October 18, 2011

પ્યૂજો નવેમ્બરથી ગુજરાત ફેસિલિટી પર કામ શરૂ કરશે

ફ્રેન્ચ કાર ઉત્પાદક પીએસએ પ્યૂજો સિત્રોન નવેમ્બરના પહેલા સપ્તાહથી સાણંદમાં તેના પ્લાન્ટની કામગીરી શરૂ કરશે એમ કંપની સત્તાવાળાઓએ જણાવ્યું હતું. કંપનીએ 1 સપ્ટેમ્બરના રોજ જાહેરાત કરી હતી કે તે દસ વર્ષ બાદ ભારતમાં પાછી ફરશે અને ગુજરાતમાં તેની ફેસિલિટી સ્થાપશે.

અમેરિકન કાર ઉત્પાદક ફોર્ડ મોટર્સે પણ તેની બીજી ભારતીય ફેસિલિટી પર કામગીરી શરૂ કરી દીધી છે જે તેની પ્રથમ કાર 2014 માં બહાર પાડશે. પ્યૂજો રૂ. 4,000 કરોડનું રોકાણ કરવાનું આયોજન ધરાવે છે ત્યારે ફોર્ડ પણ વાર્ષિક 1.65 લાખ કારની ઉત્પાદન ક્ષમતા ઊભી કરવા માટે તેટલી જ રકમનું રોકાણ કરશે.

પ્યૂજોના ઉચ્ચ અધિકારીઓ તાજેતરમાં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા અને તેમના આયોજન અંગે ચર્ચા કરી હતી. મુખ્યમંત્રી કાર્યાલયના એક અધિકારીએ જણાવ્યું હતું કે , પ્યૂજોની ફેસિલિટીનો શિલાન્યાસ કાર્યક્રમ 3 નવેમ્બરના રોજ યોજાશે.

પ્યૂજો સાણંદ ખાતે 600 એકરમાં પ્લાન્ટ સ્થાપી રહી છે. રાજ્ય ઉદ્યોગ વિભાગના સત્તાવાળાઓએ જણાવ્યું હતું કે મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી માટેની ડિઝાઇન નક્કી થઈ ગઈ છે અને કંપનીના અધિકારીઓ ફ્રાન્સમાં તાલીમ લઈ રહ્યા છે.

પ્યૂજોના સત્તાવાળાઓએ પણ કહ્યું હતું કે ઉત્પાદન એકમની કામગીરી ટૂંક સમયમાં પુરજોશમાં શરૂ થશે. યુરોપિયન કાર ઉત્પાદક બી-પ્લસ , સી અને ડી ક્લાસ કારનું ભારતીય બજાર માટે ઉત્પાદન કરશે. તેનું મોડલ 508 સૌ પ્રથમ 2014 માં બહાર પડશે.

કંપની સત્તાવાળાએ અગાઉ જણાવ્યું હતું કે , ભારતીય ગ્રાહકોની જરૂરિયાતને અનુરૂપ સી-ક્લાસ કાર બનાવવામાં આવશે. બાદમાં પ્યૂજો તેની હાઈબ્રિડ (ડીઝલ અને ઇલેક્ટ્રિક) કાર પણ ભારતમાં લાવશે. તેણે ડીઝલ એન્જિન માટે ફોર્ડ સાથે અને ગેસોલિન એન્જિન માટે બીએમડબલ્યુ સાથે જોડાણ કરેલું છે.

કંપનીએ ઉદ્યોગ માટે કુશળ માનવબળ તૈયાર કરવા માટે સંસ્થા સ્થાપવા માટે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ પર હસ્તાક્ષર પણ કર્યા છે. પીએસએ પ્યૂજો સિત્રોનના બોર્ડના ચેરમેન ફિલિપ વરિને જણાવ્યું હતું કે કંપની તેની કારમાં સ્થાનિક સ્પેરપાર્ટ્સનો વધુ ઉપયોગ કરશે.

ગુજરાત સરકારે પ્યૂજોને સાણંદ જિલ્લામાં નોર્થ કોટપુરા ગામમાં ટાટા નેનોના મધર પ્લાન્ટની સાઇટની બાજુમાં 600 એકરનો પ્લોટ આપ્યો છે. આમાંથી 100 એકર જમીનનો વેન્ડરો દ્વારા ઉપયોગ થશે.

પ્યૂજો એક દાયકા બાદ ભારતમાં ફરી પ્રવેશ કરી રહી છે. અગાઉ તેણે પ્રીમિયર ઓટોમોબાઇલ્સ લિમિટેડ સાથે સંયુક્ત સાહસ રચ્યું હતું પરંતુ તે સફળ રહ્યું ન હતું.

ભારત એક દાયકામાં અમેરિકા અને ચીન બાદનું વિશ્વનું ત્રીજા ક્રમનું સૌથી મોટું કાર બજાર બનવા જઈ રહ્યું છે . જોકે , ભારતમાં છેલ્લા ત્રણ મહિનાથી કાર વેચાણમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે .

સોસાયટી ઓફ ઇન્ડિયન ઓટોમોબાઇલ મેન્યુફેક્ચરર્સ ( એસઆઇએએમ ) દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા મુજબ સપ્ટેમ્બર 2011 માં પેસેન્જર કારનું વેચાણ 1,65,925 યુનિટ નોંધાયું હતું જે અગાઉના વર્ષના સમાન સમયગાળાના 1,68,959 યુનિટના વેચાણની તુલનાએ 1.8 ટકા ઓછું છે.

No comments:

Post a Comment