August 18, 2011

મનની એક ભયાનક કુટેવ છે: નાવિન્યમાંથી સાતત્ય શોધી કાઢવાની. સાદા શબ્દોમાં કહીએ તો: મન નવામાંથી જૂનું શોધી કાઢીને તરત ચુકાદો આપી દેતું હોય છે કે આ તો એનું એ જ છે. અસલમાં કશું જ ‘એનું એ’ નથી હોતું. સૃષ્ટિ સતત પરિવર્તનશીલ છે, ચેન્જ ઇઝ કોન્સ્ટન્ટ. પરિવર્તન સતત ચાલે. આપણા સૌના શરીરમાં રોજ લાખો કોષો મરે છે અને નવા જન્મે છે. પણ કોષો બહુ શાંત હોય છે. બાજુનો કોષ મરી જાય તો આસપાસના કોષ એની મરણસભા નથી યોજતા કે નવા કોષના જન્મને વધાવવા નજીકના કોષો ઢોલનગારાં નથી વગાડતાં. પરિણામે આખો ખેલ બહુ શાંતિપૂર્વક ચાલતો રહે છે અને આપણને એવું લાગે જાણે આપણે તો એકધારા જ છીએ.

નથી, આપણે એકધારા નથી. ખાતરી ન થતી હોય તો પતિ કે પત્નીનો રોજેરોજનો મૂડ જોજો. એમાં ક્યારેક સુક્ષ્મ સ્તરે કે ક્યારેક અત્યંત મોટે પાયે બદલાવો આવતાં જ હોય છે. છતાં, આપણે એવું માનીએ કે જીવનસાથીની તો આપણે રગેરગ જાણીએ છીએ. ઘરથી ઓફિસનો રસ્તો આપણને રોજ એકસરખો લાગતો હોય છે, પણ વાસ્તવમાં રોજ એ રસ્તે નવા નવા માણસો જોવા મળતા હોય છે.

પક્ષીઓનો કલબલાટ હોય કે બાળકોનું હાસ્ય, એ સોએ સો ટકા અગાઉ જેવાં હોઈ જ ન શકે. પણ અગાઉના અને આજના કલબલાટ કે હાસ્યમાં ફરક નોંધવા માટે કાન જોઈએ. રોજિંદા દ્રશ્યોમાં નાવિન્ય જોવા માટે આંખ જોઈએ. આ આંખ અને કાન તો બાહ્ય ઇન્દ્રિય છે. એનો બોસ છે મન. મન નવું, ફ્રેશ હોય તો દુનિયા રોજ ફ્રેશ લાગે.

No comments:

Post a Comment