June 28, 2011

ઇમોશન અથવા લાગણી યુનિવર્સલ છે. વ્યક્તિમાત્રને ક્યાંક ને ક્યાંક લાગણીશીલ-ઇમોશનલ થવું ગમતું હોય છે. મોટા ભાગની વ્યક્તિઓ પોતાની જાણ બહાર ઇમોશનલ થઇ જતી હોય છે. એમના ગમા-અણગમા અને અભિવ્યક્તિ એમની લાગણી સાથે જોડાયેલા હોય છ. આ લાગણી એમની જિંદગીના વર્ષો સાથે ઉછરતી, બદલાતી જાય છે. સ્ત્રી જ્યારે સર્જન કરે છે ત્યારે એમાં એનાં સંતાનથી શરૂ કરીને એના શબ્દ સુધીના વિસ્તૃત વિસ્તારને આવરી લેવાય છે.

સ્ત્રી માટે એનું બાળક એની કવિતા કે એની ટૂંકી વાર્તા જેટલી જ તીવ્ર અભિવ્યક્તિ છે. એક પિતા અને માતા વચ્ચે જેટલો ફેર હોય એટલો ફેર એક સ્ત્રીલેખક અને પુરુષલેખક વચ્ચે જોવા મળે છે. મા અને પિતા બંને પોતાના સંતાનને ચાહે છે. બંને એને ઉત્તમ શિક્ષણ અને સવલતો મળી રહે એ માટેના પ્રયત્નો કરે જ છે, તેમ છતાં મા સાથેનું બોન્ડ-સેતુ સાવ જુદા જ પ્રકારનો હોય છે.

જ્યારે વાત સાહિત્ય પૂરતી કરીએ અને શબ્દોને માપવા બેસીએ ત્યારે સમજાય છે કે સ્ત્રીના સર્જનમાં સંવેદના અને લાગણી પુરુષના સર્જન કરતાં વધુ તીવ્ર હોય છે. ક્યારેક ખૂંપી જાય, પેસી જાય એટલી તીણી અને ધારદાર લાગણીઓ સ્ત્રીના સર્જનમાંથી પ્રગટે છે. હું સ્ત્રી છું માટે આવું કહું છું એવું નથી, પરંતુ સ્ત્રી જ્યારે વિચારે છે ત્યારે એમાં એની પીડા સાથે જોડાયેલી કલ્પના પણ કામ કરે છે. સ્ત્રીની પીડા દરેક વખતે એ જેટલી માને અથવા ધારે છે એટલી બધી તીવ્ર ન પણ હોય, પરંતુ એની કલ્પનાશીલતા અને સર્જનાત્મકતા એની પીડાને પણ એક નવો આયામ કે પરિમાણ આપીને જુદી જ રીતે વ્યક્ત કરવામાં મદદ કરે છે.

No comments:

Post a Comment