August 18, 2011

ભ્રષ્ટાચાર સામેની લડત આગ પકડે તેમાં નેતાઓનાં પેટમાં ઝાળ લાગે છે. એટલે જ તેઓ નોન ઇશ્યૂને ચગાવીને મૂળ મુદ્દો ડાઇવર્ટ કરે છે. સમજવાનું આપણે છે કે ખરો મુદ્દો કયો છે...

લોકોને ભ્રષ્ટાચારની વાત કરવા કરતાં બાબા રામદેવે મહિલાનાં કપડાં શા માટે પહેર્યાં, કઇ મહિલાનાં કપડાં પહેર્યાં? તેણે કેટલી સંપત્તિ એકઠી કરી, ઉપવાસનું નાટક કઇ રીતે કર્યું અને અનશનનો સંકેલો કઇ રીતે સ્ટેજ મેનેજડ ડ્રામા પ્રમાણે કરી લીધો તેની કૂથલી કરવામાં વધુ મજા પડે છે. બેવડાં ધોરણો અને બેવડાં કાટલાં છે. દેખાડવાના જૂદા અને ચાવવાના જૂદા દાંત અહીં છે.

દેશમાં પરિવર્તનનો પવન ફૂંકાઇ રહ્યો છે તેમાં રાજકારણીઓનો ગરાસ લૂંટાઇ જાય છે. તેમને લાગે છે કે શાસન કરવાનો, શાસનની તરાહ નક્કી કરવાનો, નિયમો ઘડવાનો અને કાયદાઓ બનાવવાનો અધિકાર માત્ર તેમને જ છે, જનતા કશું બોલી શકે નહીં.

જો લોકપાલ ખરડો કે કાળાં ધનનો ખરડો બનાવવામાં બહારની કોઇ વ્યક્તિઓને લેવામાં આવશે, અણ્ણાની ટીમની દરખાસ્તો માની લેવામાં આવશે તો પછી તે પરંપરા થઇ જશે અને દેશની જનતા તે પછી અન્ય મુદ્દા પણ ઉઠાવશે. બીજો ડર એ છે કે તેમની પોતાની જ જાંઘ ઉઘાડી થઇ જવાની બીક છે.


તમને ભ્રષ્ટાચાર ગમે? લાંચ આપવી ગમે? લાંચ લેવી ગમે? ડિયર રીડર, તમે માથું ધુણાવીને ના જ પાડશો. પણ, ભારત, ધેટ ઇઝ ઇન્ડિયામાં એવા કેટલા લોકો હશે જેમણે ક્યારેય લાંચ આપી જ ન હોય, પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ભ્રષ્ટાચારમાં મદદરૂપ ન થયા હોય? ઘસાઇને ચપ્પટ થઇ ગયેલા રૂપિયા જેવો ઘસાયેલો શબ્દપ્રયોગ કરીને કહીએ તો ભ્રષ્ટાચાર અહીં શિષ્ટાચાર થઇ ગયો છે. છતાં, ભ્રષ્ટાચારને બધાએ સ્વીકારી લીધો છે એવું તો ન જ કહી શકાય ને? ના, ન કહી શકાય.

અન્યથા અણ્ણા હઝારે જંતર મંતર પર ઉપવાસ પર બેસે ત્યારે દેશભરમાંથી તેમને ટેકો મળ્યો હતો તે ન મળે. અણ્ણાથી રામદેવ સુધીનાં અનશન અને તે પછી કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલી પ્રતિક્રિયાત્મક કાર્યવાહી બાબતે મહત્વની એક બાબત હાંસિયામાં ધકેલાઇ ગઇ છે. એટેન્શન ડાઇવર્ટ કરવાના કારસા સફળ થયા છે. પ્રજાના મનમાં વિચાર આરોપિત કરવાના નુસખા સફળ થયા છે.

લોકોને ભ્રષ્ટાચારની વાત કરવા કરતાં બાબા રામદેવે મહિલાનાં કપડાં શા માટે પહેર્યાં, કઇ મહિલાનાં કપડાં પહેર્યાં? તેણે કેટલી સંપત્તિ એકઠી કરી, ઉપવાસનું નાટક કઇ રીતે કર્યું અને અનશનનો સંકેલો કઇ રીતે સ્ટેજ મેનેજડ ડ્રામા પ્રમાણે કરી લીધો તેની કૂથલી કરવામાં વધુ મજા પડે છે. બેવડાં ધોરણો અને બેવડાં કાટલાં છે. દેખાડવાના જૂદા અને ચાવવાના જૂદા દાંત અહીં છે. સત્ય સાંઇ બાબાના અંગત રૂમમાંથી ૩૮ કરોડ રૂપિયાનો ખજાનો મળે, ૯૮ કિલો સોનું મળે અને રામદેવ ટ્રસ્ટનો ૧૧૦૦ કરોડનો વેપાર હોય તે બંને મૂળભૂત રીતે સરખાં છે. પણ, લોકો બંનેની ચર્ચા અલગ સ્તરેથી કરે છે.

મૂળ ઇશ્યુને કોરાણે મૂકીને નોન ઇશ્યુ ચગાવવા, નોન ઇશ્યુને આઉટ ઓફ પ્રપોર્શન બ્લો કરીને તેને મૂળ મુદ્દા કરતાં મોટા બનાવી દેવા એ એટેન્શન ડાઇવર્ટ કરવાના નુસખા છે. જરા ઝીણવટથી જોઇએ. અણ્ણા હઝારેએ ઉપવાસ કર્યા અને સરકાર લોકપાલ ખરડા માટે તૈયાર થઇ ગઇ પછી સરકારનું એક આખું તંત્ર કામે લાગ્યું, અણ્ણાની કમિટીને હતોત્સાહ કરવા માટે. અમરસિંહ અને મુલાયમસિંહ સાથે શાંતિભૂષણના વાર્તાલાપની કહેવાતી ટેપ જાહેર થઇ, શાંતિભૂષણે સસ્તામાં જમીન મેળવી હોવાના મુદ્દા ગાજ્યા.

ભ્રષ્ટાચાર હટાવવા માટે લોકપાલ ખરડો મજબૂત હોવો જોઇએ, એ મૂળ મુદ્દો હાંસિયામાં ધકેલાઇ ગયો અને આ બધા નોન ઇશ્યુ આગળ આવી ગયા. લોક બધું વાતો કરવા માંડ્યું કે અણ્ણાના સાથીઓ તો જૂઓ, કેવા છે? ગુજરાતના વિકાસની વાત અણ્ણાએ કરી તો બધાએ મળીને બિચારાને ચૂંથી નાખ્યા. ગુજરાતમાં લાવીને અણ્ણાને ઊલટાં નિવેદન અપાવ્યા પછી તેમને ટાઢક વળી.

રામદેવનાં અનશન ઉપર પોલીસ ત્રાટકી તે પછીનો ઘટનાક્રમ મૂળ મુદ્દાને ભુલાવી દેવા માટેનો જ હતો. રામદેવનાં અનશન નાટક છે એવું કોંગ્રેસથી માંડીને લાલુ સુધીના નેતાઓએ કહ્યું અને કેટલાય હૈયાફૂટાઓએ તે માની પણ લીધું. કોઇ રાજકીય નેતા અનશન કરે છે ત્યારે કેમ કોઇ કહેતું નથી કે આ નાટક છે? ચારાકાંડમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરનાર લાલુ પ્રસાદ યાદવ જ્યારે અણ્ણા અને બાબાની ટીકા કરે ત્યારે કોઇ કેમ કહેતું નથી કે મિસ્ટર યાદવ, તમને બોલવાનો હક્ક નથી. કાટલાં અહીં જ જૂદાં છે. ત્રાજવાં અહીં જ અલગ છે. માપદંડ અહીં જ ભિન્ન છે.

રામદેવ કે શાંતિભૂષણે કાંઇક ખોટું કર્યું હોય તો તેને ભ્રષ્ટાચારનો કે કાળાં નાણાંનો મુદ્દો ઉઠાવવાનો હક્ક નથી? અને જો તેમને આ હક્ક ન હોય તો ઓસામા બિન લાદેનને ‘ઓસામાજી’ કહેનાર દિગ્વિજયને તેમની વિરુદ્ધ બોલવાનો હક્ક કેમ મળે? કપિલ સિબ્બલને કેમ મળે? લાલુ યાદવને કેમ મળે? માયાવતી જાહેર સભામાં ગાંધીજીને ગાળો ભાંડે તે દેશ સહન કરી લે છે પણ, સુષ્મા સ્વરાજ દેશભક્તિનાં ગીત પર રાજઘાટ સામે નાચે તે મુદ્દો અઠવાડિયાઓ સુધી ચાલે છે.

જેણે પાપ ન કર્યું એકે, એ પહેલો પથ્થર ફેંકે... એવું જ જો રાખવાનું હોય તો ભ્રષ્ટાચાર સામે કે અન્ય દૂષણો સામે કોઇ બોલી જ નહીં શકે. ટીકા કરવાની, એલફેલ બોલવાની, મુદ્દો રજૂ કરવાની સત્તા માત્ર રાજકારણીઓને જ હોઇ શકે? દેશમાં પરિવર્તનનો પવન ફૂંકાઇ રહ્યો છે તેમાં રાજકારણીઓનો ગરાસ લૂંટાઇ જાય છે. તેમને લાગે છે કે શાસન કરવાનો, શાસનની તરાહ નક્કી કરવાનો, નિયમો ઘડવાનો અને કાયદાઓ બનાવવાનો અધિકાર માત્ર તેમને જ છે, જનતા કશું બોલી શકે નહીં.

કપિલ સિબ્બલ, જનાર્દન દ્રિવેદી કે ચિદમ્બરમ્નાં નિવેદનો સાંભળ્યા પછી સ્પષ્ટ થઇ જાય છે કે લોકપાલ ખરડો ઘડવા માટે કે વિદેશમાંથી કાળું નાણું પાછું લાવવાના મુદ્દે કોઇનાં સૂચનો તેમને માન્ય નથી. તેઓ લોકશાહી વ્યવસ્થાની દુહાઇ દઇ રહ્યા છે. સંસદમાં બેઠેલાઓ સિવાય કોઇને કાયદામાં ફેરફાર કરવાના મુદ્દે કશો હસ્તક્ષેપ કરવાનો અધિકાર નથી એવું તેઓ ઠરાવી દેવા માગે છે. તેમને બે ડર છે. પહેલો ડર જમ ઘર ભાળી જાય એનો છે, ડોશી મરે એનો નથી.

તેમને લાગે છે કે જો લોકપાલ ખરડો કે કાળાં ધનનો ખરડો બનાવવામાં બહારની કોઇ વ્યક્તિઓને લેવામાં આવશે, અણ્ણાની ટીમની દરખાસ્તો માની લેવામાં આવશે તો પછી તે પરંપરા થઇ જશે અને દેશની જનતા તે પછી અન્ય મુદ્દા પણ ઉઠાવશે. બીજો ડર એ છે કે તેમની પોતાની જ જાંઘ ઉઘાડી થઇ જવાની બીક છે. વિદેશમાંનાં કાળાં નાણાં મોટાભાગે નેતાઓ અને ભ્રષ્ટ અધિકારીઓ અથવા મોટા ઉદ્યોગપતિઓનાં જ હોય. તે જાહેર થાય તો તેમના ઢેબરાં અભડાઇ જાય. લોકપાલ બિલ આવે તો નેતાઓના જ ભ્રષ્ટાચાર પર નિયંત્રણ આવે.

ભારત પારદર્શિતાથી હંમેશાં ડરતું રહેનાર રાષ્ટ્ર છે. ઓઝલ પરદામાં બધું છુપાવી દેવાનું આપણને ફાવે છે. સામંતશાહી માનસિકતા હજી છુટતી નથી. દેશનું શાસન પણ ઓઝલ પરદામાં ચાલે છે. ટ્રાન્સપરન્સીથી નિર્ણયો લેવાની આદર્શભરી વાતો માત્ર થાય છે, હકીકતમાં સરકારો કશું જ પારદર્શક રાખવા માગતી નથી હોતી. જો પારદર્શિતા રાખવી હોય તો વડાપ્રધાનને લોકપાલના દાયરામાં લેવામાં વાંધો શું? સુપ્રીમ કોર્ટના જજ સાહેબો શું દેવના દીધેલા છે? તેમને લોકપાલ નીચે રાખવામાં શી તકલીફ હોય? સરકારના નિર્ણયો જનતાની ભલાઇ માટેના જ હોવા જોઇએ તો પછી તેમાં છુપાવવાનું શું? પ્રજા તરીકે આપણે અણ્ણા અનશન કરે ત્યારે તાળીઓ પાડીને બેસી રહેવાનું નથી. સક્રિય થવાનું છે. વિચારવાનું છે.

જ્યારે શાસન નોન ઇશ્યુને ચગાવવા મથે ત્યારે સમજવાનું છે કે મોટો મુદ્દો કયો? રામદેવે મહિલાનાં કપડાં પહેર્યાં તે કે વિદેશમાંથી કાળું નાણું પાછું લાવવું તે? જ્યારે અણ્ણાની ટીમમાં તડાં પડ્યાની વાતને ચગાવવામાં આવે ત્યારે વિચારવાનું કે મોટો અને મહત્વનો મુદ્દો કયો? ભ્રષ્ટાચારની નાબૂદીના પ્રયત્નો કે ભૂષણ બાપ-બેટો એક જ સમિતિમાં હોય તે? પ્રજાની માનસિકતા બદલશે તો શાસને બદલવું પડશે. નેતાઓ જનતાને મુરખ બનાવ્યા કરે તે હવે લાંબો સમય સાંખી શકાય નહીં. આપણે સનસનાટીના શોખીન બની ગયા છીએ.

આંગળીના નખ જ નહીં, આમાં આંગળો અને હાથ ચાવી જવો પડે એવી ઉત્તેજનાથી ઓછું કંઇ ખપતું નથી એટલે જ્યારે સત્યનો મૃદુ અને નમ્ર અવાજ કાને પડે છે ત્યારે મજા આવતી નથી. તેના પર ધ્યાન આપી શકાતું નથી. કેન્દ્ર સરકારના જ સિનિયર મંત્રી એ. કે. એન્ટનીએ બાબાની બબાલ દરમિયાન કહ્યું હતું કે, ‘દેશમાં શાસનથી માંડીને સિસ્ટમ સુધી પરિવર્તન અને સુધારની જરૂર છે પણ, વર્તમાનમાં પ્રજા કે સરકારો પરિવર્તન માટે તૈયાર નથી. જે થઇ રહ્યું છે તે પરિવર્તનની શરૂઆત છે.’ પરિવર્તનની શરૂઆત થઇ ગઇ છે, નેતાઓ ચેતતા રહે.

No comments:

Post a Comment