એક દિવસ એ ચૂપચાપ આવી ચડશે, એટલો ચૂપચાપ કે ન આત્માને એની અનુભૂતિ થશે, ન શરીરને કંઈ ખબર પડશે. એ પછી આપણું હોવું ન હોવું થઈને રહી જશે. આપણું શરીર, આપણો આત્મા સાથ છોડી દેશે. એ હશે પ્રેમ-પ્યાર-ઈશ્ક. આપણી સાથેસાથે પૃથ્વી નાચી ઊઠશે અને આકાશ પણ, વન-પર્વત પણ. બધા વિચાર, રીતિ-રિવાજ, કાનૂન, પરંપરા, મર્યાદા, નૈતિકતા કડડડભૂસ થઈ જશે. કોઈ એને રોકી નહીં શકે.
કેટલા ભાગ્યશાળી હોય છે એ લોકો, જેમના જીવન ઉંબરને પ્રેમે સ્પર્શ કર્યો છે! એમનું જીવન પછી સાધારણ ક્યાં રહ્યું? એ તો પુષ્પોથી લદાયેલું વૃક્ષ બની ગયું, જેની દૈવી સુગંધને બાંધી રાખવી કોઈની તાકાત નથી.
આજે પણ પ્રેમ દશે દિશામાં પૂરી નજાકત, તાકાત, ઊંડાણ અને ધેલછા સાથે પ્રસરી રહ્યો છે. દુનિયા પર આતંકવાદનો સકંજો છે એવું બહારથી ભલે લાગતું હોય, પણ ગામ, શહેર, ગલી, શેરી, બાગ, વનરાજી બધે જ બીજાની નજર બચાવી મોબાઈલ કરવો, મળવું, આંખમાં આંખ અને હાથમાં હાથ પરોવવાનું ક્યાંય અટક્યું નથી. કહો કે વધુ ઉત્કટ થયું છે.
કોઈએ એક દિવસ આમ જ પૂછી નાખ્યું કે આ પ્રેમમાં ગળાડૂબ હોવાનો દાવો કરનારા બધા લોકો ખરેખર પ્રેમ કરે છે? પ્રેમને સમજે છે? એવું કોણ છે આ દુનિયામાં જે પ્રેમને પૂરેપૂરો સમજી શક્યું હોય? કાલિદાસથી કામૂ સુધી, ગાલિબથી ફૈઝ સુધી, દોસ્તોયેવસ્કીથી સાર્ત્ર સુધી, શેક્સપિયરથી રિલ્કે સુધી, અમૃતા પ્રીતમથી પરવીર શાકીર સુધી, ક. મા. મુનશીથી રમેશ પારેખ સુધી બધાં પ્રેમને સમજવાની કોશિશમાં વણથંભ્યાં સર્જન કરતાં રહ્યાં છે! પ્રેમને સમજવા-પામવાનો સૌનો પોતપોતાનો અંદાજ છે.
No comments:
Post a Comment