June 17, 2011


જીવનમાં ક્યારેય દુ:ખનો પડછાયો પણ ન અનુભવ્યો હોય એવી જાજવલ્યમાન અને શ્રીમંત ઘરની સ્ત્રીએ ફૂટપાથ પરના લઘરવઘર જેકને બોલાવ્યો. જેકને લાગ્યું કે એની મશ્કરી થઈ રહી છે એટલે ઊચું માથું કરી સામે જોયું પણ નહીં પણ એ સ્ત્રી તો સ્મિત વેરતી ત્યાં જ ઊભી રહી. પછી ધીમેથી હેતાળ સ્વરે ફરી બોલી, ‘તને ભૂખ લાગી હશે, નહીં?’ જેકના મોંમાંથી કટુ શબ્દો સરી પડયા, ‘ના રે ના. હમણાં જ રાષ્ટ્રપતિ સાથે ભયાôભાણે ભોજન કરી પાછો ફર્યોછું!’ હવે એ સ્ત્રીએ જેકનો હાથ પકડી એને ઊભો કરવાની કોશિશ કરી. એનો હાથ તરછોડતાં જેકે કહ્યું, ‘ચાલ્યા જાઓ, તમે અહીંથી જતા રહો અને મને એકલો છોડી દો.’

નજીક ઊભા રહી આ તમાશો જોઈ રહેલો પોલીસ એ બંનેની પાસે આવ્યો. એને નવાઈ લાગી. વર્ષોથી ફૂટપાથ પર જ રહેતા જેકનું આ સ્ત્રીને શું કામ પડયું હશે? સ્ત્રીની ઈરછા જેકને સામે દેખાતી હોટેલમાં લઈ જઈ ખવડાવવાની હતી. એણે પોલીસને કહ્યું, ‘મારી મદદ કરશો?’ પોલીસ કંઈ કહે કે કરે એ પહેલાં જેકે પોલીસને બે હાથ જોડી વિનંતી કરી કે મારે ક્યાંય નથી જવું. મારો કોઈ ગુનો નથી સાહેબ, મને છોડી દો.

પણ પોલીસને તો જેકનું નસીબ ઊઘડતું લાગ્યું. તેણે જેકને સખતાઈથી ઊભો કર્યોઅને પેલી સ્ત્રીની સાથે સામેની હોટેલમાં દોરી ગયો.હોટેલમાં ખાસ ભીડ નહોતી. એક ખૂણાના ટેબલ પર ત્રણેય બેઠાં. આ સ્ત્રી કોઈ મોટી કંપનીની માલિક હતી અને આ જ હોટલના બેન્કવેટ રૂમમાં એમની કંપનીની મિટિંગો યોજાતી. એને આ રીતે જેક સાથે આવેલી જોઈ મેનેજરને અચરજ થયું. 

પોલીસ અને મેનેજરને હજુ એનો ઉદ્દેશ સમજાતો નહોતો. છેવટે એણે મોઢું ખોલ્યું. જેક સામે જોઈ બોલી, ‘જેક, તને યાદ છે, હું કોણ છું? જેકે કરચલીવાળા ચહેરા પરની ઝીણી આંખો વધુ ઝીણી કરીને ધારીધારીને જોયું. તેને કશું યાદ ન આવ્યું. સ્ત્રીએ વાત આગળ વધારી. ‘વર્ષોપહેલાં આ જ હોટેલમાં હું ઠંડીથી ઠૂંઠવાતી અને ભૂખીતરસી આવી હતી. એ વખતે જેક આ હોટલમાં મેનેજર હતો અને મારી પરિસ્થિતિ અવળી હતી. 

નોકરીની શોધમાં રઝળપાટ કરતાં મારા ખિસ્સામાં માત્ર થોડા જ પૈસા બરયા હતા. ભૂખને કારણે મારી હાલત ખરાબ થઈ ગઈ હતી. એ વખતે હોટલની પોલિસી વિરુદ્ધ જઈને તમે મને સેન્ડવિચ અને ગરમાગરમ કોફી આપ્યાં હતાં અને બિલના પૈસા પોતાના ખિસ્સામાંથી ચૂકવી નાખ્યા હતા. પછી એ દિવસ મારા માટે અતિ શુકનિયાળ સાબિત થયો. મને નોકરી પણ મળી અને ધીમે ધીમે સંજોગોએ પલટો લીધો. ઈશ્વરકૃપાથી હું એક મોટી કંપનીની માલિક બની અને આજે ઘણું ધન કમાઉં છું.’ સ્ત્રીએ જેકને પેટભરીને જમાડયો અને પોતાનું કાર્ડ આપ્યું. 

સારાં કપડાં ખરીદવા તથા ભાડેથી રહેવા માટેના ઘરના એડવાન્સ પૈસા આપ્યા અને તેને પોતાની જ કંપનીમાં સારા હોદ્દે ગોઠવી દેવાની ભલામણ પણ કરી.જેકની આંખોમાં આંસું આવી ગયાં. તેણે કહ્યું, ‘આ ઋણ હું કેવી રીતે ચૂકવીશ?’ પેલી સ્ત્રીએ જેકને કહ્યું, ‘એક વખતે ઈશ્વર જ મને તમારા સુધી લઈ આવ્યો હતો અને આજે પણ એ ઈશ્વર જ મને તમારા સુધી દોરી લાવ્યો છે.’ તમારા હાથે થયેલા નાના અમથા સત્કાર્યનો બદલો ઈશ્વર ક્યારે, કયા સંજોગોમાં અને કઈ રીતે વાળી આપે છે તે કહી શકાય નહીં.

No comments:

Post a Comment