October 18, 2011

કચ્છના રણોત્સવમાં એક લાખ પ્રવાસીઓ આવવાની સંભાવના

સફેદ રેતી માટે જાણીતા કચ્છના ધોરડો ગામ ખાતે દર વર્ષે રણોત્સવનું આયોજન થાય છે. આ પગલું રાજ્યમાં પ્રવાસન ક્ષેત્રના વિકાસના ભાગરૂપે કાર્યક્રમ આધારિત પ્રવાસનનો ભાગ છે. 9 ડિસેમ્બરથી શરૂ થઈ રહેલો રણોત્સવ એક મહિના સુધી ચાલશે.

રણોત્સવ 2010 માં પ્રથમ ત્રણ દિવસ માટે 450 હંગામી ટેન્ટની માંગ હતી. મહિનાના બાકીના દિવસોમાં આ માંગ ઘટીને 150 ટેન્ટ થઈ ગઈ હતી. રાજ્યના પ્રવાસ સચિવ વિપુલ મિત્રાએ જણાવ્યું હતું કે , અમે ચાલુ વર્ષે સમગ્ર મહિના માટે 450 ટેન્ટનું આયોજન કર્યું છે માટે મુલાકાતીઓની સંખ્યા એક લાખનો આંક વટાવશે. ચાલુ વર્ષે અમે વધુ સુવિધા ઊભી કરી છે. અમે કોર્પોરેટ , બિઝનેસ સેગમેન્ટ અને એનઆરઆઇને લક્ષ્ય બનાવી રહ્યા છીએ.

રણોત્સવ 2010 ના ભાગરૂપે યોજાયેલા હેલિકોપ્ટર રાઇડ , સેન્ડ આર્ટ , કેમલ સફારી , કાઇટ ફેસ્ટિવલ અને ભારત પાકિસ્તાન સરહદની મુલાકાત જેવાં આકર્ષણો 2011 માં પણ રંગ જમાવશે.

રણોત્સવનું સતત છઠ્ઠા વર્ષે આયોજન થઈ રહ્યું છે. ગુજરાતને અગ્રણી પ્રવાસન સ્થળ બનાવવા માટે રાજ્ય સરકાર કાર્યક્રમ આધારિત પ્રવાસન પર ભાર મૂકી રહી છે.

ચાલુ વર્ષે ઓગસ્ટમાં સાપુતારા ખાતે મોન્સુન ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દરરોજ 15,000 પ્રવાસીઓએ ભાગ લીધો હતો. 2010 માં ગુજરાતમાં 2,95,000 આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓનું આગમન થયું હતું જેમાંથી 1,70,000 નોન-રેસિડન્ટ ઇન્ડિયન હતા.

એનઆરઆઇના આગમનની સિઝન પર દર વર્ષે શિયાળામાં રણોત્સવનું આયોજન થાય છે. ટૂરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિમિટેડ (ટીસીજીએલ) જિલ્લા કલેક્ટર કચેરી સાથે એક મહિનો લાંબી ઇવેન્ટનું આયોજન કરે છે.

કચ્છના કલેક્ટર એમ થેન્નારસણે જણાવ્યું હતું કે , સુવિધાની ગુણવત્તા વધારવા પર ભાર મુકાઈ રહ્યો છે. કચ્છ કાર્નિવલમાં બે ડઝનથી વધુ ટેબ્લો હશે જેમાં પરંપરાગત કળા , સ્થાનિક આર્કિટેક્ચર અને પર્યાવરણને લગતા મુદ્દા પ્રદર્શિત કરવામાં આવશે.

પ્રવાસન વિભાગે ગુજરાતને આંતરરાષ્ટ્રીય પ્રવાસન સ્થળ તરીકે રજૂ કરવા માટે બોલિવૂડ મેગાસ્ટાર અમિતાભ બચ્ચનને દર્શાવતી ટીવી જાહેરાત પણ જારી કરી છે .કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા ' જાહેરાત ધોરડો ગામ તેમજ માંડવી બીચને પ્રમોટ કરે છે.

No comments:

Post a Comment