October 6, 2011

૨૧મી સદીમાં જ્ઞાનનો મહિમા છે. એક ‘આઇડિયા’ દુનિયામાં ક્રાંતિકારી પરિવર્તન લાવી શકે છે. સર આઇઝેક ન્યૂટન અને આઇન્સ્ટાઇન વિચારને મૂર્તિમંત કરવા માટે ઝઝૂમતા હતા અને બીબાંઢાળ વિચારોથી ભિન્ન રહેતા હતા. મહાત્મા ગાંધીને આઝાદી અપાવવા માટે સત્ય અને અહિંસાનું શસ્ત્ર અપનાવવાનો બ્રિલિયન્ટ વિચાર આવ્યો હતો.

૧. સોક્રેટિસ

૨. ગેલેલિયો

૩. ગાંધીજી

૪. ડો. વિક્રમ સારાભાઈ

૫. બિલ ગેટ્સ

૬. સ્ટીવ જોબ્સ

૭. ગૂગલ ગાય્ઝ

૮. ટ્વિટર ગાય્ઝ

સત્તા કદાચ બંદૂકના નાળચામાંથી વહેતી હશે પરંતુ લીડરશિપ હંમેશાં ફળદ્રુપ ભેજામાંથી નીપજે છે. ઇશુના જન્મ પહેલાં ચોથી સદીમાં જન્મેલા સોક્રેટિસે કોઈ પુસ્તક કે લેખ લખ્યાં નહોતાં છતાં આજે પણ માનવજાતના ઈતિહાસમાં શ્રેષ્ઠ વિચારક તરીકે સોક્રેટિસની ગણના થાય છે. વ્યક્તિ ત્રણ પ્રકારે સત્તા હાંસલ કરે છે. પદ યાને હોદ્દાને કારણે, કે  વ્યક્તિત્વના પગલે મળતી સત્તા ટકાઉ હોતી નથી પરંતુ જ્ઞાન આધારિત સત્તા સનાતન રહે છે. સોક્રેટિસને ઝેરનો પ્યાલો ભલે પીવો પડ્યો, પરંતુ માનવજાત આ સત્યશોધકને કદી વીસરી નહીં શકે. આધુનિક ભૌતિકશાસ્ત્રના પિતામહ ગેલેલિયોને પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે એવી ખોજ કરવા બદલ પાદરીઓની ખફગી વહોરીને કારાવાસ ભોગવવો પડ્યો હતો.

ઈતિહાસ આજે ગેલેલિયોને પૂજે છે અને સજા આપનારને ધિક્કારે છે. સોક્રેટિસે માનવજાતને નાવીન્યતાપૂર્ણ વિચારવાની પ્રેરણા આપી હતી. મેનેજમેન્ટ ગુરુઓ એને ઇનોવેટિવ થિંકિગ કે થિંક આઉટ ઓફ બોક્સ કહે છે. સોક્રેટિસના શિક્ષણને સમય કે કાળનું બંધન નથી. સોક્રેટિસ જાણે કાળ બાહ્ય છે. સોક્રેટિસે કહ્યું હતું કે માનવનો સ્વભાવ જ્ઞાનીપુરુષની ભક્તિ કરવાનો છે. દર્દી હંમેશાં શ્રેષ્ઠ ડોક્ટર પાસે જાય છે. વિમાનમાં બેસનારને પાઇલટમાં સંપૂર્ણ શ્રદ્ધા રાખવી પડે છે. લશ્કરનો જવાન પોતાના ઉપરીની આજ્ઞાનું આંખ મીંચીને પાલન કરે છે. મધદરિયે કોઈ ખલાસી કેપ્ટનના આદેશની અવગણના કરતો નથી. કારણ ?

સામાન્ય રીતે જહાજ પર અંકુશ મેળવવા ખલાસીઓમાં હુંસાતુંસી ચાલતી હોય છે પરંતુ માત્ર હલેસાં મારવાથી કેપ્ટન નથી બનાતું. કેપ્ટન સારો નેવીગેટર હોવો જોઈએ. વહાણવટાના ઈતિહાસ અને ભૂગોળથી વાકેફ હોવો જોઈએ. ખગોળશાસ્ત્રથી માંડીને ભૂસ્તરશાસ્ત્રનું જ્ઞાન હોવું જોઈએ. પવનની દિશા અને આસમાનના તારા જોઈને જહાજની ઝડપ નક્કી કરનાર કેપ્ટન શ્રેષ્ઠ વિચારક હોય છે. સોક્રેટિસ વ્યવસાયે મૂર્તિકાર હતો. માનવ સંસ્કૃતિમાં ફિલોસોફી અને જ્ઞાનના મજબૂત પાયા પર નાવીન્યપૂર્ણ વિચારો તરતા મૂકવામાં અને તર્ક લડાવવામાં સોક્રેટિસનો જોટો જડે તેમ નથી. સોક્રેટિસની એ વૈચારિક મનોભૂમિ પર આજે નોલેજ ઇકોનોમીની ઇમારત રચાઈ છે.

૨૧મી સદીમાં જ્ઞાનનો મહિમા છે. એક ‘આઇડિયા’ દુનિયામાં ક્રાંતિકારી પરિવર્તન લાવી શકે છે. સર આઇઝેક ન્યૂટન અને આઇન્સ્ટાઇન વિચારને મૂર્તિમંત કરવા માટે ઝઝૂમતા હતા અને બીબાંઢાળ વિચારોથી ભિન્ન રહેતા હતા. વિજ્ઞાન હોય કે ધર્મ, રાજકારણ હોય કે અર્થકારણ, પ્રત્યેક ક્ષેત્રને સારા વિચારક, નેતૃત્વ ખપે છે. મહાત્મા ગાંધીને આઝાદી અપાવવા માટે સત્ય અને અહિંસાનું શસ્ત્ર અપનાવવાનો બ્રિલિયન્ટ વિચાર આવ્યો હતો. ગાંધીજીમાંથી પ્રેરણા લઈને નેલ્સન મંડેલાએ સાઉથ આફ્રિકાનો ઉદ્ધાર કર્યો. માર્ટિન લ્યૂથર કિંગનું સ્વપ્ન હતું કે અમેરિકામાં અશ્વેત રાષ્ટ્રપતિ બને. ઓબામાએ માર્ટિન લ્યૂથર કિંગની મનોકામના સિદ્ધ કરી. મંડેલા, માર્ટિન લ્યૂથર કિંગ અને ઓબામા ત્રણેય મહાત્મા ગાંધીના વિચારોથી પ્રભાવિત હોવાનું સ્વીકારે છે.

આ ત્રણેય મહાનુભાવોને નોબેલ પ્રાઇઝ મળ્યું અને ગાંધીજીને ન મળ્યું એ અલબત્ત આડ વાત છે. વિક્રમ સારાભાઈને વિચાર આવ્યો કે અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીની આસપાસ બે માઇલના વિસ્તારમાં ભારતની શ્રેષ્ઠ ઇન્સ્ટિટ્યૂટ સ્થાપવી. વિક્રમ સારાભાઈના એ વિઝનને કારણે અમદાવાદને ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો), ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી, આઇઆઇએમ, સ્પેસ એપિ્લકેશન સેન્ટર, એનઆઇડી, અટિરા, અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન, પ્લાઝમા રિસર્ચ, કોમ્યુનિટી સાયન્સ સેન્ટર સહિત સંખ્યાબંધ ખ્યાતનામ સંસ્થાઓ પ્રાપ્ત થઈ. વિક્રમ સારાભાઈની ઇચ્છા અમદાવાદને નોલેજ કેપિટલ બનાવવાની હતી. કમનસીબે વિક્રમ સારાભાઈનું અકાળે અવસાન થયું, પરંતુ તેમની વૈચારિક વિરાસત અવિરતપણે આગળ ધપી રહી છે.

પ્રજા હંમેશાં બુદ્ધિશાળી અને બહાદુર નેતાની પડખે રહે છે. બ્રિટનની પ્રજાએ ચર્ચિલને વડાપ્રધાનની ચૂંટણીમાં હરાવ્યો પરંતુ કટોકટીની પળે યુદ્ધ જીતવા માટે માનભેર પાછો બોલાવ્યો. જર્મન પ્રજાને હિટલરમાં મસીહાનાં દર્શન થતા હતા. હિટલરના પ્રભાવ અંગે વિશ્વમાં સૌથી વધુ પુસ્તકો પ્રકાશિત થયાં છે, પરંતુ હિટલરને ચર્ચિલના બિહામણાં સ્વપ્ન આવતાં હતાં, કારણ ? હિટલર સરમુખત્યાર હતો, જ્યારે ચર્ચિલ ઉદારમતવાદી અને ટીખળી હોવાથી દુનિયાના નેતાઓમાં સર્વસ્વીકૃત બની ચૂકયો હતો. ચર્ચિલે દિમાગી લડાઈમાં હિટલરને હરાવ્યા બાદ યુદ્ધના મેદાનમાં હંફાવ્યો હતો.

પોપ જહોન પોલ દ્વિતીયને વિચાર આવ્યો કે સામ્યવાદનો અંત આણવો જોઈએ અને ધાર્મિક સહિષ્ણુતા બરકરાર રહેવી જોઈએ. જહોન પોલે ૧૨૯ દેશોમાં પ્રવાસ અને પ્રચાર કર્યો. પોલેન્ડમાં જન્મેલા જહોન પોલે પોતાની માતૃભાષા પોલિશ ઉપરાંત જર્મન, સ્પેનિશ, અંગ્રેજી, ઇટાલિયન, જર્મન, લેટિન, રશિયન સહિત ૧૪ ભાષાઓમાં પ્રભુત્વ મેળવ્યું. વીસમી સદીમાં વૈશ્વિક સ્તરે ધર્મ, સંસ્કૃતિ, જ્ઞાતિવાદ અને કોમવાદમાં સામંજસ્ય આણવામાં પોપની ભૂમિકા નેત્રદીપક પુરવાર થઈ, કારણ કે એક સરસ વિચારને અનુસરવામાં તેઓ સફળ થયા.

દુનિયાના આ શ્રેષ્ઠ નેતાઓ આઉટ ઓફ બોક્સ થિંકિંગની પ્રેરણા આપે છે. બિલ ગેટ્સને હાવર્ડ યુનિવર્સિટીએ હાંકી કાઢ્યો હતો છતાં તે વિશ્વમાં સૌથી ધનાઢÛ વ્યક્તિ પોતાની બુદ્ધિ પ્રતિભાને આધારે થયો. ગેટ્સ કાંઈ ગર્ભશ્રીમંત નહોતો. ગેટ્સની માઇક્રોસોફ્ટ કંપની આજે કોમ્પ્યુટર જગતમાં રીતસર રજવાડું ભોગવે છે. ગેટ્સે સમયસર કંપનીના ચેરમેનપદેથી નિવૃત્તિ લઈને હવે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી નિભાવવા સખાવતો શરૂ કરી છે.

દુનિયાભરમાંથી નિરક્ષરતા, મલેરિયા, ટીબી અને એઇડ્સ નિવારવા ગેટ્સનું આગવું અભિયાન ચાલી રહ્યું છે. સરકારો અને વહીવટીતંત્રો નિષ્ફળ નીવડ્યા એ ક્ષેત્રમાં બિલ ગેટ્સ સફળ થાય એવી સંભાવના અપાર છે. જહોન મેકસવેલ નામના વિચારકે ૩૬૦૦ લીડરશિપનો એક નવો અભિગમ આપ્યો છે. ગેટ્સ વાસ્તવમાં સંપૂર્ણપણે નખશિખ ૩૬૦૦ લીડર કહી શકાય. સાચો લીડર કદી બહાનાં કરતો નથી. સાચો લીડર પલાયનવાદ આચરતો નથી. હું જો ટોચ પર પહોંચું તો પરિવર્તન લાવી શકું એવાં વાહિયાત નિવેદનો કરતો નથી. હું ટોચ પર પહોંચીને લીડર બનીશ એવા મિથ્યા ભ્રમમાં રાચતો નથી.

હું જો લીડર બનીશ તો દુનિયામાં લોકો મને અનુસરશે એવી માન્યતા ભૂલભરેલી છે. મને સત્તા મળે તો જ મારું કાર્યક્ષેત્ર વિકસી શકે, તો જ હું પરફોર્મ કરી શકું, તો જ હું લોકોને અંકુશમાં રાખી શકું વગેરે બહાનાં સાચો લીડર કરતો નથી. સારો લીડર કદી સ્પર્ધાથી ગભરાતો નથી. ૨૧મી સદીમાં નોલેજ ઇકોનોમીના જમાનામાં બિલ ગેટ્સની ઇજારાશાહી પણ ટકી શકે તેમ નથી ત્યારે સતત સ્પર્ધા સિવાય કોઈ વિકલ્પ નથી. પાવરફુલ આઇડિયાને આત્મસાત્ કરનાર લડાઈ જીતી જશે. ૨૦૧૦ના દાયકામાં આઇડિયાની દ્રષ્ટિએ ટ્વિટર, ગૂગલ અને આઇફોનના સર્જકો મેદાન મારી ગયા છે.

ટ્વિટરના સંશોધક જેક ડોરસી અને બઝિ સ્ટોને રાતોરાત ટાઈમ અને ન્યૂઝવીકમાં સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે. માંડ ૩૪ અને ૩૫ વર્ષના આ બે તરવરિયા યુવાનોએ ૧૪૦ કેરેકટરમાં ટ્વિટરની કમાલ કરી બતાવી છે. મુંબઈમાં ત્રાસવાદી હુમલાનું રિયલ ટાઇમ રિપોટિઁગ કરનાર આ મીડિયા પ્લેટફોર્મ પર અત્યારે આમિર ખાન અને અમિતાભ બચ્ચનથી માંડીને ઓબામા લાખો ચાહકોને મળે છે. આજની તારીખે કરોડો લોકો ટ્વિટરના અનુયાયી બની ચૂક્યા છે. અમેરિકાનાં અખબારો કરતાં ટ્વિટરની વધુ કમાલ છે, કારણ કે ટ્વિટરની સંશોધક બેલડીએ આઉટ ઓફ બોક્સ થિંકિંગને પ્રાધાન્ય આપ્યું હતું.

ટ્વિટરથી પણ ગજબની સક્સેસફુલ સ્ટોરી ગૂગલની છે. ચીનની સરકાર ઓબામાની દાદાગીરીથી નથી ડરતી પરંતુ ગૂગલ સામે ચૂપચાપ સમાધાન કરવામાં સંકોચ રાખતી નથી, કારણ ? અમેરિકાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના બે તરવરિયા નવયુવાન કોમ્પ્યુટર ટેકનોક્રેટ્સ લેરી પેજ અને સર્ગી બ્રિને ‘ગૂગલ’ના નામે સર્ચ એન્જિન બનાવીને દુનિયાભરની લાઇબ્રેરીઓને આંગળીના ટેરવે રમતી કરી દીધી છે. કોઈ પણ વિષયની માહિતી માટે ગૂગલના સર્ચ એન્જિનમાં જાઓ એટલે ઘડીના છઠ્ઠા ભાગમાં માહિતીનો ખજાનો ઠલવાઈ જાય છે. ૧૯૯૮માં ગૂગલની સ્થાપના કર્યા બાદ આ બંને પાર્ટનરને ટાઇમ અને ન્યૂઝવીકના પર્સન ઓફ ધ યર એવોર્ડથી માંડીને સ્વિટ્ઝર્લેન્ડમાં દર વર્ષે યોજાતી વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં શ્રેષ્ઠ બિઝનેસમેનનો એવોર્ડ મળી ચૂકયો છે.

ગૂગલે સ્પીડ, ઓટોમેશન અને એફિશિયન્સીનો મુદ્રાલેખ અપનાવ્યો છે. હેનરી ફોર્ડ સમકક્ષ માનપાન ખાટી જનારા આ યુવાનો હંમેશાં જરા હટકે વિચારવામાં માને છે. દુનિયાભરના કોમ્પ્યુટરધારકો પ્રતિદિન સાડા ત્રણ અબજ વખત ગૂગલના સર્ચ એન્જિનનો ઉપયોગ કરે છે અને માત્ર એક સેકન્ડમાં ઉપયોગી માહિતી મેળવી લે છે. ગૂગલ કંપની દર વર્ષે ૪૦૦ ટકા પ્રગતિ કરી વિશ્વમાં નંબર વન સ્થાન હાંસલ કરી ચૂકી છે. ચીનની સરકારે ગૂગલને લાઇસન્સ આપવામાં આડાઈ કરી પરંતુ કંપનીએ સેવા બંધ કરવાની ધમકી આપતાં જ ચીન ડરી ગયું. ગૂગલની તાકાતનું કદાચ આ સૌથી મોટું બેરોમીટર છે.

અને છેલ્લે બિલ ગેટ્સને હરાવનાર છતાં વિશ્વમાં સૌથી ધનાઢÛ ન બનનાર સ્ટીવ જોબ્સ થિંક આઉટ ઓફ બોક્સની શ્રેણીમાં દુનિયામાં આજે નંબર વન પોઝિશન પર છે. એપલ અને પિક્ષર કંપનીનો કો-ફાઉન્ડર, આઇફોન, આઇપેડ, આઇપોડનો સર્જક સ્ટીવ જોબ્સ વર્ષે માત્ર એક ડોલરનો પગાર લે છે. સ્ટીવ જોબ્સને બિલ ગેટ્સની માફક રૂપિયા કમાવવામાં રસ નથી, પરંતુ શ્રેષ્ઠ સંશોધક તરીકે પોતાને પ્રસ્થાપિત કરવામાં રસ છે.

૨૧ વર્ષે ૧૯૭૬માં એપલ કોમ્પ્યુટર કંપની સ્થાપનાર સ્ટીવ જોબ્સનું યોગદાન વોલ્ટ ડિઝની, એચપી કંપનીમાં પણ નોંધપાત્ર રહ્યું છે પરંતુ ગેઝેટના ચાહકો સ્ટીવને એપલ કોમ્પ્યુટર, આઇ ફોન, આઇ પેડ, આઇ ટ્યૂન, આઇ પોડને કારણે દિલથી ચાહે છે. સ્ટીવની સફળતા વિશે દુનિયાભરનાં સામિયકો વિશેષાંકો કાઢી રહ્યા છે, પરંતુ એક જ વાક્યમાં સ્ટીવની વાત ટૂંકાવવી હોય તો ? સંશોધક સ્ટીવ ડિજિટલ વર્લ્ડમાં શ્રેષ્ઠતમ સંશોધનો કરે છે અને માઇક્રોસોફ્ટથી માંડીને ગૂગલ સ્ટીવને અનુસરે છે. સ્ટીવ આજની તારીખે દુનિયાનો શ્રેષ્ઠ થિંકિંગ સીઈઓ - લીડર છે.

No comments:

Post a Comment