August 18, 2011

વિચાર કરો, કમ્પ્યૂટર પર કામ કરતી વખતે આપણે કેટકેટલી વખત ક્લિક કરવી પડે છે?કમ્પ્યૂટર ઓન કર્યા પછી કોઇ એપ્લિકેશન ઓન કરવા ક્લિક કરો. એમાં કશું પણ ટાઇપ કરવા ક્લિક કરો. વચ્ચે કોઈને મેઇલ કરવાનો થયો? તો બ્રાઉઝર ઓપન કરવા, જીમેઇલ કે યાહૂ ઓપન કરવા ક્લિક કરો. વળી મેઇલ કમ્પોઝ કરવા એના બટન પર ક્લિક કરો. પછી ટેક્સ્ટ બોક્સમાં ટાઇપ કરવા ત્યાં કર્સર મૂકવા ક્લિક કરો... માથામાં ક્લિક ક્લિકના સણકા વાગવા લાગ્યા? બિચારાં ટેરવાંનો કંઇ વાંક છે?

તમે નેટ પર જરા અમથું સફિઁગ કરી રહ્યા છો, કોઇક વાત મજાની લાગી અને થયું કે ચાલો મિત્રો સાથે શેર કરીએ. તો વળી શરૂ થાય ક્લિકનો કકળાટ. જે વાત મજાની લાગી હોય એ યુટ્યૂબ જેવી કોઈ સાઇટ પર કે કોઈ બ્લોગ પર હોય તો તો ઠીક કે તેમાં શેરિંગનાં બટન્સ હોય અને ફેસબુક કે ટ્વિટર સિલેકટ કરીને તમે પ્રમાણમાં ઓછી ક્લિકે વાત પતાવી શકો. પણ દર વખતે, જે વાત શેર કરવા જેવી લાગી હોય ત્યાં શેરિંગનું બટન હોય જ એવું બનતું નથી. ઉપરાંત, આપણે તો ત્રણ પેરેગ્રાફમાંથી ફક્ત બે લાઇન જ શેર કરવી હોય, જ્યારે પોસ્ટના અંતે આપેલું શેરિંગનું બટન હનુમાનજીની જેમ આખી પોસ્ટ જ શેર કરી આપે.

આનો કંઇક ઉપાય ન હોવો જોઇએ? સદ્ભાગ્યે આપણા જેવી ક્લિકની તકલીફ દુનિયામાં બીજા એવા લોકોને પણ થાય છે, જે આનો કંઇક ઉપાય શોધવા જેટલા આઇટીના નિષ્ણાત હોય.આવા લોકોએ ઉપાય શોધ્યો છે ક્લિક.ટુ (www.clicktoapp.com).

ક્લિક.ટુ એક એવું મજાનું, ટચૂકડું સોફ્ટવેર છે જે તમારા કમ્પ્યૂટરમાં જે કંઇ છે અથવા તો તમને સ્ક્રીન પર જે કંઇ દેખાય છે એને હાયપર લિંકમાં ફેરવી નાખે છે (વાસ્તવમાં નહીં, વાત એટલી સહેલી કરી નાખે છે એવા અર્થમાં!) . એટલે કે, ઉપર લખ્યું તેમ, કોઇ બ્લોગ પોસ્ટમાંની ફક્ત બે લાઇન તમારે ટ્વીટ કરવી હોય કે ફેસબુકમાં તમારી વોલ પર ચઢાવવી હોય તો એ બે લાઇનથી ટ્વિટર સુધીની યાત્રા તમે ફક્ત એક કે બે જ ક્લિકમાં પતાવી શકો છો. મજાની વાત એ છે કે આ ડેસ્કટોપમાં ઇન્સ્ટોલ કરવાનું સોફ્ટવેર હોવાથી નેટસફિઁગ ઉપરાંત તેના બીજા અઢળક લાભ તમે લઇ શકો છો.

જો રસ પડ્યો હોય, તો હવે આ સોફ્ટવેરની સાઇટ પર જાવ. ચાહો તો સર્વિસની સમજ આપતો વિડિયો જોઈને આગળ વધો અથવા સીધા જ ‘ડાઉનલોડ નાઉ’ બટન પર ત્રાટકો. સોફ્ટવેર ફક્ત ૩ એમબીનું છે. એને ઇન્સ્ટોલ કરશો એટલે શરૂઆતમાં તમને પૂછવામાં આવશે કે તમે કઇ કઇ સાઇટ કે વેબ એપ્લિકેશન કે ડેસ્કટોપ એપ્લિકેશનનો વધુ ઉપયોગ કરો છો? તમારી પસંદગી જણાવીને ઇન્સ્ટોલેશન પૂરું કરશો એટલે એક ઊંચે જતા તીરનો રેડ આઇકન તમારા કમ્પ્યૂટરમાં નીચેના જમણા ખૂણે ગોઠવાઇ જશે.

હવે ધારો કે તમે વર્ડમાં કંઇક લખ્યું. તમારે એ લખાણ કોઇને મેઇલ કરવું છે કે ટ્વીટ કરવું છે? તો લખાણ સિલેકટ કરીને કન્ટ્રોલ પ્લસ સી (કોપી માટેનો કમાન્ડ) ક્લિક કરો એટલે તરત ક્લિક.ટુ એક્ટિવ થશે અને તમારા લખાણની ઉપર જ, તમે આપેલી પસંદગી અનુસાર જીમેઇલ, ટ્વિટર, ફેસબુક વગેરે આઇકન દેખાશે. ધારો કે એ લખાણ ટ્વીટ કરવું છે તો ટ્વિટર પર ક્લિક કરો એટલે કામ પત્યું (પહેલી વાર તમારે જે તે સર્વિસને આ નવી સર્વિસના યુઝ માટે પરમિશન આપવા થોડી વધુ ક્લિકસ કરવી પડશે!) તમે જે લખ્યું એ વિશે વિકિપીડિયા કે ગૂગલ કે ગૂગલ મેપ કે ફ્લિકર કે યુટ્યૂબ વગેરેમાં સર્ચ કરવું હોય તો બસ, જે તે શબ્દ સિલેકટ કરી કન્ટ્રોલ પ્લસ સી ક્લિક કરી, જે તે સર્વિસ સિલેકટ કરો એટલે ધડાક દઇને તમારા ડિફોલ્ટ બ્રાઉઝરમાં જે તે સર્વિસ, સર્ચ રિઝલ્ટ સાથે ઓપન થશે!

તમે વેબ પર કંઇ સર્ચ કરો છો અને કોઈ લખાણની પીડીએફ કે વર્ડની નવી ફાઇલમાં નાખવું છે? ફરી સિલેકટ કરો, કન્ટ્રોલ પ્લસ સી ક્લિક કરો અને પીડીએફ કે વર્ડ સિલેકટ કરો એટલે (સોર્સની વિગતો સાથે) કામ પત્યું! કોઈ લખાણ ગૂગલ ટ્રાન્સલેટની મદદથી ટ્રાન્સલેટ કરવું હોય તો પણ આ જ વિધિ. કોપી કરવી, જે તે સર્વિસ ઓપન કરવાની, એમાં આગળ વધવા ક્લિકસ કરવાની, પેસ્ટ કરવાનું, ઓકે કહેવાનું વગેરે કોઇ જ ઝંઝટ નહીં! વર્ડમાંથી એક્સેલમાં કંઇક મોકલવું હોય, વર્ડમાંથી બ્લોગર કે વર્ડપ્રેસમાં ચઢાવવું હોય કે એવું કંઇ પણ કરવું ક્લિક.ટુની મદદથી ખરેખર ઝડપી બની જાય છે.તમે પણ કમ્પ્યૂટર જેટલા જ કામઢા હો તો આ ફ્રી સર્વિસમાં થોડા સમયનું શરૂઆતી ઇન્વેસ્ટમેન્ટ કરવા જેવું છે.‘

No comments:

Post a Comment