April 21, 2011

શા માટે વધી રહ્યા છે સોના-ચાંદીના ભાવ? સોનું 25000એ પહોંચશે?

વિશ્વભરમાં કિંમતી ધાતુઓના બજારમાં વાવાઝોડું ચાલી રહ્યું છે. તેનો વાયરો છેક ભારતીય બજાર સુધી પણ ફૂંકાય છે. છેલ્લાં પાંચ ટ્રેડિંગ સેશનથી સોના-ચાંદીના ભાવમાં રોજે ઉછાળો જોવા મળી રહ્યો છે. તેની પાછળ ઘણા બધા પરિબળો કામ કરી રહ્યા છે.

આજે પણ સોના-ચાંદીના ભાવમાં ઉછાળો જોવા મળ્યો, અને વૈશ્વિક સ્તરે સોનું પ્રતિ ઔંસ 1500 ડોલરની સપાટી કૂદાવીને 1505.86 ડોલર પર ટ્રેડ કરી રહ્યું હતું. જે તેની ઓલટાઇમ હાઇસ સપાટી છે. સ્થાનિક બજારમાં પણ સોનું પ્રતિ દસ ગ્રામ રૂ.22,000એ આંબી ગયું છે.

કિંમતી ધાતુઓમાં જેટ ગતિએ ચાંદીના ભાવ દોડી રહ્યા છે. ગઇકાલે પણ સ્થાનિક બજારમાં એક કિલોગ્રામ ચાંદીના ભાવરૂ.67180ની ટોચે પહોંચ્યા હતા, જે તેની ઐતિહાસિક સપાટી હતી. વૈશ્વિક સ્તરે ચાંદીના ભાવ પ્રતિ ઔંસ આજથી ત્રીસ વર્ષ પહેલાં 50 ડોલરે પહોંચ્યા હતા. આથી હાલ સટ્ટોડિયાઓ ચાંદીને 50 ડોલરની ઉપર લઇ જવા માટે મોટો સટ્ટો કરી રહ્યા છે.

આના લીધે સોના-ચાંદીના ભાવ વધી રહ્યા છે
- વૈશ્વિક સ્તરે ફરી એકવખત આર્થિક મંદીનો વાયરો ફૂંકાવાની શક્યતા
- સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર્સે અમેરિકાનું નેગેટિવ રેટિંગ કર્યું અને ટ્રિપલ એ નું રેટિંગ પાછું ખેંચી લે તેવી ધારણા
- આના લીધે ડોલર અન્ય મુખ્ય કરન્સી સામે નબળો ટ્રેડ થઇ રહ્યો છે
- અમેરિકાની જેમ જ યુરો ઝોનમાં હજુ પણ ચિંતાના વાદળો ઘેરાયેલા છે
- વૈશ્વિક સ્તરે મંદીના એંધાણના લીધે ક્રૂડ તેલ ભડકે બળી રહ્યું છે
- ક્રૂડ તેલ બળે એટલે સોના-ચાંદીનો ચરૂ ઉકળે
- હાલ હેજફંડોના મતે સલામત રોકાણ સોનું-ચાંદી
- વિશ્વના કેટલાંય દેશોમાં ફુગાવાએ માથું ઊંચક્યું
- સોનું-ચાંદીએ એક એવી વસ્તુ છે કે જેને વેચતા તરત જ નાણાં ઉપજે

..તો સોનું 25,000 અને ચાંદી રૂ.70,000 થી 75,000એ પહોંચશે

જો વૈશ્વિક સ્તરે પરિસ્થિતિ સુધરશે નહીં તો સોના-ચાંદીમાં તેજી બરકરાર રહેશે. ટ્રેડરો ચાંદી પ્રતિ ઔંસ 50 ડોલરને પાર કરશે તેવી ધારણા પાછળ મોટો સટ્ટો ખેલી રહ્યા છે. જો આમ થશે તો સ્થાનિક સ્તરે ચાંદીના ભાવ પ્રતિ કિલોગ્રામ રૂપિયા 70,000 થી 75,000ની સપાટીએ પહોંચે તો નવાઇ નહીં. સોનું પણ પ્રતિ દસ ગ્રામ રૂપિયા 25,000એ પહોંચશે તેવી શક્યતાઓ છે.

No comments:

Post a Comment