August 16, 2011

ટિકિટ એજન્ટોને વ્યાજ ચૂકવી હરિફોને હંફાવતી કિંગફિશર

ઉડ્ડયન કંપનીઓ સામાન્ય રીતે તેમના મોટા ટિકિટ એજન્ટ્સને બિઝનેસ પાર્ટનર તરીકે ઓળખાવે છે પરંતુ વિજય માલ્યાની કિંગફિશર એરલાઇન્સે એક કદમ આગળ જઈને તેના એજન્ટોને ફાઇનાન્સર બનાવ્યા છે.

હરીફ એરલાઇન્સમાં ચર્ચાસ્પદ બનેલાં પગલાંમાં કિંગફિશરે નાણાં એકત્ર કરવા માટે તેના મોટા ટિકિટ એજન્ટોની મદદ લેવાનું શરૂ કર્યું છે. બેન્કિંગ ધિરાણ મળવાનું ઘટી ગયું છે અને ઇક્વિટી માર્કેટ અનુકૂળ ન હોવાથી ભારતની બીજા ક્રમની સૌથી મોટી એરલાઇન તેના ખર્ચને પહોંચી વળવા માટે પેમેન્ટ સાઇકલ અગાઉ જ વ્યાજે નાણાં ઉઘરાવે છે.

કિંગફિશરની યોજના આ રીતે કામ કરે છેઃ મોટા ટિકિટ એજન્ટો (કોન્સોલિડેટર્સ) તમામ એરલાઇન્સ પાસેથી એકસાથે ટિકિટ ખરીદીને પ્રવાસીઓને ડિસ્કાઉન્ટ પર વેચે છે. તેમાં એરલાઇનને દર 15 થી 21 દિવસે ચુકવણી થાય છે. કેટલાંક સપ્તાહ અગાઉ કિંગફિશરે કોન્સોલિડેટર્સનો સંપર્ક કર્યો અને મહિનાની શરૂઆતમાં જ ટિકિટનાં નાણાં ચૂકવી દેવા વિનંતી કરી હતી.

બદલામાં એરલાઇન તેને દર મહિને ત્રણ ટકા વ્યાજ ચૂકવવા સહમત થઈ હતી. આ યોજના બંને માટે ફાયદાકારક છે કારણ કે નાણાભીડનો સામનો કરતી એરલાઇનને નાણાં મળે છે જ્યારે કોન્સોલિડેટર્સને દર મહિને ત્રણ ટકા અથવા વર્ષે 36 ટકા વ્યાજ મળે છે.

સમસ્યા એ છે કે તેમાં આયોજન પ્રમાણે નથી થઈ રહ્યું. હરીફ એરલાઇન્સ તેનાથી નારાજ છે કારણ કે તેમને ડિસ્કાઉન્ટેડ ટિકિટ પર ભારે ખોટ સહન કરવી પડે છે. કિંગફિશરની હરીફ એરલાઇનના એક અધિકારીએ જણાવ્યું હતું કે , એરલાઇન જો ટ્રાવેલ એજન્ટ પાસેથી નાણાં લઈને તેને વર્ષે 36 ટકા વ્યાજ આપે તો તેની સાથે હરીફાઈ કરવી મુશ્કેલ છે અને તેના કારણે અમે નાણાં ગુમાવી રહ્યા છીએ.

કોન્સોલિડેટર્સે કિંગફિશરને મહિનાની શરૂઆતમાં જ નાણાં ચૂકવી દીધાં હોવાથી તેમની પાસે કોઈ પણ ભાવે ટિકિટ વેચવા સિવાયનો વિકલ્પ રહેતો નથી. તેના કારણે અન્ય એરલાઇન્સ પર ભાડાં ઘટાડવાનું દબાણ આવે છે.

કિંગફિશરના એક ટ્રાવેલ એજન્ટ જણાવે છે કે , હું મારી પાસે રહેલી કિંગફિશરની ટિકિટો ન વેચી શકું તો હું ઇન્ડિગો જેવી બીજી એરલાઇનની ટિકિટ નહીં વેચું અને કિંગફિશરની ટિકિટ વેચવા પર જ ધ્યાન આપીશ.

તેમણે કહ્યું હતું કે ગયા વર્ષે એર ઇન્ડિયાએ પણ આવી નીતિ અપનાવી હતી , પરંતુ એક જ ચુકવણીની સાઇકલ પછી યોજના પડતી મૂકી હતી.

No comments:

Post a Comment