June 17, 2011


લાકડીના ટેકે બસમાં ચઢી રહેલી સુંદર યુવતી તરફ બેઠેલા દરેક પ્રવાસીએ સહાનુભૂતિપૂર્વક જોયું. એક હાથે સીટ ફંફોળી તે કંડક્ટરે જણાવેલી સીટ પર બેસી ગઈ. લાકડી પગ પાસે રાખીને એણે ટિકિટ લીધી. સુઝાનને દ્રષ્ટિ ગુમાવ્યાને લગભગ એક વર્ષ પસાર થઈ ચૂક્યું હતું.આંખની કોઈ ક્ષતિ નિવારતી વખતે ડોકટરની બેદરકારીને લીધે સુઝાને દ્રષ્ટિ ગુમાવી હતી. મારી સાથે આવું કેમ થયું એવો વિચાર એને સતત મૂંઝવતો, પણ એક પીડાદાયી સત્યથી તે વાકેફ હતી કે હવે ગમે તેટલું પણ એ રડે-કકળે કે પ્રાર્થના કરે, તેની દ્રષ્ટિ ક્યારેય પાછી ફરવાની નથી. 

એક સમયે ખૂબ ઉત્સાહી, હકારાત્મક અભિગમ ધરાવતી સુઝાન અંધકાર અને નિરાશાનાં વાદળોથી ધેરાઈ ગઈ હતી. એટલે જ એના એક માત્ર સહારા જેવા પતિ માર્કને એ સતત વીંટળાયેલી રહેતી. માર્ક હવાઈદળનો ઓફિસર હતો. એ સુઝાનને ખૂબ ચાહતો હતો. માર્કે નક્કી કર્યું કે હતાશાની ઊંડી ગર્તમાં સરી પડતી સુઝાનને એ ફરી ચોક્કસ પોતાના પગ પર ઊભી કરશે.

ઘણાં સંઘર્ષ બાદ સુઝાન નોકરીએ પાછા જોડાવા જેટલી હિંમત કેળવી તો શકી પણ ઓફિસે પહોંચાય શી રીતે? શરૂઆતમાં તો માર્ક પોતાની ચક્ષુહીન પત્નીને રોજ ઓફિસ મૂકવા જતો, પણ શહેરના તદ્દન બીજે છેડે માર્કની ઓફિસ હતી. માર્કને ખૂબ થાક લાગવા માંડયો. આર્થિક રીતે પણ એ શકય નહોતું. સુઝાનને કેવી રીતે કહેવું કે તું જાતે બસ પકડી ઓફિસ જવાનું શરૂ કર? એ કેવી પ્રતિક્રિયા આપશે એ વિચારમાત્રથી માર્ક ધ્રૂજી ઊઠતો. છેવટે એક દિવસ હિંમત એકઠી કરી માર્કે એને કહી જ દીધું. 

સુઝાન જાતે બસ પકડવાના વિચારથી ફફડી ઊઠી. એ કડવાશથી બોલી ઊઠી, ‘તું હવે મારાથી કંટાળી ગયો છે અને ધીમેધીમે મને તારાથી દૂર કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે.’ માર્કનું હૃદય દ્રવી ઊઠયું. એણે સુઝાનને વચન આપ્યું કે જયાં સુધી તેને બસમાં જાતે જવાની આદત ન પડી જાય અને એને સંપૂર્ણ સલામતી ન અનુભવાય ત્યાં સુધી તે સુઝાન સાથે રોજ બસમાં પ્રવાસ કરશે. માર્કે કહ્યા પ્રમાણે કર્યું. બે અઠવાડિયાં સુધી તે સુઝાનને લેવા - મૂકવા જતો. એણે સુઝાનને એની બીજી ઈન્દ્રિયોની શકિતનો ઉપયોગ કરવાનું શીખવ્યું. ડ્રાઈવર સાથે પણ ઓળખાણ કરાવી.

છેવટે એ દિવસ આવી પહોંરયો કે સુઝાન હવે બસમાં પોતાની મેળે જશે અને આવશે. બંને પ્રથમવાર અલગ અલગ દિશામાં પોતપોતાની ઓફિસે જવા નીકળ્યાં. એક પછી એક દિવસો પસાર થવા લાગ્યા. સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર હવે રોજ સુઝાન એકલી જ ઓફિસે જતી. શનિવારે સુઝાને બસ પકડી. જેવી તે પોતાનું ભાડું ચૂકવી બસમાંથી ઊતરવા જતી હતી ત્યાં ડ્રાઈવરે કહ્યું, ‘મને તમારી ઈષ્ર્યા આવે છે.’ શરૂઆતમાં તો સુઝાનને ખબર ન પડી કે ડ્રાઈવર તેની સાથે જ વાત કરતો હતો કે કોઈ બીજા સાથે. તેણે ડ્રાઈવરને પૂછ્યું, ‘તમે મારી સાથે વાત કરી રહ્યા છો? મારી ઈષ્ર્યા તમને શા માટે આવે?’ ડ્રાઈવરે કહ્યું, ‘તમારા માટે જે રીતે દરકાર લેવાઈ રહી છે, જોઇને કોઈને પણ ઈષ્ર્યા આવે.’ સુઝાનને સમજ ન પડી. 

તેણે જરા ફોડ પાડીને વાત કરવા કહ્યું. તમે જાણો છો પાછલા એક અઠવાડિયાથી રોજ સવારે મિલિટરી યુનિફોર્મમાં સજજ ફૂટડો યુવાન રોજ તમારી પાછળ બસમાં ચડે છે અને તમે ઊતરી ન જાઓ ત્યાં સુધી તમારું પ્રેમથી ઘ્યાન રાખે છે. તમે ઊતરો ત્યારે એ પણ તમારી સાથે જ ઊતરી જાય છે અને તમે રસ્તો ન ઓળંગી લો ત્યાં સુધી અહીં જ ઊભો રહે છે. ત્યાર પછી તમને એક મીઠી ફ્લાઈંગ કિસ આપી પછી જ એ ફરી પાછા જવા માટે સામેથી બસ પકડે છે. 

તમે નસીબદાર છો!’ સુઝાનની આંખોમાં આંસું આવી ગયાં. ભલે તે માર્કને જોઈ શકતી નહોતી, પણ તેની હાજરી અને હૂંફ તે સતત અનુભવતી શકતી હતી. માર્કે તેને મહામૂલ્ય ભેટ આપી હતી. એક એવી ભેટ જે જોઈ તો શકાતી નહોતી પણ અનુભવાતી જરૂર હતી. પ્રેમની સોગાદ ગમે તેવા અંધકારને દૂર કરી દૂર દૂર સુધી પ્રકાશ ફેલાવી દે છે.

No comments:

Post a Comment