June 10, 2011

વિચારોની શક્તિને જાગૃત કરો અને ખુશ રહો


‘લવ લાઇફ, લીવ લાઇફ’ સ્યૂ સ્ટોન દ્વારા લખાયેલું એવું પુસ્તક છે જેમાં જીવનને માણવા તથા સફળતા વિશે વિચારો રજુ કરાયા છે. લેખિકા માને છે કે જીવનને સુધારવા માટેની આંતરિક શક્તિ દરેક વ્યક્તિમાં હોય છે પણ બહુ ઓછા લોકો તે વિશે સભાન છે અથવા તેનો ઉપયોગ કરતા હોય છે. કોઇ પણ ક્ષેત્રમાં સફળતા માટે આ શક્તિને જાગૃત કરવી પડે છે. વિજ્ઞાનમાં જેમ કોઇ (ક્રિયા) અને ઇફેકટ (પ્રતિક્રિયા)નો સિદ્ધાંત છે તે જ પ્રમાણે આપણા વિચારો પર પરિણામનો આધાર છે. વિચારોમાં ચુંબકીય તાકાત હોય છે. આપણું ચેતન મગજ સારા અને ખરાબની છણાવટ કરી પસંદગી કરે છે. જ્યારે અચેતન (સબકોન્શિયસ) મગજ કેવળ આદેશ માને છે. એને પોતાની પસંદગી નથી. માટે જાગૃત અવસ્થામાં આપણે જેવું વિચારીએ છીએ તે આપણા ચિત્તમાં માન્યતાઓ બની જાય છે. 

આ માન્યતાઓને બદલવા માટે વિચાર પદ્ધતિ બદલવી જરૂરી છે. કોઇ પણ વિષયની ચિંતા ઉચિત છે પણ ભય ઉચિત નથી. નેગેટિવ વિચારો પ્રમાણે વર્તન કરશો તો જીવન પર એનો પ્રભાવ પડશે. જીવનમાં જે જોઇએ છે તેનો જ વિચાર કરો, જે નથી જોઇતું તેની ચિંતા છોડી દો. ભવિષ્યમાં કંઇક ખરાબ થશે તેનું ક્યારેય ન વિચારો. નેગેટિવ વિચારો નેગેટિવ પરિણામ આપે છે. આનંદમય જીવન માટે વિચારોની શક્તિને સમજો.

આપણી સ્થિતિ માટે આપણે જવાબદાર છીએ એ સત્યને સ્વીકારો. સુધારો પણ આપણે પોતે જ લાવવાનો છે હંમેશાં ફરિયાદો કરવા કરતાં જીવનમાં કંઇક સારું બને તે એનો આભાર માનવાની વૃત્તિ કેળવો. ભૂતકાળના અપ્રિય બનાવો અથવા કોઇ વ્યક્તિ દ્વારા થયેલા અન્યાયને ભૂલી જાઓ. એમને માફ કરી આગળ વધો. માફીનો અર્થ એ નથી કે અન્યાય સહન કરતાં રહો પણ જે બની ગયું છે એના વિશે વારંવાર વિચારવાથી એ બદલાવાનું નથી. કેવળ બીજાની જ નહીં પોતાની ભૂલોને પણ માફ કરતાં શીખો. 

ભૂતકાળની નેગેટિવ પકડમાંથી છુટશો તો જ ભવિષ્ય પર ધ્યાન આપી શકશો. કોઇ પણ ધ્યેયને પામવા માટે એની સ્પષ્ટતા જરૂરી છે. ધ્યેય નક્કી કરતા પહેલાં સ્વપ્ન જોવાં આવશ્યક છે. દરેક સફળ વ્યક્તિ સ્વપ્ન જુએ છે. પોતાના ધ્યેયને લખી રાખો અને એને પામવાની ચોક્કસ યોજના બનાવો. આ પદ્ધતિ અપનાવનારા લોકોમાં સફળતાનું પ્રમાણ ઘણું વધારે જોવા મળે છે. જે લોકોને કોઇ સ્પષ્ટ ધ્યેય નથી હોતો તે હતાશા અને ડિપ્રેશનનો શિકાર બનતા હોય છે.

પ્રકૃતિનો કાયદો છે કે કોઇ પણ બદલાવ ધીમી ગતિએ થતો હોય છે. ધ્યેય પૂર્તિમાં પણ ઉતાવળા થવા કરતાં સંયમ અને ધીરજ રાખો. ગંભીર માંદગીમાં પણ એવા કિસ્સા જોવા મળે છે જ્યાં વિચારોની શક્તિથી દર્દી સાજો થઇ જાય છે. આ શક્તિ આપણી અંદર છે જેને જાગૃત કરવી પડે છે.

No comments:

Post a Comment