October 18, 2011

પેટન્ટના હક પૂરા થતા હોય તેવી ઓરિજનલ દવાની સંખ્યામાં ઘટાડો તેમજ વેચાણ અને નફાને વેગ આપવા ભારતની ફાર્મા કંપનીઓ નવા બિઝનેસ મોડલ અપનાવી રહી હોવાથી ભારતના દવા બજારમાં છેલ્લાં કેટલાંક વર્ષમાં નવી બ્રાન્ડની રજૂઆતમાં ઘટાડો થયો છે.

આઇએમએસ હેલ્થના ડેટા મુજબ 2010 માં જૂની બ્રાન્ડના વિસ્તરણ સહિત કુલ 2,184 નવી બ્રાન્ડની બજારમાં રજૂઆત કરાઈ હતી , જે 2007 ની 2,506 નવી બ્રાન્ડની સરખામણીમાં 13 ટકાનો ઘટાડો દર્શાવે છે. ઓગસ્ટ 2011 ના રોજ પૂરા થયેલા આઠ મહિના દરમિયાન ફાર્મા કંપનીઓએ માત્ર 1,014 બ્રાન્ડ બજારમાં રજૂ કરી હતી.

દેશની અગ્રણી ફાર્મા કંપનીના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે વૈશ્વિક સ્તરે ઘણી ઓછી ઓરિજનલ દવાના પેટન્ટના હક પૂરા થયા છે , તેથી ઓછી સંખ્યામાં જેનેરિક બ્રાન્ડ રજૂઆત સહજ વાત છે.

આ વૈશ્વિક ટ્રેન્ડ છે. સિપ્લાના સીએફઓ એસ રાધાક્રિષ્નન્ જણાવે છે કે 2005 માં પ્રોડક્ટ પેટન્ટ સિસ્ટમના અમલથી જેનેરિક ફાર્મા કંપનીઓ માટે પેટન્ટ ધરાવતી દવાના જેનેરિક વર્ઝનના વેચાણ પર નિયંત્રણો આવ્યાં છે અને તેના કારણે જેનેરિક બ્રાન્ડની રજૂઆત મર્યાદિત બની છે.

રાધાક્રિષ્નને જણાવ્યું હતું કે તેમની કંપની હાલની બ્રાન્ડના ઉપયોગ અને નવી બ્રાન્ડની રજૂઆતની બેવડી વ્યૂહરચનાનું પાલન કરે છે અને વાર્ષિક ધોરણે 35 નવી બ્રાન્ડ રજૂ કરવાની સરેરાશને જાળવી રાખી છે.

2005 પહેલાં ભારતમાં પ્રોડક્ટ પેટન્ટ વ્યવસ્થા ન હતી અને સ્થાનિક ફાર્મા કંપનીઓ પેટન્ટ ધરાવતી દવાની વૈશ્વિક રજૂઆતનાં થોડાં વર્ષમાં તેનું જેનેરિક વર્ઝન લોન્ચ કરી શકતી હતી. પરંતુ હવે પેટન્ટ ધરાવતી દવાના પેટન્ટની મુદત પૂરી થયા પછી જ તે દવાનું જેનેરિક વર્ઝન લોન્ચ કરી શકે છે.

ફાર્મા એનાલિસ્ટ્સ જણાવે છે કે ભારતની કંપનીઓ પ્રોડક્ટ્સની રજૂઆતમાં ધીમી ગતિએ આગળ વધી રહી છે , કારણ કે કંપનીઓ હવે વેચાણને વેગ આપવા નવા મોડલ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. તેમણે જણાવ્યું હતું કે છેલ્લાં ચાર વર્ષમાં નવી પ્રોડક્ટ્સની રજૂઆતમાં 13 ટકાનો ઘટાડો થયો હોવા છતાં ઘરેલુ દવા બજારમાં વાર્ષિક 15 ટકા વૃદ્ધિદર જોવા મળી રહ્યો છે.

છેલ્લાં કેટલાંક વર્ષમાં ભારતની ફાર્મા કંપનીઓ દ્વારા રજૂ કરવામાં આવેલી નવી બ્રાન્ડ્સની સંખ્યામાં ઘટાડો થયો છે , પરંતુ વિદેશી કંપનીઓ દ્વારા રજૂ કરવામાં આવેલી પ્રોડક્ટ્સની સંખ્યામાં વધારો થયો છે. ફાઇઝર ઇન્ડિયાના એમડી કેવલ હાન્ડાએ જણાવ્યું હતું કે કંપનીએ આ વર્ષે અત્યાર સુધી આશરે 25 નવી બ્રાન્ડ રજૂ કરી છે.

No comments:

Post a Comment