August 18, 2011

‘પાંચ કરોડ લોકો સુધી પહોંચતાં રેડિયોને ૩૮ વર્ષ લાગ્યાં, ટીવીને ૧૩ વર્ષ લાગ્યાં, ઇન્ટરનેટે આ કામ પાંચ વર્ષમાં કર્યું, આઇપોડે ૩ વર્ષ લીધાં અને ફેસબુક? બે કરતાં ઓછાં વર્ષમાં!’

હવે ગૂગલ પ્લસના આગમન પછી આ સરખામણી નવેસરથી તપાસવા જેવી છે - હજી ગયા વર્ષે આપણે જે ફેસબુકને સુપર ફાસ્ટ ગણ્યું હતું એ આ નવી સરખામણીમાં ગોકળગાય જેવું સાબિત થઈ રહ્યું છે. લિઓન હેલેન્ડ નામના નોર્વેના એક ‘ટેકી’એ ગૂગલ સર્ચ પરથી મેળવેલા ડેટાના આધારે એક ગ્રાફ તૈયાર કર્યો છે, જે બતાવે છે કે એક કરોડ યુઝર્સની સંખ્યા સુધી પહોંચતાં ફેસબુકને ૮૫૨ દિવસ થયા હતા, ટ્વિટરને ૭૮૦ દિવસ લાગ્યા અને થોડા સમય પહેલાં ગૂગલના સીઇઓએ કહ્યા મુજબ, જીપ્લસના યુઝર્સનો આંકડો ૧ કરોડને વટાવી ગયો છે, કેટલા દિવસમાં? ૧૯.

આ સરખામણીમાં, ફેસબુકે લોકોની ગળથૂથીમાં સોશિયલ નેટવર્કિંગ ભરી દીધું છે એનો મોટો એડવાન્ટેજ જીપ્લસને મળ્યો છે. પણ મૂળ મુદ્દો ફેસબુક કે જીપ્લસ કેટલા ફાસ્ટ છે એનો નથી, ટેક્નોલોજી અને યુઝર્સ કેટલા ફાસ્ટ છે એનો છે!

ગયા અઠવાડિયે આપણે ગૂગલ પ્લસનાં ફીચર્સની વાત અધૂરી છોડી હતી. આ એક અઠવાડિયું જોતાં લાગે છે કે સંખ્યાબંધ ગુજરાતીઓ જીપ્લસ પર આવી ગયા છે. આપણે એવી આશા રાખીએ કે આપણે સૌ ફક્ત ફેસબુકની જેમ જીપ્લસનો ઉપયોગ કરવાને બદલે, એનાં સ્પાકર્સ (તમને ગમતા વિષય પર સર્ચ કરીને, સબ્જેકટને સેવ કરીને ઇચ્છો ત્યારે તેમાં નવું નવું જાણવાની સગવડ), ચેટ અને હેંગઆઉટ (ગ્રૂપ વિડિયો મીટિંગ )નો પણ ભરપૂર લાભ ઊઠાવીએ.

સિસ્કો નામની જાયન્ટ મલ્ટિનેશનલ ટેક્નોલોજી કંપનીના બ્લોગ પર ‘ઇન્ટરનેટ ઓફ થિંગ્સ’ નામે એક ઇન્ફોગ્રાફિક મુકાયું છે. એ બતાવે છે કે ૨૦૦૮માં જ, પૃથ્વી પરના લોકો કરતાં વધુ સંખ્યામાં વસ્તુઓ ઇન્ટરનેટ સાથે સંકળાઈ ગઈ હતી. ૨૦૨૦ સુધીમાં આ કનેકટેડ વસ્તુઓની સંખ્યા ૫૦ અબજ (પૃથ્વીની માનવવસતી, ૫-૬ અબજ છે) થઈ જશે.

આ વસ્તુઓ એટલે ફક્ત કમ્પ્યૂટર્સ, આઇપેડ્સ, મોબાઇલ્સ વગેરે એવું ધારવાની ભૂલ ન કરતા. એક ડચ કંપનીએ પશુધન પર મૂકી શકાય એવાં વાયરલેસ સેન્સર વિકસાવ્યાં છે. કોઈ ગાય માંદી પડે કે પ્રેગ્નન્ટ થાય એટલે ગોવાળને, વાયા ઇન્ટરનેટ, એનો મેસેજ પહોંચી જાય. કોર્વેન્ટિસ નામની એક કંપનીએ આ રીતે માનવશરીરને મોનિટર કરતાં સેન્સર બનાવ્યાં છે. હૃદયમાં કંઈ પણ ખોટકો થાય એટલે પહેલાં આપણા ફિઝિશિયનને ખબર પડી જાય!

આ બધી જ ‘વસ્તુ’ એકબીજાના ટચમાં આવવા લાગી છે. એટલે શું થઈ શકે એ જુઓ... તમારી વહેલી સવારની એક મિટિંગ ૪૫ મિનિટ પાછળ ઠેલાય છે. દરમિયાન, તમારી કારને ‘ખબર’ છે કે રસ્તામાં પેટ્રોલ પૂરાવવાનું છે અને એમાં વધારાની ૧૦ મિનિટ જશે. એને એ પણ ‘જાણ’ થઈ છે કે રસ્તામાં ખાડા ખોદાયા હોવાથી ડાયવર્ઝનમાં ૨૦ મિનિટ જશે.

મિટિંગ ૪૫ મિનિટ મોડી થઈ છે, પણ રસ્તામાં કુલ વધારાની ૩૦ મિનિટ જવાની છે એ ‘હિસાબ’ તમારી એલાર્મ કલોકને પહોંચી જાય છે, એટલે એ તમને ૧૫ મિનિટ મોડા ઊઠવાની ‘છુટ’ આપશે. એલાર્મ બાથરૂમમાં ગઝિરે ક્યારે સ્ટાર્ટ થવું અને ગેરેજમાં કારે ક્યારે સ્ટાર્ટ થઈ જવું એ પણ એમને જણાવી દેશે!

આ નરી કલ્પના નથી. અત્યંત ઝડપથી સર્જાઈ રહેલી વાસ્તવિકતા છે. સિસ્કોનો અંદાજ છે કે ૨૦૧૧ (એટલે કે આ જ વર્ષ!)ના અંત સુધીમાં નવી ટેક્નોલોજીથી સજ્જ ફક્ત ૨૦ પરિવારો, ૨૦૦૮માં આખા ઇન્ટરનેટ પર જેટલો ટ્રાફિક હતો એનાથી વધુ ટ્રાફિક જનરેટ કરશે. સિસ્કો કંપનીની પ્લેનેટરી સ્કિન ધરતી, સમુદ્ર અને આકાશમાં અબજો, નેટવકર્ડ સેન્સર્સ પાથરી દેશે, જે હવામાનમાં થતા ફેરફારની તાત્કાલિક, સચોટ જાણ કરશે.

આઇપીવી૬ (જેના વિશે આપણે થોડા સમય પહેલાં વાત કરી હતી) પ્રોટોકોલ પૂરેપૂરો અમલમાં મુકાતાં, પૃથ્વીની સપાટી પરના કુલ અણુ કરતાં ૧૦૦ ગણા ઇન્ટરનેટ એડ્રેસ પોસિબલ બનશે! ઇન્ફોગ્રાફિક અંતે કહે છે કે ટેક્નોલોજીની બધી મર્યાદાઓ તીવ્ર ગતિએ ઘટી રહી છે. અબજો લોકો અને એનાથી વધુ વસ્તુઓ એકમેક સાથે સંકળાયેલી હોય, વાત કરતાં હોય અને સતત નવું શીખતાં હોય ત્યારે મયાeદા માત્ર એક વાતની રહે છે - આપણી પોતાની કલ્પનાશક્તિની!

No comments:

Post a Comment