June 28, 2011

પુરુષના સર્જન વિશે વિચારીએ તો સમજાય કે એને માટે સર્જન એના વ્યક્તિત્વ સાથે જોડાયેલા નાના-મોટા અહંકારનું દર્પણ છે. એણે જે કંઇ લખ્યું છે અથવા લખે છે તેમાં એનું પુરુષત્વ પ્રગટ થયા વિના રહી જાય એ પુરુષને મંજૂર નથી. સ્ત્રી વિશેની વાર્તા લખતો પુરુષ પણ ક્યાંક જાણે-અજાણે પોતાનું પુરુષત્વ પ્રગટ કરી બેસે છે. સાવ નાનકડા બાળકને પણ જો એ રડતો હોય તો એમ કહીને ચૂપ કરાય છે કે, ‘છોકરીઓની જેમ રડ નહીં...’ પ્રેમની ઉત્કટ અભિવ્યક્તિને ‘વેવલાવેડા’નું નામ આપીને પુરુષને અમુક અંશે જડ અને રૂક્ષ બનાવવાનો આ સમાજ પ્રયત્ન કર્યા કરે છે. આ ધીમે ધીમે પીવડાવવામાં આવતો ‘મજબૂત’ હોવાનો અહેસાસ પુરુષના વ્યક્તિત્વનું કવચ બની જાય છે. ક્યારેક અભિવ્યક્ત થવા માગતો પુરુષ પણ ફક્ત ડરને કારણે લાગણીને અભિવ્યક્ત કરવાનું ટાળે છે.

પુરુષના પ્રમાણમાં અભિવ્યક્તિ વખતે સ્ત્રી વધુ નિર્ભિક અને વધુ સંવેદનશીલ હોય છે. જેને ચાહતી હોય એને પોતાના મનની વાત કહેવામાં કે પોતાના પ્રિય પુરુષ સામે ઘૂંટણિયે પડવામાં સ્ત્રીને ગૌરવનો અનુભવ થાય છે. લાગણી વ્યક્ત કરવી એ સ્ત્રી માત્ર માટે સાવ સહજ બાબત છે એટલે કદાચ એના સર્જનમાં પણ ખૂબ જ સ્વાભાવિકતાથી રેલાય છે. લાગણી એટલે ફક્ત પ્રેમ કે પીડાની વાત નથી. ક્રોધ, નિરાશા, વિરહ, વિદ્રોહ કે વિક્ષપિ્ત મનોદશાની કોઇ પણ લાગણી સ્ત્રીની અભિવ્યક્તિમાં જેટલી સ્વાભાવિકતાથી પ્રગટ થાય છે એટલી સ્વાભાવિકતા સુધી પુરુષસર્જકો આજે પણ પહોંચી શક્યા નથી.

પુરુષને પ્રગટ થઇ જવાનો ભય હોય છે. કોઇ પોતાને પૂરેપૂરો જાણી લેશે તો આજે જે સંબંધ છે તે યથાવત્ નહીં રહી શકે એવા ભય સાથે પુરુષ પ્રગટ થતાં ડરે છે. સ્ત્રી જાણે છે કે એને કોઇ ગમે તેટલું ઓળખી લે, છતાં એની પાસે એકાદ પાસું એવું છે કે જે ઓળખવાનું બાકી રહી શકે છે. સ્ત્રી પોતે જ એક રહસ્ય છે. બીજા માટે તો પછી, પહેલાં એના પોતાના માટે! એને પોતાને જ એના મનના ખૂણાઓની પૂરેપૂરી ઓળખાણ નથી હોતી. આ મિસ્ટરી અથવા રહસ્ય સ્ત્રીના સર્જનને વધુ રસપ્રદ બનાવે છે!

No comments:

Post a Comment