August 20, 2011

તાજેતરમાં રમણભાઇ નામના એક વૃદ્ધ જીવનસંધ્યા નામના એક વૃદ્ધાશ્રમના સંચાલક અને પારકી છઠ્ઠીના જાગતલ એવા ફરસુભાઇ કક્કડ નામના એક વંદનીય સામાજિક કાર્યકર પાસે જઇને રડ્યા કે તેમનો પુત્ર તેમને ત્રણ હજાર રૂપિયા આપવા છતાં રાખતો નથી તે ચાર હજારની માગણી કરે છે વગેરે અનેક વાતો કરીને તેઓ પોતાનાં દુ:ખ રડ્યા. આ વાતો છાપામાં છપાઇ અને જનરંજની પ્રતિભાવ એવો આવ્યો કે અરેરે, સંયુક્ત કુટુંબ તૂટતું જાય છે. યુવાન પુત્ર-પુત્રવધૂને ઘરડાં મા-બાપની કંઇ પડી નથી. કેટલાક તો તરત જ આંધળાં મા-બાપને કાવડમાં બેસાડી તીર્થયાત્રા કરાવનાર શ્રવણનો દાખલો આપવા માંડ્યા. કેટલાક તો ‘ભૂલો ભલે બીજું બધું, મા-બાપને ભૂલશો નહીં’ જેવાં ગીતો ગાવા માંડ્યા. કેટલાકે વળી રમણભાઇના રખરખાવ માટે તૈયારી બતાવી.

કેટલાકે તો વળી વૃદ્ધોની સેવા માટે ભેખ ધરવાની પણ વાત કરી. પરંતુ રમણભાઇના દીકરાને કોઇ પૂછવા ન ગયું કે તમે તમારા પિતા સાથે આવો દુવ્ર્યહાર કેમ કરો છો? પહેલાંના પુત્રો બધા લાયક હતા તો નવા જમાનાના પુત્રો બધા નાલાયક થઇ ગયા છે? તેમનામાં કોઇ રાસાયણિક પરિવર્તન આવી ગયું છે? કોર્ટ ન્યાય કરતાં પહેલાં બંને પક્ષોને સાંભળે છે. નવી પેઢીને સાંભળ્યા વિના આપણે એવા એક પક્ષી નિર્ણય પર કઇ રીતે આવી શકીએ કે આજની પેઢી બગડી ગઇ છે?

No comments:

Post a Comment