November 23, 2011

કોમર્શિયલ લોન્ચ પહેલાં જ ટેબલેટ આકાશ સુપરહિટ

વિશ્વનું સૌથી સસ્તું 35 ડોલરનું ટેબ્લેટ પીસી રજૂ કરનાર બ્રિટિશ કંપની ડેટાવિન્ડ ભારતમાં તેના ટેબ્લેટનું કોમર્શિયલ વર્ઝન લોન્ચ કરે તે પહેલાં જ ત્રણ લાખ નંગનું બુકિંગ મેળવ્યું છે અને તે સમગ્ર ટેબ્લેટ માર્કેટ કરતાં આગળ નીકળી ગયું છે.

ભારતમાં દર વર્ષે 2,50,000 નંગ ટેબ્લેટનું વેચાણ થાય છે જેમાં એપલના આઇપેડ , સેમસંગના ગેલેક્સી ટેબ અને રિલાયન્સના થ્રીજી ટેબનું પ્રભુત્વ છે.

રૂ. 3,000 ની કિંમતના વિશ્વના સૌથી સસ્તા ભાવના ટેબ્લેટના વિતરણ માટે એરસેલ એક્સ્ક્લુઝિવ પાર્ટનર બને તેવી શક્યતા છે. તેની સાથે રૂ. 99 નો એક મહિનાનો ઇન્ટરનેટ પ્લાન પણ આવશે.

ડેટાવિન્ડના સીઇઓ સુનીત સિંઘ તુલીએ જણાવ્યું હતું કે , અમે ડિસેમ્બરના અંત સુધીમાં ટેબ્લેટનું રિટેલ વેચાણ શરૂ કરીએ તે પહેલાં અમારી વેબસાઇટ પર 3,00,000 નંગનું બુકિંગ મેળવ્યું છે. જોકે આ બુકિંગ માટે ડેટાવિન્ડને એડ્વાઇન્સમાં કોઈ નાણાં મળ્યાં નથી.

ટેબ્લેટ માર્કેટર્સના જણાવ્યા મુજબ આગામી વર્ષમાં બજારમાં આ પ્રોડક્ટનો વિસ્ફોટ થવાની ધારણા છે કારણ કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને ભારતી ગ્રૂપ પણ સસ્તા ડેટા પ્લાન સાથે તેમના ટેબ્લેટ ઓફરિંગ માટે સજ્જ થઈ રહ્યા છે , જેને કારણે ભાવયુદ્ધ છેડાય તેવી શક્યતા છે.

સૌથી સસ્તા ટેબ્લેટ આકાશને કોમર્શિયલ વર્ઝનમાં કેપેસિટિવ ટચ સ્ક્રીન અને ઝડપી પ્રોસેસર સાથે અપગ્રેડ કરવામાં આવશે. કોમર્શિયલ વર્ઝનમાં ડેટાવિન્ડ રૂ. 400 નું એટેચેબલ કીબોર્ડ સપ્લાય કરવાનું વિચારે છે જેથી રૂ. 3,400 માં એક મિની પોર્ટેબલ કમ્પ્યુટર તૈયાર થઈ જશે. ડેટાવિન્ડે ભારત સરકારને 10,000 ટેબ્લેટ નેશનલ મિશન ફોર એજ્યુકેશન માટે રૂ. 2,250 ના ભાવે આપ્યા છે. આ ઉપકરણનો વિદ્યાર્થીઓ દ્વારા ઉપયોગ થાય છે.

ભારતી ગ્રૂપની બીટેલ જેવી કંપનીઓ પણ સ્પર્ધામાં જોડાવા સજ્જ થઈ રહી છે. બીટેલ ટેલિટેકના ચીફ એક્ઝિક્યુટિવ વિનોદ સ્વાહ્ની જણાવે છે કે , 2011 માં રૂ. 9,999 માં ટેબ્લેટ (મેજિક) રજૂ કરનારા અમે સૌ પ્રથમ હતા. જાન્યુઆરીથી અમે પૂર્ણ કક્ષાએ જઈશું અને ટેબ્લેટનું ત્રીજું વર્ઝન લોન્ચ કરીશું.

રિલાયન્સ કોમ્યુનિકેશન્સના ગ્રૂપ હેડ ફોર માર્કેટિંગ એન્ડ બ્રાન્ડિંગ સંજય બેહલ ઉમેરે છે કે ટેબ્લેટનું માર્કેટ દર વર્ષે બમણું થઈ રહ્યું છે. રિલાયન્સ ટેબ ભારતીય ટેબ્લેટ માર્કેટમાં એપલના આઇપેડ અને સેમસંગના ગેલેક્સી ટેબ્લેટ બાદનું ત્રીજું સ્થાન ધરાવે છે.

આરઆઇએલ પણ આગામી વર્ષે રૂ. 6,000 માં 4- જી ટેબ્લેટ લોન્ચ કરે તેવી શક્યતા છે. મુકેશ અંબાણીની કંપની એક જીબી દીઠ રૂ. 10 ના નીચા ભાવે ડેટા ડાઉનલોડ ઓફર કરીને બજારમાં ભાવયુદ્ધ છેડી શકે છે. અત્યારે મોટા ભાગના ઓપરેટરો એક જીબી માટે રૂ. 100 ચાર્જ કરે છે.

No comments:

Post a Comment