October 18, 2011

મોબાઇલ બાદ હવે હેલ્થ ઇન્શ્યોરન્સ ક્ષેત્રમાં પોર્ટેબિલિટી

તમે તમારા હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રોવાઇડરથી નારાજ છો ? તો પછી એપ્રિલ 2011 થી તમે વર્તમાન સર્વિસ પ્રોવાઇડર દ્વારા આપવામાં આવતા તમામ લાભ જાળવી રાખીને હેલ્થ ઇન્શ્યોરન્સ પોલિસી તમારી પસંદગીના સર્વિસ પ્રોવાઇડર સમક્ષ લઈ જઈ શકો તેવી શક્યતા છે . જનરલ ઇન્શ્યોરન્સ કંપનીઓ અને વીમા નિયંત્રક ઇન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ( ઇરડા ) હેલ્થ પોલિસીના પોર્ટેબિલિટીની માર્ગદર્શિકા પર કામ કરી રહી છે .

દેશની સૌથી મોટી જનરલ ઇન્શ્યોરર ન્યૂ ઇન્ડિયા એશ્યોરન્સના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર તથા પોર્ટેબિલિટી પરની ચર્ચા સાથે સંકળાયેલા એમ રામદોસે જણાવ્યું હતું કે અમે પોર્ટેબિલિટીનાં ધારાધોરણો પર કામ કરી રહ્યા છીએ અને એક મહિનામાં ઇરડાને તેનો આખરી મુસદ્દો સુપરત કરીશું . હાલમાં ગ્રાહકો વર્તમાન સર્વિસ પ્રોવાઇડરની શરતોથી નારાજ હોય તો તેમણે તેમની પસંદગીના સર્વિસ પ્રોવાઇડરની નવી પોલિસી ખરીદવી પડે છે . પણ તેની સાથે તેઓ વર્તમાન પોલિસીના ફાયદા અને અત્યંત મહત્ત્વપૂર્ણ માંદગી માટેનું કવચ ગુમાવે છે .

નવી હેલ્થ પોલિસીઓના કિસ્સામાં જોઈએ તો વર્તમાન માંદગીને પ્રારંભિક વર્ષોમાં આવરી લેવાતી નથી અથવા તેનું પ્રીમિયમ અત્યંત ઊંચું હોય છે . આથી હેલ્થ ઇન્શ્યોરન્સના કિસ્સામાં પોલિસી ચાલુ રહે તે અત્યંત મહત્ત્વની બાબત છે . જનરલ ઇન્શ્યોરર આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડના હેલ્થ ઇન્શ્યોરન્સ હેડ સંજય દત્તાએ જણાવ્યું હતું કે આ પ્રકારની જોગવાઈ ગ્રાહક અને કંપની બંને માટે ફાયદાકારક છે . ગ્રાહક પાસે શ્રેષ્ઠ સર્વિસ પ્રોવાઇડર પૂરા પાડવાનો વિકલ્પ રહે છે , જ્યારે વીમા કંપનીઓને ઇન્શ્યોર્ડ વ્યક્તિના ડેટાની વહેંચણીનો ફાયદો મળે છે , જે બાબત તેને છેતરપિંડીવાળા દાવા અટકાવવામાં મદદરૂપ બને છે .

આ મુસદ્દાની જોગવાઈઓ સૂચવે છે કે આ સગવડ ફક્ત એકસમાન પ્રોડક્ટ , એકસમાન વયજૂથની સાથે એકસમાન પ્રીમિયમ ધરાવતા સર્વિસ પ્રોવાઇડરો વચ્ચે જ પૂરી પાડી શકાય . આ ઉપરાંત પોર્ટેબિલિટી કે સર્વિસ પ્રોવાઇડર બદલવાના લીધે કોઈ પણ પ્રકારની વધારાની ફી કે ચાર્જ નહીં લાગે . પોર્ટેબિલિટીના માપંદડમાં ઉંમર , રૂ . એક લાખ સુધીનું કવરેજ પૂરું પાડતી પ્રોડક્ટ્સ માટે ચાર્જ કરાતા પ્રીમિયમ જેવી બાબતોનો સમાવેશ થાય છે . જનરલ ઇન્શ્યોરરો અને જનરલ ઇન્શ્યોરન્સ કાઉન્સિલે થોડા સમય પહેલાં ઇરડાને આ માટેની માર્ગદર્શિકાઓનો મુસદ્દો વિચારણા માટે મોકલ્યો હતો અને હવે ઇરડાના નિર્દેશો મુજબ તેને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે .

No comments:

Post a Comment