મોબાઇલ સર્વિસ ઓપરેટર આઇડિયાનું મોબાઇલ વાપરો , પૃથ્વી બચાવો પ્રચાર અભિયાન વિવાદમાં સપડાયું છે. અભિષેક બચ્ચનને ચમકાવતા આ એડ્ કેમ્પેઇન સામે ઇન્ડિયન પેપર મેન્યુફેક્ચરર્સ એસોસિયેશન ( IPMA) એ વાંધો ઉઠાવ્યો છે અને આઇડિયા સેલ્યુલરને એડ્વર્ટાઇઝિંગ સ્ટાન્ડર્ડ્સ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા ( ASCI) માં ઢસડી ગયું છે.
પેપર ઉત્પાદકોનો આરોપ છે કે આઇડિયાની જાહેરખબરમાં લોકોને કાગળનો ઉપયોગ બંધ કરીને ઇલેક્ટ્રોનિક માધ્યમ તરફ જવાનો સંદેશ અપાયો છે. આ એડ્માં કાગળ ઉદ્યોગ જાણે પર્યાવરણ માટે જોખમરૂપ હોય તેવું દર્શાવવા પ્રયાસ થયો છે.
બીજી તરફ આઇડિયા સેલ્યુલરે જણાવ્યું છે કે એડ્માં માત્ર કાગળ બચાવવા પર ભાર મુકાયો છે. તેમાં જે દર્શાવાયું છે તે વાસ્તવિક નથી તથા કાગળ ઉદ્યોગ માટે તેઓ આદર ધરાવે છે. આઇડિયાની ટ્રેડમાર્ક સરજી કેમ્પેઇનમાં અભિષેક બચ્ચનને એક વૃક્ષ સમાન દર્શાવાયો છે જે કાગળની જગ્યાએ મોબાઇલનો ઉપયોગ કરીને પૃથ્વીને બચાવવાની હિમાયત કરે છે.
આઇડિયા આ એડ્ને ટીવી પરથી હટાવી રહી છે , પરંતુ આઇડિયા સેલ્યુલરના ચીફ માર્કેટિંગ ઓફિસર પ્રદીપ શ્રીવાસ્તવના જણાવ્યા પ્રમાણે IPMA ની ફરિયાદના કારણે તેઓ એડ્ પાછી ખેંચી રહ્યા નથી.
તેમણે કહ્યું હતું કે , એડ્ કેમ્પેઇન પાછી ખેંચી રહ્યા છીએ કારણ કે તે પ્રચાર ચોક્કસ સમયગાળા માટે હતો જે પૂરો થઈ ગયો છે. હવે અમે નવું પ્રચાર અભિયાન કરીશું પરંતુ તે પેપર ઉદ્યોગે ઉઠાવેલા વાંધા સાથે સંકળાયેલું નથી.
IPMA માં કાગળ ઉદ્યોગની અગ્રણી કંપનીઓ બલ્લારપુર ઇન્ડસ્ટ્રીઝ , જે કે પેપર , આઇટીસી , ઇમામી ગ્રૂપ સામેલ છે. તેમણે આઇડિયા સેલ્યુલરના ટોચના અધિકારીઓ અને એએસસીઆઇને લેખિત ફરિયાદ મોકલી છે , જેની એક નકલ ઇટી પાસે હાજર છે.
IPMA ના સેક્રેટરી જનરલ આર નારાયણ મૂર્તિએ જણાવ્યું હતું કે , અમે આઇડિયા સેલ્યુલરની વિરુદ્ધ નથી. પરંતુ પ્રચાર અભિયાન પરથી એવું લાગે છે જાણે કાગળ ઉદ્યોગ જ જંગલોના વિનાશ માટે જવાબદાર હોય.
આઇડિયા સેલ્યુલરે IPMA ના પ્રતિભાવમાં જણાવ્યું હતું કે , અમે કાગળ વગરના વિશ્વ માટે સૂચન નથી કરી રહ્યા , અમારી એડ્માં અમે માત્ર કાગળ બચાવવાની તરફેણ કરીએ છીએ. તેમાં તમારા એસોસિયેશનની કંપનીઓને નિશાન બનાવવાનો પ્રયાસ નથી જેઓ જંગલો બચાવવા માટે પૂરતા પ્રયાસ કરે છે એવો અમને વિશ્વાસ છે.
શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે , અમે કાગળ ઉદ્યોગ પ્રત્યે આદર ધરાવીએ છીએ . અમે માત્ર એટલું કહેવા માંગીએ છીએ કે કાગળનો બગાડ કરવાનું કોઈને ગમતું નથી.
No comments:
Post a Comment