ભારતમાં આવકની વહેચણી અત્યંત અસમાન છે. ૬૦ વર્ષના ઔધોગિકીકરણે માત્ર છ ટકા વસતિને રોજગારી આપી છે. ભારતમાં આજે ટોઇલેટ્સ કરતાં મોબાઇલ ફોનની સંખ્યા વધુ છે. ગરીબોને હાઉસિંગ લોનનાં ફાંફાં છે.
એક્સિડેન્ટ થાય તો એમ્બ્યુલન્સ ક્યારે પહોંચશે એની ગેરંટી નથી, પરંતુ પિત્ઝાની ડિલિવરી ૩૦ મિનિટમાં ન થાય તો બિલ માફ. વિકાસ દ્વારા વૈશ્વિક મહાસત્તા બનવા માગતા ભારતનું વિરોધાભાસી ચિત્ર જુઓ.
ભારતને આજની તારીખે ૬ લાખ ડોક્ટર, ૧૫ લાખ એન્જિનિયર, ૨ લાખ ડેન્ટલ સર્જન અને ૩૦ લાખ નર્સની જરૂર છે, પરંતુ આ શિક્ષણ આપવાની સુવિધા જ નથી. નોલેજ કમિશનના સત્તાવાર અહેવાલ અનુસાર ૧૫૦૦ યુનિવર્સિટીની જરૂરિયાત સામે માત્ર ૩૭૦ યુનિવર્સિટી ઉપલબ્ધ છે.
૨૦૨૫માં ભારત દુનિયાનું સૌથી મોટું માર્કેટ બનશે, પણ શું આપણે આ પ્રગતિ કે વિકાસ માટે સજ્જ છીએ ખરા?
બ્રિટન કરતાં ભારતમાં અંગ્રેજી બોલનારા વધુ છે. અમેરિકાની કુલ વસતિ કરતાં વધુ એટલે કે અંદાજે ૪૦ કરોડ નિરક્ષરો ભારતમાં વસે છે. ભારતમાં ૧૦૦ અબજોપતિ પાસે દેશની ૨૫ ટકા સંપત્તિ છે.
ભારતીયો જેના માટે ગર્વ લઇ શકે છે એવા સમાચાર: પ્રજાસત્તાક ભારતની ઇકોનોમી આજે એક ટ્રિલિયન ડોલર સુધી પહોંચી ચૂકી છે. આગામી છ વર્ષમાં આપણે બે ટ્રિલિયન ડોલર ઇકોનોમી બનીશું અને ૨૦૨૧માં ત્રણ ટ્રિલિયન... મતલબ કે દશ વર્ષમાં અર્થતંત્ર ત્રણગણું વિકસી જશે. આપણે સુપરપાવર બની રહ્યા છીએ.
સામા પક્ષે હવે મંદીગ્રસ્ત મનાતા અમેરિકાના ડિફેન્સ સેક્રેટરી સામે શો કકળાટ ચાલે છે? પેન્ટાગોન આગામી પાંચ વર્ષમાં અમેરિકાનાં સંરક્ષણ-સંશોધન પાછળ સાડાત્રણ ટ્રિલિયન ડોલર ખર્ચવાનું છે એ આંકડા સામે કોઇ વાંધો નથી, પરંતુ ડિફેન્સ સેક્રેટરીએ પોતાના તંત્રમાં જોગવાઇ હોવા છતાં કરકસર પેટે ૧૦૦ નેવી-મરીન સ્ટ્રાઇક ફાઇટર્સ ઓછાં ખરીદવાનો નિર્ણય કરી ૧૦૦ બિલિયન ડોલર્સ બચાવવાનો નિર્ણય કર્યો એટલે હોબાળો મચ્યો છે.
No comments:
Post a Comment