October 24, 2011

CEO તરીકે યુવાન પ્રતિભા ઇચ્છતા મેનેજર્સ

ભારતીય કોર્પોરેટ જગત પાસે ફેસબુકના 27 વર્ષીય સીઇઓ માર્ક ઝુકરબર્ગ જેવી પ્રતિભા નથી પરંતુ મધ્યમ સ્તરના મેનેજર્સ આ વયજૂથના સીઇઓની નજીક જઈ રહ્યા છે. 200 સિનિયર કોર્પોરેટ એક્ઝિક્યુટિવ્સ પર થયેલા ઇટી સાઇનોવેટ સરવે પ્રમાણે ભારતીય કંપનીઓને ટોચ પર યુવા લોહીની જરૂર છે અને તેની અછતના કારણે કામગીરીને અસર થઈ શકે છે.

77 ટકા મેનેજર્સ ઇચ્છે છે કે તેમના સીઇઓ 35-45 વર્ષની વયજૂથમાં હોવા જોઈએ. 73 ટકા લોકોના માનવા પ્રમાણે તેમના સીઇઓ યુવાન હશે તો કંપની વધુ સારો દેખાવ કરશે. 65 ટકાએ કહ્યું હતું કે સીઇઓની પસંદગી કરતી વખતે બોર્ડે ઉંમરને ધ્યાનમાં લેવી જોઈએ.

હેડ હન્ટર્સ જણાવે છે કે 10 વર્ષ અગાઉની સ્થિતિ કરતાં કોર્પોરેટ ભારતમાં મૂડ બદલાયો છે. એક દાયકા અગાઉ પ્રોફેશનલ્સ ત્રીસીની શરૂઆતમાં સીઇઓની ભૂમિકા સ્વીકારતાં અચકાતા હતા. જોકે આજે તેઓ સંગઠનમાં ફેરફાર કરવા માટે વધુ મુક્ત મન ધરાવે છે અને પાંચ-સાત વર્ષના અનુભવ પછી સીઇઓ બનવા માટે અધીરા પણ બને છે.

આ સરવે પરથી ભારતીય કંપનીઓને સ્પષ્ટ સંદેશ મળ્યો છે- યુવા અને સ્માર્ટ મેનેજર્સ નેતૃત્વની તક માટે લાંબો સમય રાહ જોવા તૈયાર નથી. કંપની તેમને ઓફર નહીં કરે તો તેઓ બહાર જઈને નેતૃત્વની ભૂમિકા શોધશે.

એક વર્ષ અગાઉ 46 વર્ષના સંજય પુરોહિતે લેવી સ્ટ્રોસની સ્થાનિક કામગીરીનું વડપણ સંભાળવા માટે કેડબરી ઇન્ડિયાના એક્ઝિક્યુટિવ ડિરેક્ટરનું પદ છોડ્યું હતું. કેડબરીમાં તેઓ એક દાયકા સુધી ટોચના સ્થાને રહ્યા હતા.

ત્યાર બાદ 44 વર્ષનાં સંગીતા પેન્ડુરકરનો દાખલો છે. કોકા-કોલા ઇન્ડિયાના સ્ટ્રેટેજી અને કોમર્શિયલ બેવરેજિસના વાઇસ પ્રેસિડન્ટે ગયા સપ્ટેમ્બરમાં પીણાં કંપની છોડીને કેલોગ ઇન્ડિયામાં મેનેજિંગ ડિરેક્ટરનું પદ સ્વીકાર્યું હતું. પેન્ડુરકર જણાવે છે કે મોટા સંગઠનમાં મોટી કામગીરી કરવા માટેની તે તક હતી. જોકે તેઓ માને છે કે ઉંમર કરતાં અનુભવનું મહત્ત્વ વધારે છે.

યુવા મેનેજર્સ માત્ર બેચેન છે એવું નથી. તેમને પોતાની લાયકાત પર પણ વિશ્વાસ છે. ફ્યુચર કેપિટલ હોલ્ડિંગ્સના ચેરમેન વી વૈદ્યનાથન્ કહે છે કે , ઉદારીકરણ અગાઉ વાત અલગ હતી , પરંતુ ભારતમાં છેલ્લાં 20 વર્ષમાં ભારે પરિવર્તન આવ્યું છે.

તેથી દૈનિક ધોરણે છેલ્લાં 15-20 વર્ષનો અનુભવ જ ઉપયોગમાં લેવાય છે. થોડા વર્ષો અગાઉ કે વી કામથે નિવૃત્તિ લીધી ત્યારે તેમના સ્થાન માટે 43 વર્ષના વૈદ્યનાથનના નામની વિચારણા હતી જેઓ માને છે કે ' અનુભવના કારણે બુદ્ધિ વધે છે '.

ચંદા કોચરને કામથની જગ્યાએ લેવામાં આવ્યા ત્યારે વૈદ્યનાથન એક વર્ષ સુધી આઇસીઆઇસીઆઇ ગ્રૂપમાં રહ્યા હતા અને ત્યાર બાદ ફ્યુચર ગ્રૂપમાં હોદ્દો સંભાળ્યો હતો .

આઇસીઆઇસીઆઇ છોડનારાઓ વરિષ્ઠ લોકોમાં તેઓ એકમાત્ર ન હતા . અન્ય બે વ્યક્તિએ પણ લીડરશિપ મેળવી હતી જેમાં 49 વર્ષના શિખા શર્માએ એક્સિસ બેન્ક અને 43 વર્ષના સંજોય ચેટરજીએ ગોલ્ડમેન સૅક્સ સાથે ટોચનું સ્થાન મેળવ્યું હતું.

No comments:

Post a Comment