June 10, 2011

ગુજરાત બનશે દેશનું ઓટો હબઃ ફોર્ડનું રાજ્યમાં આગમન


ટાટા નેનો બાદ મારૂતિ સુઝુકી અને હવે દુનિયાની સૌથી મોટી કાર ઉત્પાદક કંપની ફોર્ડે પોતાના પ્લાન્ટ સ્થાપવા માટે ગુજરાત તરફ નજર દોડાવી છે. ડિટ્રોઇટ સ્થિત કંપનીએ ગુજરાતમાં કંપનીનો પ્લાન્ટ સ્થાપવા માટે આશરે રૂ.5,000 કરોડનું રોકાણ કરીને વાર્ષિક ત્રણ લાખ કાર સ્થાપવાનું લક્ષ્યાંક રાખ્યું છે. આ માટે ગુજરાત સરકારે સાણંદની નજીક કંપનીને 400 એકર જમીન આપવાનો નિર્ણય લેવાનું નક્કી કર્યુ છે. સાણંદમાં ગત વર્ષે ટાટા મોટરનો નેનો પ્લાન્ટ પણ ઉભો કરવામાં આવ્યો હતો.

- રૂ.5,000 કરોડનું રોકાણ કરીને વાર્ષિક ત્રણ લાખ કાર સ્થાપવાનું લક્ષ્યાંક રાખ્યું

-સાણંદની નજીક કંપનીને 400 એકર જમીન આપવાનો નિર્ણય લેવાનું નક્કી કર્યુ 

-અત્યારે રૂ.1,700 કરોડનું રોકાણ કરી ચેન્નઇમાં પોતાનો પ્લાન્ટ સ્થાપ્યો છે

અમેરિકન કાર ઉત્પાદક કપંનીએ અત્યારે રૂ.1,700 કરોડનું રોકાણ કરી ચેન્નઇમાં પોતાનો પ્લાન્ટ સ્થાપ્યો છે જ્યાં દર વર્ષે બે લાખ કાર ઉત્પાદન કરવાની ક્ષમતા ધરાવે છે. જોકે આ અંગે ફોર્ડ ઇન્ડિયાએ અથવા ગુજરાત સરકારે કોઇ પણ વિસ્તૃત માહિતી આપવાની ના પાડીને આ અંગે મૌન સેવી લીધું છે.

ઉલ્લેખનીય છે કે જો ફોર્ડ કંપની ગુજરાતમાં પગરણ માંડે છે તો ગુજરાતને ઓટો હબ બનવાનું સપનું સાકાર થઇ શકે છે. બીજી તરફ જનરલ મોટર અને ટાટા મોટર પહેલેથી ગુજરાતમાં પોતાનું યુનિટ ધરાવે છે. ઉપરાંત મારૂતી પણ થોડાક સમયમાં જ ગુજરાતમાં પોતાનો પ્લાન્ટ સ્થાપવાની તૈયારીને આખરી રૂપ આપવામાં વ્યસ્ત છે. ગુજરાતમાં પ્લાન્ટ સ્થાપવાનું મુખ્ય કારણ એ પણ છે કે દિલ્હી મુંબઇનો ઔદ્યોગિક કોરિડોર ગુજરાતમાંથી પસાર થાય છે અને કંડલા તથા મુન્દ્રા જેવા પોર્ટ પણ ગુજરાતમાં આવેલા હોવાથી મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રને મોટો લાભ થવા લાગ્યો છે.

No comments:

Post a Comment