વાચક મિત્રો, છેલ્લા ૩૬ અઠવાડિયાથી ચાલી રહેલી આ લેખમાળા આજે સમાપ્ત થઇ રહી છે. આવો, આખી લેખમાળાનું ટૂંકમાં પુનરાવર્તન કરી લઇએ. સૃષ્ટિનો સ્વભાવ સમૃદ્ધિનો છે. સંબંધો, તંદુરસ્તી, સર્જન, ગમતું કાર્ય, સમાજસેવા, મનોરંજન અને અધ્યાતમ આ સાતેય સુખ જો સંતુલિત માત્રામાં મળે તો એ લાઇફને રિચ લાઇફ કહી શકાય. એના માટે ધનવાન બનવું જરૂરી છે. ભૂતકાળમાં અને વર્તમાનમાં જે લોકો ધનવાન બન્યા છે તેમણે સમૃદ્ધિના સનાતન સિદ્ધાંતોનો જાણ્યે અજાણ્યે અમલ કર્યો જ છે. ધનવાન બનવાનો નિર્ણય એ ધનવાન બનવાના પ્રારંભને આકાર આપવાનું પહેલું પગથિયું છે.
જ્યાં મનની સમૃદ્ધિ ત્યાં ધનની સમૃદ્ધિ. સમૃદ્ધિનો પહેલો સિદ્ધાંત કહે છે કે, ધન હંમેશા ખર્ચાવા માટે જ આવે છે. બીજો સિદ્ધાંત કહે છે કે, અનેક લોકોના ફાયદા માટે જોઇતું ધન જલદી આવે છે. ત્રીજા સિદ્ધાંત મુજબ જે આપે છે તેને મળે છે, વધુ આપો- વધુ મેળવો. જો ધનવાન બનવું હોય તો મન સમૃદ્ધિના વિચારોથી ઠસોઠસ ભરી રાખવું જોઇએ.
તમારું મન સમૃદ્ધિના જ વિચારો વધુ પેદા કરે એ માટે એને સમૃદ્ધિની વધુને વધુ માહિતી પૂરી પાડૉ. સકારાત્મક અને માર્ગદર્શક પુસ્તકો વાંચો. તમને જે જોઇએ છે તેના જ વિચારો કરો. સૃષ્ટિમાં બધું જ મબલખ છે, ભરપૂર માત્રામાં છે. તમારું આર્થિક ભવિષ્ય એવું જ બનવાનું છે કે જેવું તમે માનો છો. જો માન્યતા બદલાય તો જીવન બદલાય. દરેક વ્યક્તિ પોતાની નકારાત્મક માન્યતાઓને બદલી શકે છે. જે લોકો મની મેગ્નેટ બની ચુકાય છે તેની પાછળ પૈસો દોડે છે. મનની શાંત અવસ્થામાં પ્રબળ લાગણીથી તમે ધનવાન હોવાનું વઝિયુલાઇઝેશન કરતા રહો, તો ધનવાન બનવાની તકો ખેંચાઇ આવે છે. હંમેશાં સમૃદ્ધિની ભાષા વાપરો, સકારાત્મક શબ્દો જ વાપરો. લોકો નકારાત્મક સલાહ આપે ત્યારે ‘અવેરનેસ’ દ્વારા એમના શબ્દોને ત્યાં જ રોકી લો.
આપણું દરેક કામ વિકાસ પામવાના હેતુથી જ થવું જ જોઇએ. આપણાં કામ કરતા જ્યારે આપણે વધુ લાયકાત કેળવીએ છીએ ત્યારે એ કામની અસરકારક્તા અનેકગણી વધી જાય છે. જો ગમતા કામને વ્યવસાય બનાવો તો સફળતાના ચાન્સ વધી જાય છે. ધનવાન બનવા માટે અહીં દર્શાવેલ વૈજ્ઞાનિક પદ્ધતિ શુદ્ધ છે, શાસ્ત્રીય છે, સર્જનાત્મક છે. આપણાં રોજિંદા પ્રયત્નો ટેમ્પરરી સાંધા કરવાના બદલે એવા હોવા જોઇએ કે જેથી જિંદગી ખરેખર બની જાય રિચલાઇફ.
રિચલાઇફ શ્રેણીના ટૂંકસાર સહિત તમે અહીં સુધી પહોંચ્યા છો. હવે શું બાકી રહે છે? બાકી રહે છે માત્ર અમલ. તબક્કાવાર આ પદ્ધતિનો અમલ કરશો એટલે તમે પણ ખૂબ જ સારી આર્થિક પ્રગતિ કરશો એની મને ખાતરી છે. કારણ કે આ વિજ્ઞાનનો મેં જ્યારથી ઉપયોગ શરૂ કર્યો છે ત્યારથી મારી સફળતા અનેકગણી વધી ગઇ છે. અસંખ્ય લોકોને આ વિજ્ઞાન હું વર્ષોથી શીખવું છું. એમને પણ પરિણામો મળે છે. આ લેખમાળા શરૂ થઇ ત્યારથી એને વાંચીને, અમલ કરીને ફાયદો મેળવનાર લોકોના પણ અનેક ફોન આવતા રહે છે. મતલબ કે આ વિજ્ઞાન કામ કરે છે.
આપ ખૂબ ધનવાન બનો, પારિવારિક સંબંધો ખૂબ ગાઢ બને, આપ સ્વસ્થ- તંદુરસ્ત રહો, હંમેશા કંઇ નવસર્જન કરતા રહો, ગમતું કામ કરવાની અનુકૂળતા અને સમય મળે, સુખ અને શાંતિ સાથેનું વૈભવી જીવન જીવો, સમાજને મદદ કરવાની ઇચ્છાઓ પૂરી થાય અને આપ ખૂબ જ આધ્યાત્મિક ઉન્નતિ પામો એ બધું શક્ય છે. એવી લાઇફ એ જ રિચલાઇફ. આપની લાઇફ રિચલાઇફ બનો. શુભેચ્છાઓ!‘
સોનામહોર: મનને કેળવો, સમૃદ્ધિ મેળવો.
No comments:
Post a Comment