November 23, 2011

વિક્રમ અકુલા SKS છોડવાની તૈયારીમાં

દેશની એકમાત્ર લિસ્ટેડ માઇક્રોફાઇનાન્સ કંપની એસકેએસ માઇક્રોફાઇનાન્સના સ્થાપક અને ચેરમેન વિક્રમ અકુલા કંપની છોડવાની શરતો નક્કી કરી રહ્યા છે. એસકેએસને તેમણે 13 વર્ષ અગાઉ સ્થાપી હતી. બુધવારે કંપનીના બોર્ડની બેઠક મળશે જેમાં તેમના રાજીનામા અને સેટલમેન્ટની શરતો ચર્ચાશે.
 
એસકેએસ ઇન્ડિયાના બોર્ડના સ્વતંત્ર ડિરેક્ટર અને એનસીડેક્સના ભૂતપૂર્વ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર પી એચ રવિકુમાર હવે કંપનીના નોન એક્ઝિક્યુટિવ ચેરમેન બનશે. એસકેએસ બોર્ડના કેટલાક સભ્યોએ અકુલા પર એક્ઝિક્યુટિવ ચેરમેનપદ છોડવાનું દબાણ કર્યું હતું કારણ કે તેઓ સતત પ્રવાસ કરતા હોવાથી ફુલ ટાઇમ એક્ઝિક્યુટિવ તરીકે કામ કરવું મુશ્કેલ બને છે.
 
પ્રવાસ ઉપરાંત બિઝનેસ વ્યૂહરચના અંગે પણ બોર્ડના સભ્યો અને અકુલા વચ્ચે મતભેદ છે. સોના સામે  લોનના બિઝનેસમાં વૈવિધ્યીકરણ તથા લાઇફ ઇન્શ્યોરન્સ પ્રોડક્ટ વેચવા અંગે કંપનીમાં મતભેદ છે. અકુલા પર રાજીનામું આપવાનું દબાણ છે. અકુલા એસકેએસના બોર્ડમાંથી નીકળી જાય તેવી શક્યતા છે.
 
હિલચાલથી વાકેફ એક સૂત્રે જણાવ્યું હતું કે , અકુલા કંપનીના મેનેજમેન્ટ સાથે સેટલમેન્ટની શરતો નક્કી કરવા ઉત્સુક છે. સેટલમેન્ટમાં રૂ.પાંચ કરોડના રોકડ કોમ્પોનન્ટ અને એમ્પ્લોયિઝ સ્ટોક ઓપ્શનના રક્ષણનો સમાવેશ થાય છે જેનું મૂલ્ય રૂ. 9 કરોડ જેટલું છે.
 
એસકેએસના પ્રવક્તાએ આ વિશે ટિપ્પણી કરી ન હતી. અકુલાએ 2004 સુધી એસકેએસનું નેતૃત્વ કર્યું હતું જ્યારે તેઓ મેકિન્સી એન્ડ કંપનીની શિકાગો સ્થિત ઓફિસમાં કન્સલ્ટન્ટ તરીકે જોડાયા હતા. ત્યાર બાદ 2005 માં તેઓ એસકેએસમાં ફરી આવ્યા હતા જ્યારે તેને નફો કરતી કંપનીમાં રૂપાંતરિત કરવામાં આવી હતી.
 
એસકેએસના ધિરાણકાર અને વરિષ્ઠ બેન્કરે કહ્યું હતું કે , કોઈ સંભવિત કાનૂની વિવાદ ટાળવા માટે બોર્ડ અકુલા સાથે સમાધાન કરવા ઉત્સુક છે. તેઓ ડિરેક્ટર તરીકે બોર્ડમાં ચાલુ રહે તેવી પણ શક્યતા છે. જોકે તેની શરતો વિશે વાટાઘાટ ચાલુ છે.
 
એક બેન્કરે જણાવ્યું હતું કે વાતચીત કેટલાક સમયથી ચાલુ છે કારણ કે અકુલા અમેરિકા પરત જવા માંગે છે. એસોસિયેશન ઓફ કોમ્યુનિટી ડેવલપમેન્ટ ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂટ્સના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સા-ધાને જણાવ્યું હતું કે , રોકાણકારોના સેન્ટિમેન્ટને અસર થશે. જોકે અત્યારે તો સૌથી મોટી ચિંતા આ સેક્ટરમાં ફાઇનાન્સની અછતને લગતી છે.

No comments:

Post a Comment