August 18, 2011

એક વાત કમાલની છે. કોઈ માણસ શાપ મેળવવા માટે તપ કરે? હા, કરે. આપણાં પુરાણોમાં એવી અનેક અનેક કથાઓ છે જેમાં સૌથી ઉગ્ર તપ સૌથી મોટા શાપ માટે કરવામાં આવેલાં. વાત જાણે એમ છે કે જીવનની સૌથી વધુ ત્રાસજનક બાબત અને સૌથી વધુ ઇચ્છિત બાબત, બન્ને એક જ છે. બોલો, એ ચીજ કઈ? પૈસા, ના. પ્રસિદ્ધિ, ના. જવાબ છે: અમરત્વ. રાવણથી માંડીને હિરણ્યકશ્યપુ જેવા કેટકેટલાય ‘તપસ્વી’ઓએ અમરત્વ મેળવવા ઘોર તપશ્ચર્યા કરેલી.

બીજી તરફ, પાંડવોના સંતાનોની હિચકારી હત્યા કરવા બદલ અશ્વત્થામાને જગતનો સૌથી આકરો શાપ મળ્યો, અમરતાનો શાપ. આ લખનારને નાનપણમાં આ વાતની ભારે નવાઈ લાગતી કે ‘મને કોઈ મારી ન શકે’ એવી હિરણ્યકશ્યપુની માગણી વરદાન ગણાય, જ્યારે અશ્વત્થામાને ‘તું ક્યારેય મરીશ જ નહીં’ એવું કહેવાયું એ શાપ ગણાય. નાનપણની આ મૂંઝવણ હવે ઉકલી ચૂકી છે. આ ‘ગોટાળા’નો જવાબ સ્પષ્ટ છે: અમરતા વરદાન નહીં, શાપ જ છે. મોત આવે જ નહીં એથી મોટો ત્રાસ બીજો કયો હોઈ શકે? મરવાનું જ નહીં? તો તો મરી રહેવાય..

No comments:

Post a Comment