August 18, 2011

કોઇ સાથે ગાંઠે નહીં ત્યારે તમે એ સંબંધમાંથી હટી જાઓ છો કે એને કહો છો કે ‘જા, તારી સાથે કોણ સંબંધ રાખે!’

ભાષા પ્રવાહી છે અને એ આપણી જીવનશૈલીનું દર્પણ છે. એનું લેટેસ્ટ ઉદાહરણ સોશિયલ નેટવકિઁગ સાઇટ્સમાં જે પ્રકારે નવા શબ્દો કોઇન થાય છે, અથવા તો જુના શબ્દો નવા સ્વરૂપે વપરાય છે એમાં જોવા મળે છે. ખરો ટ્રેન્ડ તો શરૂ કર્યો હતો વિલિયમ શેકસપિયરે, કે જેણે પ્રવર્તમાન શબ્દોને નવો આયામ આપ્યો હતો. ફોર એકઝામ્પલ, એ ભાઇડો ‘ફાધર’ શબ્દને ક્રિયાપદ તરીકે પણ વાપરવાનો પ્રયોગ કરી ‘ફાધર્ડ’ એવું લખી શકે. એ જ કારણ તો છે કે ભાષા નિત-નૂતન લાગે છે.

આજે વાત કરવી છે ‘ફેસબુક’ ઉપર વપરાતા એક શબ્દની જેની સાથે ઘણું બધું સંકળાયેલું છે. જે વાચકોએ ક્યારેય ‘ફેસબુક’ નામની ચોપડી ઉથલાવી જ નથી એમની જાણ સારું કહેવાનું કે અહીં ‘ફ્રેન્ડ’ મતલબ મિત્રો બનાવવાના હોય છે. જરૂરી નથી કે ફેસબુક ઉપરના જે ‘મિત્રો’ હોય એ એકમેકને રિયલ લાઇફમાં ઓળખતા જ હોય.

આવી રીતે મિત્રો બનતા જાય, બનતા જાય અને એક સવારે થાય કે ફલાણો કે ઢીંકણો ભાઇ કે ફલાણી બહેન ‘મિત્ર’ને લાયક નથી, તો ગભરાવાની જરૂર નથી! માર્ક ઝકરબર્ગ એન્ડ કંપનીએ આપની સેવામાં ‘અનફ્રેન્ડ’ કરવાની સગવડ આપી છે. આ ‘અનફ્રેન્ડ’ કરવું એટલે ફેસબુકના મિત્રમંડળમાંથી કોઇને બાકાત કરી દેવું, ટાટા-બાય બાય કરી દેવું. આ શબ્દ નામે ‘અનફ્રેન્ડ’.

ઓકસફર્ડ ડિકશનરી બનાવવાવાળાઓને એટલો બધો ગમી ગયો કે ૨૦૦૯માં એ શબ્દને વર્ષના નવા કોઇ ન થયેલા અને સૌથી વધુ વપરાતા શબ્દોમાં એને અગ્રસ્થાન આપ્યું. સામાન્ય રીતે આપણે મિત્ર-દુશ્મન, સુખ-દુખ, અમીર-ગરીબ એ રીતે વિચારવા અને સમજવા ટેવાયેલા છીએ. ‘અનફ્રેન્ડ’નું ગુજરાતી ‘અમિત્ર’ કરી શકાય, અને ચંદ્રકાન્ત બક્ષી કહે છે એમ ગુજરાતી ભાષા-પ્રયોગમાં ‘અમિત્ર’ જેવો શબ્દ જ નથી!

આપણને સામાજિક-અસામાજિક ખબર છે, પણ બિન-સામાજિક ઝટ આપણી જબાને ચઢતું નથી. અંગ્રેજીમાં વિચારીએ તો સોશ્યલ-એન્ટિસોશિયલ દેખાય, અસોશિયલ (મતલબ કે ‘બિન સામાજિક’, એટલે કે એવી વ્યક્તિ કે જે સોશિયલ નથી) આપણા એટિટયૂડમાં જ નથી.

આપણી વાતનો તંતુ હવે પકડવાનો છે. આગળ કહ્યું ને કે શબ્દો આપણી જીવનશૈલી અને એટિટયૂડનું દર્પણ છે, એ પ્રમાણે કોઇને ‘અનફ્રેન્ડ’ કરવું મતલબ કે આપણે એક્સ, વાય કે ઝેડને એવું દર્શાવીએ છીએ કે ‘ભાઇ, તું મારે લાયક નથી. તારો સ્વભાવ મને પસંદ નથી. બાય બાય!’ ફેસબુક એટલે આમ તો વચ્યુંઅલ વિશ્વની વાત થઇ. ચાલો, વાસ્તવિક વિશ્વમાં ડોકિયું કરીએ. ધારો કે તમને પાડોશમાં રહેતા તમન્નાબહેન સાથે નથી ફાવતું, તો તમે એમને ‘અનફ્રેન્ડ’ કરી દો છો કે તમે એમનાથી તમારી જાતને ‘વિથડ્રો’ એટલે કે પાછી હટાવી દો છો?

મુદ્દાનો મુદ્દો આ છે. એક સ્પષ્ટતા કરી આગળ વધીએ. પ્રથમ તો મને ફેસબુક ઉપર ‘મિત્ર’ શબ્દના પ્રયોગ તરફ જ વાંધો છે, કારણ કે એમ કંઇ મિત્રતા બનતી નથી. પણ એકવાર મિત્ર બની ગયા પછી ન ફાવે તો ‘અનફ્રેન્ડ’ કરવા એમાં તો અહંકારની નરી વાસ આવે છે. ટોન એવો થાય છે કે ‘મેં તો એને અનફ્રેન્ડ કરી દીધો!’ એના બદલે આપણને કોઇ સાથે ન ફાવે તો ‘વિથડ્રો’ કરી લઇએ તો કેવું? એમાં ટોન કંઇક આવો થાય છે, ‘જો ભાઇ, મને તારી સાથે ફાવતું નથી, એટલે આપણી મૈત્રીમાંથી હું મારી જાતને પાછી હટાવી લઉં છું.’ ‘અનફ્રેન્ડ’ કરવામાં લાત મારવાની વાત છે, ‘વિથડ્રો’ કરવામાં હટી જવાની વાત છે.

ફ્રોમ વચ્યુંઅલ ટુ રિયલ. આભાસી વાસ્તવિકતામાંથી વાસ્તવિક વાસ્તવિકતા તરફ જઇએ. તમે બેઝિકલી ‘અનફ્રેન્ડ’ કરવાવાળા કે ‘વિથડ્રો’ થવાવાળા? તમારા ધંધા, વ્યવસાય કે આડોશપાડોશમાં કે સગા-સંબંધીમાં કોઇની સાથે ગાંઠે નહીં ત્યારે તમે એ સંબંધમાંથી હટી જાઓ છો કે પછી એ સંબંધીને કહેવા જાઓ છો કે ‘જા, તારી સાથે કોણ સંબંધ રાખે!’ આપણે કંઇ સારાપણાની રામાયણ કરવા બેઠા નથી, પરંતુ અનફ્રેન્ડ કરવાવાળા સ્વભાવત: જીદ, ગુસ્સો અને શોર્ટ ટેમ્પરનું પ્રદર્શન કરે છે, જ્યારે ‘વિથડ્રો’ થવાવાળા સમજણ બતાવે છે. બીજી રીતે કહીએ તો અનફ્રેન્ડ કરવાવાળા સભા/મંડળીમાંથી કોઇને હટાવી દેવાની ચળ દર્શાવે છે, જ્યારે ‘વિથડ્રો’ થવાવાળા સભામાંથી ઊઠી જવાની માનસિકતા ધરાવે છે.

‘અનફ્રેન્ડ’ કરવામાં શિકાયતની શક્યતા છે, ‘વિથડ્રો’ થવામાં સમજણમાંથી સ્ફૂરેલો સ્વીકારભાવ છે. કદાચ વાત અહંકાર વર્સિસ નમ્રતાની પણ હોઇ શકે. ફેસબુકના અમારા એક મિત્રએ કહ્યું હતું એ પ્રમાણે વાસ્તવિક જીવનમાં આપણે સંબંધ બાંધતાં પહેલાં સામેવાળાની મરજીનો ખ્યાલ કરીએ છીએ, તો પછી સંબંધમાંથી બહાર એકલા એકલા કેમ નીકળી જવું? ‘તને મારાથી દૂર નથી કરતો, હું તારાથી દૂર થઇ રહ્યો છું’, આ થયો કે નહીં સાચો ‘યુ’ એટિટયૂડ? તમે જીવનમાં અનફ્રેન્ડ કરવા જાઓ છો કે વિથડ્રો કરો છો? કારણ કે એની ઉપર તો નિર્ભર છે આપણી મસ્તીનો આધાર! બાય ધ વે, ભાઇ ઝકરબર્ગ અનફ્રેન્ડને બદલે ‘વિથડ્રો’ શબ્દ વાપરવાનું વિચારી શકે છે.

No comments:

Post a Comment