August 18, 2011

લંડનના ‘સન્ડે ટાઇમ્સ’માં એક સાપ્તાહિક કોલમ આવતી હતી જેમાં વિવિધ ક્ષેત્રમાં શૂન્યમાંથી સર્જન કરીને સફળ થયેલા લોકોના ઇન્ટરવ્યૂ છપાતા હતા. લેખિકા રાશેલ બ્રીજ દ્વારા ‘હાઉ આઇ મેડ ઇટ’ પુસ્તકમાં આવી ચાલીસ પ્રેરણાત્મક મુલાકાતોનું સંકલન કરાયું છે. શાના લીધે એમને સફળતા મળી તે આ પુસ્તકનો વિષય છે. સફળતા વિશે આ મુલાકાતોના આધારે લેખિકાનું વિશ્લેષણ જોઇએ.

સફળ થવા માટે ઉંમરની કોઇ બાધા નડતી નથી. કોઇ પણ વિચારને કેવી રીતે વ્યવસાય કે કમાણીનું સાધન બનાવવો તે જ મુખ્ય આવડત છે. ક્યારેક આવો વિચાર પોતે ભોગવેલી તકલીફોમાંથી સૂઝતો હોય છે.

અમુક વિસ્તારમાં જેની અગવડ હોય તે ક્ષેત્રમાં જો સેવા આપી શકાય તો એ વ્યવસાયમાં સફળતા સહેલી પડે છે. ઘણા લોકો બીજાને ત્યાં નોકરી કરી એ ક્ષેત્રનો અનુભવ મેળવી પોતાનો વ્યવસાય શરૂ કરે છે. કેટલાક પોતાના શોખને કમાણીનું સાધન બનાવી દેતા હોય છે. બીજા કોઇ સ્થળે સફળ થયેલા પ્રયોગને પણ અપનાવી શકાય છે. સફળ વ્યક્તિ જોખમ જરૂર ખેડે છે પણ ક્યારેય આંધળું જોખમ નથી લેતી. એ યોજનાબદ્ધ રીતે આગળ વધે છે.

ભણવામાં હોશિયાર હોય તે પ્રોફેશનલ બને છે પણ જે નબળા છે તે જીવનમાં નિષ્ફળ જાય તે જરૂરી નથી. ઘણીવાર નબળા વિદ્યાર્થીઓમાં બીજા ક્ષેત્રમાં કંઇક કરી બતાવવાની ધગશ વધારે જોવા મળતી હોય છે. ક્યારેક પારિવારિક દબાણ પણ કામ કરતું હોય છે. પરિવારમાં બીજા સદસ્યો જો સફળ થયા હોય તો પોતે પણ કંઇક કરી બતાવવાની ભાવના જાગે છે. કોઇ પણ કામ માટેની ધગશ અને ઝુંબેશ સફળ થવા જરૂરી છે. પોતાની પ્રવૃત્તિમાં સો ટકા વિશ્વાસ જરૂરી છે. અહીં શંકાને સ્થાન નથી. આત્મવિશ્વાસની સામે પ્રતિકૂળ સંજોગો પણ રુકાવટ નથી બનતા. સફળ વ્યક્તિ સમસ્યાનો નહીં એના નિરાકરણનો વિચાર કરે છે.

આ મુલાકાતોમાં સફળ વ્યક્તિઓ દ્વારા જે સૂચનો અપાયાં છે તે જોઇએ. મુખ્ય પ્રેરણા પૈસા નહીં પણ કંઇક બનવાની હોય છે. નામ થશે તો કમાણીની ચિંતા નહીં રહે. જ્ઞાન મેળવતા રહો કારણ કે એ જ ખરી સત્તા છે. વર્તમાન પર ધ્યાન આપશો તો ભવિષ્ય સુધરશે. જીવનમાં એકાદ વાર જ મોટી તક મળતી હોય છે માટે એને ઝડપી લેવી જોઇએ.

કામ નાનું હોય કે મોટું તેના પર સો ટકા ધ્યાન આપો. નિષ્ફળતાનો ખોટો ભય આપણને નિષ્ક્રિય ન બનાવી દે તેની તકેદારી રાખો. એટલા વ્યસ્ત રહો કે ચિંતાનો સમય ન રહે. દરેક વ્યક્તિના ગુણ તરફ ધ્યાન આપો. જે વ્યક્તિ પસંદ નથી તેની સાથે ઓછો સમય વીતાવો. આપણું ભાગ્ય નક્કી છે અને હવે તેને બદલી નહીં શકાય તેવી માન્યતાથી છૂટકારો મેળવો.‘

No comments:

Post a Comment