August 18, 2011

 ‘ડોન્ટ સ્વેટ ધ સ્મોલ સ્ટફ’ રિચર્ડ કાર્લસનનું વર્ષોથી બેસ્ટ સેલર રહેલું પુસ્તક અનેક ભાષાઓમાં અનુવાદિત થયું છે. જીવનમાં ઘણીવાર નાની વાતો મોટી ચિંતાઓનું કારણ બનતી હોય છે. આવી સમસ્યાઓના નિરાકરણ માટે લેખકે સૂચનો એ રીતે આપ્યા છે કે આ પુસ્તકને ક્રમવાર ન વાંચીએ તો પણ એમનો અમલ કરી શકાય. લેખકના અમુક વિચારો તપાસીએ.

આપણી માન્યતા છે કે વ્યસ્ત અને તનાવપૂર્ણ રહેવું એ પ્રગતિની નિશાની છે. વાસ્તવિકતા કંઇક જુદી છે. જેનું મન શાંત છે અને નાની અડચણોથી જે અસ્વસ્થ નથી થતાં, તે સફળ થાય છે. નાની તકલીફો પાછળ સમય વેડફનારા મૂળ ધ્યેયથી વિચલિત થઇ જાય છે. ક્ષિતજિ પર નજર રાખો અને નાની વાતોને જતી કરો. જાણીતા લેખક વેન ડાયરે એક પત્રમાં આપેલી સલાહને આ પુસ્તકનું શીર્ષક અપાયું છે. જુની આદતો ઝટ બદલાતી નથી. તણાવ ઓછો કરવા લેખકના સૂચનો જોઇએ.

સવારે વહેલા ઊઠવાની આદત કેળવો. પોતાની સાથે વાર્તાલાપ કરવા માટે આ શાંત પળોનો લાભ ઊઠાવો. બીજાને એની વાત કહેવા દો અને કંટાળાજનક લાગે તો પણ સંયમ રાખી શાંત રહો. વર્તમાનમાં જીવવાની આદત કેળવો કારણ કે ભવિષ્યની ચિંતા ભયનું મુખ્ય કારણ છે. જે નાની વાતથી તમે આજે અપસેટ થાઓ છો તે એક વર્ષ બાદ કેટલી મહત્વની હશે તેનો વિચાર કરો. એક વર્ષ બાદ કદાચ એ યાદ પણ નહીં રહે તો પછી એને શા માટે આટલું મહત્વ આપો છો.

ખરી સિદ્ધિ બહાર નહીં પણ આપણી અંદર છે. દુનિયાની નજરે દેખાતી પ્રગતિ જો મનનો સંતોષ ન આપી શકે તો એ અર્થહીન બની જાય છે. દુનિયા આપણી ઇચ્છા મુજબ નથી ચાલતી એ સત્ય સ્વીકારી લો. તે જ પ્રમાણે વિવેચન પણ સ્વીકારી લો. મૂડ ખરાબ હોય તો પણ ક્યારેય ભાવનાત્મક વર્તણૂંક કરવી નહીં. એકવાર વિચારો બદલાશે તો ભાવનાઓ પણ આપોઆપ બદલાવા માંડશે.

કોઇ પણ કાર્યમાં સંતોષની લાગણી મેળવી શકાય તો એને કોઇ બદલી નહીં શકે. કોઇ પણ ક્ષેત્રમાં કંઇ પણ પામવું હશે તો લાંબાગાળાની દ્રષ્ટિ કેળવવી જરૂરી થઇ જાય છે. જીવનમાં બનતી નાની ઘટનાઓ અથવા નાની વાતોમાં જો અટવાઇ જઇએ તો એ બિંદુ પર પ્રગતિ અટકી જાય છે. જો આવી આદતને બદલી ન શકાય તો કોઇ પણ ધ્યેય મેળવવામાં એ બાધારૂપ બને છે. આ પુસ્તકમાં લેખક કહેવા માગે છે કે યોગ્ય પ્રયાસથી કોઇ પણ આદતને બદલી પ્રગતિ કરી શકાય છે.

No comments:

Post a Comment