August 18, 2011

રાજીનામું શબ્દ કાને પડતાં જ અલગ અલગ રીતે વિચારોનો ધોધ મગજમાં વહેવો શરૂ થઈ જાય છે. કેન્દ્ર સરકારમાં પણ છેલ્લા કેટલાક સમયથી રાજીનામાંનો દોર ચાલી રહ્યો છે. કોર્પોરેટ વિશ્વમાં પણ રાજીનામાં સંભળાઈ રહ્યાં છે. રાજીનામું શબ્દનો સાદો અર્થ એવો થાય કે રાજી થઈને કરવામાં આવતું કૃત્ય એટલે કે કોઈ પણ વ્યક્તિ કોઈ સંસ્થા, કંપની કે વ્યવસાયમાં હોય અને ત્યાંથી મુક્ત થવા માંગતો હોય ત્યારે છુટા પડવા માટે જે વિધિ કરવી પડે તેને આપણે રાજીનામું આપ્યું તેમ કહીએ છીએ.

હકીકતમાં રાજીનામું શબ્દ તેના અર્થ પ્રમાણે ખરેખર રાજી થઈને અપાતો પત્ર હોય છે? મોટા ભાગના કિસ્સામાં તેનો જવાબ ‘ના’માં મળે છે. જો કે રાજીનામાના પત્રમાં તો દરેક વ્યક્તિ સંસ્થા છોડતી વખતે તેના વખાણ જ કરતી હોય છે પણ તેના મનમાં તે ભાવ હોતો નથી. રાજીનામું લખવું એ પણ એક અલંકારિક કૃત્ય ગણાય છે. ઘણી સંસ્થા કે કંપનીમાં આ માટેની નિષ્ણાત વ્યક્તિ હોય છે અથવા તો એવી વ્યક્તિઓ હોય છે કે જેઓ અલંકારિક ભાષામાં રાજીનામું લખી આપવા તત્પર હોય છે. કેટલાક રાજીનામા પત્રમાં પોતાની કડવાશ પણ વ્યક્ત કરતા હોય છે. જે તે સંસ્થા કે કંપનીની મેનેજમેન્ટમાં તેની કેટલી ગંભીરતાથી નોંધ લેવાય છે તે અલગ ચર્ચાનો વિષય છે.

વિશ્વ સાહિત્યમાં કેટલાક અદભૂત રાજીનામાના પત્રો પણ પ્રગટ થયા છે. રાજીનામું લખતી વખતે સામાન્ય રીતે એવું મનાય છે કે વ્યક્તિએ સંસ્થા છોડતા સમયે કોઈ પણ જાતની કડવાશ વિના ચૂપચાપ પત્ર લખી દેવો જોઇએ. કેટલાકનો મત એવો છે કે જો આપણે ખરેખર રાજી થઈને નીકળતા ન હોઈએ તો સાચી હકીકત ટોપ મેનેજમેન્ટ સુધી પહોંચાડવા જે પણ સાચું લાગતું હોય તેની વિગત પત્રમાં લખવી જોઈએ. ઘણી કંપનીઓમાં રાજીનામું આપનાર વ્યક્તિનો એક્ઝિટ ઇન્ટરવ્યૂ લેવાની પ્રથા હોય છે.

આની પાછળનો હેતુ એ છે કે જો કોઈ વ્યક્તિ નારાજ થઈને જતી હોય તો તેના મનમાં કંપની વિશેના શું ભાવ છે તે જાણી શકાય તથા જો તેના સૂચનો કે વાંધા યોગ્ય હોય તો તેનો ઉપયોગ કરીને ભવિષ્યમાં અન્ય વ્યક્તિઓને સાચવી શકાય. એટલું જ નહીં આ રીતે કંપનીની ઇમેજમાં પણ સુધારો કરવાનો એક પ્રયાસ હોય છે. એક્ઝિટ ઇન્ટરવ્યૂ એક પ્રણાલી તરીકે અદભૂત શસ્ત્ર છે પણ વ્યવહારમાં તેનો કેવો અને કેટલો ઉપયોગ થાય છે એ જોવાનું રહ્યું.

રાજીનામું આપનાર વ્યક્તિ મોટે ભાગે ગ્રોથ, પ્રમોશન, નાણાકીય સદ્ધરતા, મનગમતા સ્થળે નોકરી વગેરે કારણો આપતી હોય છે. હકીકતમાં આ તમામ માત્ર એક બહાનાં હોય છે. વ્યક્તિ જુની સંસ્થા છોડતા સમયે પોતાના બોસથી મોં છુપાવવા આ બધાં કારણો રજુ કરતી હોય છે. બોસને પણ આ બાબતનો ખ્યાલ હોય છે પણ ઘણા કિસ્સામાં બોસના હાથ પણ બંધાયેલા હોવાથી રાજીનામું આપનાર વ્યક્તિની સાચી દલીલો અને કારણો હોવા છતાં તેઓ કશું જ કરી શકતા નથી હોતા. કોર્પોરેટ ક્ષેત્રમાં ટેલેન્ટ રિટેન્શન એક મોટો માથાનો દુખાવો છે.

આ માટે કંપનીઓ નાણાકીય વળતર ઉપરાંત અનેક પ્રકારે લાલચો આપીને ટેલેન્ટેડ વ્યક્તિને રોકવાનો પ્રયાસ કરતી હોય છે. ફાર્મા ક્ષેત્રમાં કર્મચારીઓનો ટર્નઓવર રેશિયો અનેક ઘણો જોવા મળે છે. તેવું જ આઇટી કંપનીમાં પણ જોવા મળે છે. આઇટી કંપનીમાં મોટા ભાગના યુવાનો કામ કરતા હોવાથી તેઓ પોતાની મહત્વકાંક્ષાને પાર પાડવા વારંવાર નોકરી બદલતા રહે છે. અમેરિકાની વિખ્યાત એપલ કંપનીમાં કર્મચારીઓનો ટર્નઓવર રેશિયો તદ્દન નહીંવત્ છે.

આ માટે એપલના વડા સ્ટીવ જોબ્સને કારણભૂત ગણવામાં આવે છે. તેઓ કર્મચારીને અનોખી રીતે સાચવતા રહે છે. મોટા ભાગની કંપનીઓ એવું માની લે છે કે કર્મચારીને નાણાકીય પ્રલોભનો આપીને રોકી શકાય છે. વાસ્તવિકતા અલગ હોય છે. દરેક વખતે કર્મચારી નાણાકીય રીતે ભૂખ્યો હોતો નથી. કંપની તરફથી તેને માન-સન્માન મળે તેવું પણ તે ઇચ્છતો હોય છે. ઘણી કંપનીઓમાં દેખાદેખીથી આ વલણ પણ દાખલ થયેલું જોવા મળ્યું છે.

વાસ્તવમાં કર્મચારીને મનગમતું કામ કરવા મળતું હોય તો તે નાણાકીય પ્રલોભનો અંગે પણ વિચારતો હોતો નથી, પરંતુ કમનસીબે કોર્પોરેટ વિશ્વમાં દરેક વ્યક્તિ પાસે તેને નહીં ગમતું કામ જ કરાવાતું હોવાથી કર્મચારી રાજીનામું આપવા પ્રેરાતો હોય છે.

No comments:

Post a Comment