હું જ્યારે પણ વિચારોથી ધેરાઈ જાઉં છું, ત્યારે સૌથી પહેલા એ વિચારું છું કે દુનિયામાં અર્થપૂર્ણ જેવું કંઈ છે કે નહીં? આવા સવાલનો કોઈ વૈજ્ઞાનિક અને પ્રામાણિક જવાબ નથી મળતો. સાચું એ છે કે દરેક માણસ પોતાની અંદર એકલો જ હોય છે. એને માટે જીવન શું છે એનો જવાબ એના પેઢીગત વારસા, વાતાવરણ તેમ જ ઈતિહાસમાં મળે છે. એની પ્રકૃતિ પ્રમાણે એ અમુક વાતો સ્વીકારીને જીવતો હોય છે.
તમે ખાવા-પીવા, પહેરવા-ઓઢવાના શોખીન માણસ હો કે ઈન્દ્રિયો પર ચુસ્ત અંકુશ રાખી શકતા હો, તમે કોઈ ખરેખરા મહાનાયક હો કે એકદમ કાયર માણસ હો, સમાજમાં તમારી છાપ સ્વાર્થીની હોય કે તમે ખરેખર પરોપકારી હો - તમે જે પણ હો, જેવા પણ હો, એ કારણે તથા તમારી સાથે જે કંઈ પણ બને છે એના થકી પોતાની ક્રિયા-પ્રતિક્રિયા, વાત-વ્યવહારના સહારે તમે ઘણું બધું જાહેર કરો છો. વ્યક્તિ તરીકે જીવનનો અર્થ એ જ હોય છે કે આ ભાઈ એટલે આવા આવા આવા માણસ.
જોકે આ પણ અંતિમ નિષ્કર્ષ ન હોઈ શકે. મારે માટે વ્યક્તિગત રીતે જીવનનો ઘણો ખાસ અર્થ છે, જે મારાં કાર્યોથી સ્પષ્ટ થાય છે. એમાં મારાં મૂલ્યોથી નક્કી થયેલી વ્યવસ્થા છે, જિંદગી અંગેનું મારું સામાન્ય દર્શન છે... પરંતુ મારી વિચારણા અને તમારી વિચારણા એક તો હોઈ ન શકે... એટલે અહીં પાછો સવાલ ઊભો થાય કે કોણ સાચું છે... છેવટે, અર્થ આ જ નીકળે છે... જીવનના અર્થ સંબંધી સંપૂર્ણ અને સર્વમાન્ય જવાબ કોઈની પાસે, કોઈપણ સ્તરે નથી.
No comments:
Post a Comment