નબળા આર્થિક સેન્ટિમેન્ટની અસર જોબ માર્કેટ પર પણ જોવા મળી છે. માર્ચ-એપ્રિલ 2011 માં ટોચ પર પહોંચ્યા બાદ જોબ માર્કેટમાં નકારાત્મક સ્થિતિ છે. નવી જોબનો ઉમેરો ધીમા દરે થઈ રહ્યો છે.
પ્લેસમેન્ટ કંપની એબીસી કન્સલ્ટન્ટ્સના સીઇઓ શિવ અગ્રવાલ જણાવે છે કે , '' જોબ સર્જાઈ રહી છે , પરંતુ છેલ્લા ત્રણ-ચાર મહિના કરતાં નીચો દર છે.નવો રોજગાર ઇન્ડેક્સ પણ આ ચિત્ર રજૂ કરે છે. ભરતીમાં વધારો દર્શાવતા કેટલાક મહિના પછી જૂન 2011 માં ટેલેન્ટની માંગ ઘટી હોવાનું રિક્રુટએક્સ પરથી જોવા મળે છે.
આ ઇન્ડેક્સ માગ અને પુરવઠાની સ્થિતિ રજૂ કરે છે. અગ્રવાલે ઉમેર્યું હતું કે , નબળી આર્થિક સ્થિતિ અને નકારાત્મક સંકેતોના કારણે આ અસર જોવા મળી છે.
હાલમાં ફાઇનાન્શિયલ સર્વિસ અને ટેલિકોમ સેક્ટર સૌથી ધીમા છે , જ્યારે આઇટીમાં સ્થિતિ એકંદરે સારી છે. કન્ઝ્યુમર ગૂડ્સમાં ભરતીનું પ્રમાણ વધારે સારું છે. અત્યારે સાવધાનીનો માહોલ હોવાથી મંદીની સ્પષ્ટ ચર્ચા કરવા કોઈ તૈયાર નથી.
સેમસંગના વાઇસ પ્રેસિડન્ટ (એચઆર) સંજય બાલી જણાવે છે કે જોબ માર્કેટમાં કોઈ નેગેટિવ સેન્ટિમેન્ટ નથી. અમે વર્ષના પ્રથમ છ મહિના દરમિયાન મોટી સંખ્યામાં લેટરલ ભરતી કરી હતી.
સેમસંગમાં 10 થી 15 ટકા એટ્રિશન દર હોવાથી નવી ભરતીનું પ્રમાણ ચાલુ છે. રિટેલમાં પણ ભરતી ચાલુ છે. ફ્યુચર ગ્રૂપના ચીફ પીપલ ઓફિસર સંજય જોગે જણાવ્યું હતું કે , અમે સ્ટોર ખોલી રહ્યા છીએ. તમામ સ્તરે આયોજન પ્રમાણે ભરતી થાય છે.સ્ટાફિંગ અને પ્લેસમેન્ટ કંપની મા ફોઇ રેન્ડસ્ટેડના એમડી અને સીઇઓ ઇ બાલાજી જણાવે છે કે , અમે અમારી કામગીરી વિસ્તારી રહ્યા છીએ. હાલમાં નરમાઈનો સંકેત આપે તેવો કોઈ ડેટા નથી.
એચઆર કન્સલ્ટન્સી પીપલસ્ટ્રોંગના સહ સ્થાપક અને સીઇઓ પંકજ બંસલ જણાવે છે કે અત્યારે આર્થિક નરમાઈ જરૂર છે , પરંતુ જોબમાં મંદી હજુ નથી આવી. આવતા બે મહિનામાં તંદુરસ્ત ભરતી જળવાઈ રહેશે. બંસલના કહેવા પ્રમાણે ફાર્મા , આઇટી , આઇટીઇએસ , ઓટો અને ઇન્શ્યોરન્સમાં ભરતી ચાલુ છે.
આઇબીએમ ઇન્ડિયાના ભારત-દક્ષિણ એશિયા ખાતે રિક્રુટમેન્ટ લીડર વી રંગરાજન જણાવે છે કે જોબ માર્કેટ ખાતે સંકેત તટસ્થ છે. અમારી માંગ મજબૂત છે અને અમે ભારતી કરવાનું ચાલુ રાખીએ છીએ.
જૂન માટેના ઇન્ડેક્સ પ્રમાણે ત્રણ - ચાર મહિના સુધી સારી વૃદ્ધિ પછી અમુક સેક્ટરમાં ભરતીને અસર થઈ છે . આઇટી - ટેલિકોમ , મેન્યુફેક્ચરિંગ , એન્જિનિયરિંગ , બીએફએસઆઇ , કન્ઝ્યુમર ડ્યુરેબલ અને એફએમસીજી જેવા પાંચ સેક્ટરમાંથી ચારમાં જોબવૃદ્ધિનો દર ઘટી ગયો છે.
No comments:
Post a Comment