ તેજાબી કડવી ભાષામાં ૧૦૦-૧૦૦ ધમકાવનારા પત્રો કે ઇ-મેલ લખવાના.

આમ કરવાથી પૂણ્ય મળશે એવા ૭-૭ પોસ્ટ કાર્ડઝ પણ આપસમાં વહેતા કરવાના. આ કામ માટે પ્રજા તરત તૈયાર થઇ જશે અને મૃત:પ્રાય ભાષામાં જુસ્સો પણ આવી જશે. લોકોનો દબાયેલો ગુસ્સો બહાર નીકળશે અને એથી નવા શબ્દો પણ જન્મશે. આ સૌથી ઇફેકિટવ અને શ્યોરશોટ આઇડિયા છે. હા, જો કે આવા વિચિત્ર આઇડિયાઓ સાથે ઘણા સંમત નહીં થાય અને એમાં અમારી અજીબ વક્રદ્રષ્ટિ દેખાશે. પણ શું થાય, જ્યારે કોઇનું હૃદય બંધ પડ્યું હોય તો ઇમરજન્સીમાં એની છાતી પર મુક્કાઓ મારીને ફરી જીવાડવાની કોશિશ કરવી પડે ને? તો ચાલો, અજમાવી જોઇએ, આ ગાંડાઘેલા આઇડિયાઝ?

એન્ડ ટાઇટલ્સ

ઇવ: ડાર્લિંગ, તને હું શું ગિફ્ટ આપું?
આદમ: બે મિનિટનું મૌન, બસ!

1 comment:

  1. હું પણ માતૃભાષા બચાવીશ.


    jaygujarat.wordpress.com

    ReplyDelete