June 10, 2011

આઇઆઇટી વર્લ્ડ ક્લાસ, રાજકારણીઓ થર્ડ ક્લાસ


જયરામ રમેશ યુપીએની સરકારમાં મંત્રી છે અને છેલ્લા સાત વર્ષથી કેન્દ્રમાં તેમનું જ શાસન છે. એનો મતલબ એવો થયો કે જો શૈક્ષણિક સંસ્થાઓમાં સડો હોય કે કંઇ ખામી હોય તો તેમની સરકાર જ તેના માટે સૌથી જવાબદાર છે. 

મૂળ મુદ્દો રિસર્ચનો છે અને ક્રિએટિવીટીની મોકળાશનો છે. અમેરિકા રિસર્ચ પાછળ દર વર્ષે ૨૫૦ બિલિયન ડોલર ખર્ચે છે. ભારત માત્ર ૮ બિલિયન ડોલર! આઇઆઇટી મદ્રાસમાં રિસર્ચ કરતાં એનાક્ષી ભટ્ટાચાર્યને તેમના રિસર્ચ માટેની ગ્રાંટ મળતાં ૩૨ મહિના લાગી ગયા હતા.

આઇઆઇટીની પ્રવેશ પરીક્ષામાં દર વર્ષે દેશભરમાંથી લાખો વિદ્યાર્થીઓ બેસે છે. તેમાંના ૯૮ ટકા વિદ્યાર્થીઓ નાપાસ થાય છે. ૨ ટકા વિદ્યાર્થીઓને જ ચાળીને આગળ ધકેલાય છે.

ભારતના પર્યાવરણ મંત્રી જયરામ રમેશે એક વિવાદ ઊભો કરીને રાજકીય અને ખાસ તો ઉચ્ચ શૈક્ષણિક ક્ષેત્રે વાતાવરણ ડહોળ્યું છે. શ્રીમાન જયરામનું કહેવું છે કે ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ્સ ઓફ ટેક્નોલોજી(આઇઆઇટી)ની ફેકલ્ટી વર્લ્ડ ક્લાસ નથી. ટૂંકમાં ભણાવનારામાં દમ નથી. જયરામ રમેશ પોતે આઇઆઇટી-મુંબઇના પાસ આઉટ છે એટલે સ્ટુડન્ટ્સના સ્તર વિશે નથી કહ્યું! તેમની આ ટીકાને કારણે આઇઆઇટી અને આઇઆઇએમમાં ભણનારાનાં ભવાં ઊંચા ચઢ્યા છે અને ભણાવનારાંએ તો બાંયો ચઢાવી છે. 

એ જ અરસામાં માઇક્રોસોફ્ટના સીઇઓ દિલ્હીની આઇઆઇટીના કેમ્પસમાં કહે છે કે માઇક્રોસોફ્ટમાં કામ કરતા કેટલાક બ્રિલિયન્ટ માઇન્ડ્સ છે તેમાં આઇઆઇટીના વિદ્યાર્થીઓ પણ છે. જયરામ રમેશ યુપીએની સરકારમાં મંત્રી છે અને છેલ્લા સાત વર્ષથી કેન્દ્રમાં તેમનું જ શાસન છે. એનો મતલબ એવો થયો કે જો શૈક્ષણિક સંસ્થાઓમાં સડો હોય કે કંઇ ખામી હોય તો તેમની સરકાર જ તેના માટે સૌથી જવાબદાર છે. 

હંમેશા સરકારના વકીલ તરીકેની ભૂમિકા ભજવતા માનવ સંસાધન મંત્રી કપિલ સિબ્બલ પર આ જયરામ બોમ્બ પડ્યો. આ વખતે સિબ્બલે તેમનો અને સાથે સરકારનો બચાવ કરવાનો આવ્યો. તર્કમાં માહેર આ વકીલે કહ્યું કે જેના વિદ્યાર્થીઓ વર્લ્ડ ક્લાસ હોય તેના શિક્ષકો ઉતરતા કેવી રીતે હોઇ શકે? મજાની વાત તો એ છે કે આઇઆઇટીમાં ભણાવનારા ફેકલ્ટીમાંના ૨૫ ટકા તો તેમના જ વિદ્યાર્થી રહી ચૂક્યા હોય છે. 

એ છે કે વર્લ્ડ ક્લાસ એટલે શું? અમેરિકા જે પેદા કરે એ? એક બાજુ ઓબામા આખા અમેરિકાને એવી શિખામણ આપે છે કે ભારતીય વિદ્યાર્થીઓ જેટલી મહેનત કરો અને તેમની જેમ કામ કરો. સારું એટલું અમેરિકાનું. ખરાબ એટલું ઇન્ડિયાનું. આવું માઇન્ડ સેટ સરેરાશ દરેક ભારતીયનું છે. દરેક બાબતમાં એવું નથી. 

મૂળ મુદ્દો રિસર્ચનો છે અને ક્રિએટિવીટીની મોકળાશનો છે. અમેરિકા રિસર્ચ પાછળ દર વર્ષે ૨૫૦ બિલિયન ડોલર ખર્ચે છે. ભારત માત્ર ૮ બિલિયન ડોલર! આઇઆઇટી મદ્રાસમાં રિસર્ચ કરતાં એનાક્ષી ભટ્ટાચાર્યને તેમના રિસર્ચ માટેની ગ્રાંટ મળતાં ૩૨ મહિના લાગી ગયા હતા. આવા વિલંબના ગુના માટે કોને સજા કરવી જોઇએ? કોઇ રિસર્ચરનો લગભગ ત્રણ વર્ષ જેટલો સમય પૈસાના વાંકે ખાઇ જાવ એ ગંભીર ગુનો છે. ભારતમાં પાંચેક દાયકા પહેલાં જ્યારે આઇઆઇટીની શરૂઆત થઇ ત્યારે તેનો ઉદ્દેશ એન્જિનિયરિંગ ઇન્સ્ટિટયૂટ તરીકે થયો હતો. રિસર્ચના મામલે તો છેલ્લા એકાદ દાયકામાં જ કામ શરૂ થયું છે. 

જો વર્લ્ડ ક્લાસ રિસર્ચ ન થતું હોય તો તેમાં વાંક માત્ર ફેકલ્ટીનો નથી. સરકારનો અને સરકારે ઊભી કરેલી ‘ઇકો સિસ્ટમ’નો છે. શિક્ષણ અને રિસર્ચ ક્ષેત્રે વાતાવરણ જ એવું બનાવી દેવાયું છે કે તેમાં સર્જકતા અને મૌલિકતાને અવકાશ જ નથી. એસેમ્બલિ લાઇન પ્રોડક્શનની જેમ આપણે દર વર્ષે લાખો સ્નાતકો પેદા કરીએ છીએ. છતાંય જે વિદ્યાર્થીઓ એન્જિનિયરિંગમાં ડોક્ટરેટ મેળવે છે તેમાંના મોટાભાગના આઇઆઇટીના જ હોય છે. ભાંગ્યું તોય ભરૂચ એના જેવો ઘાટ નથી આઇઆઇટીનો. મોટાભાગના બ્રિલિયન્ટ માઇન્ડ્સ પશ્વિના દેશો તાણી જાય છે. થર્ડક્લાસ પોલિટિશિયનના હાથ નીચે કયો ફર્સ્ટક્લાસ યુવાન કામ કરવા તૈયાર થાય?

જયરામ રમેશની ટીકાને કારણે દરેક ફેકલ્ટી મેમ્બરને ‘એક શિક્ષક કભી સાધારણ નહિ હોતા’ એ વાત યાદ આવી ગઇ. આઇઆઇટી એલ્યુમિની એસોસિએશને તૈયાર કરેલા એક સંશોધન અહેવાલ મુજબ છેલ્લા પચાસ વર્ષમાં આઇઆઇટીના વિદ્યાર્થીઓએ અંદાજે પોણા બે કરોડ લોકોને નોકરી અપાવી છે. આ વિદ્યાર્થીઓએ કાં તો પોતે નવું સાહસ કર્યું છે અથવા તો ઘણા મહત્વના સ્થાને સત્તા સંભાળે છે અને બીજાને નોકરીએ રાખ્યા છે. 

દેશની સામાજિક તસવીર બદલવામાં પણ ઘણા આઇઆઇટીયનો કામ કરી રહ્યા છે. ભ્રષ્ટાચાર અને બીજી અનેક બાબતોની જેમ આના મૂળમાં પણ રાજકારણીઓ છે અને તેમણે ઊભી કરેલી વ્યવસ્થા જ છે. આઇઆઇટીની પ્રવેશ પરીક્ષામાં દર વર્ષે દેશભરમાંથી લાખો વિદ્યાર્થીઓ બેસે છે. તેમાંના ૯૮ ટકા વિદ્યાર્થીઓ નાપાસ થાય છે. ૨ ટકા વિદ્યાર્થીઓને જ ચાળીને આગળ ધકેલાય છે. હવે વિચાર કરો કે આવો જ કડક માપદંડ આપણા રાજકારણીઓ માટે રાખીએ તો?

No comments:

Post a Comment