October 23, 2010

આપવું અને મેળવવું

માગ્યા વિના મળે એની મજા કંઇક ઓર હોય છે. જે પરિવ્રાજક ભિક્ષુમાં માગવાનો સ્વભાવ ન હોય, તે જ સારો છે. એક જણ બીજા પાસે માગે છે તે સૂચવે છે કે એ બંને વચ્ચે પ્રેમ નથી - આત્મીયતા નથી. એકમેકને હૃદયથી ચાહતા હોઈએ ત્યારે પરસ્પર કશું માગવું પડતું નથી, કારણ કે એકબીજાને શાની જરૂર છે એ બંને જાણતા હોય છે. જેની જરૂર હોય તે આપવા એકે બીજાને કહેવું પડતું નથી. એમાં આપનારને નથી હોતું કે એ આપે છે અને લેનારને નથી લાગતું કે પોતે ઋણ હેઠળ દબાઇ રહ્યો છે.

પ્રેમ વગર કોઈ અન્યને કશું આપે તો એમાં આપવાનો આનંદ નથી હોતો. લેનાર માટે એ ભીખ બની જાય છે. આપવા-લેવામાં સ્થૂળ વસ્તુ સાથે લાગણીઓની આપ-લે થાય છે ત્યારે એ દાન બની જાય છે, નહીંતર એ માત્ર ભીખ છે. ભીખમાં સ્થૂળ ચીજ એક વ્યક્તિ પાસેથી બીજી પાસે જાય છે એટલું જ. એમાં હૃદય જોડાયું નથી હોતું. દાન અને ભીખમાં આ તાત્વિક ફેર છે. માતા અને ઈશ્વર પાસે કશું માગવાની જરૂર પડતી નથી. બાળક ઘોડિયામાં સળવળે એનો અણસાર માતા ગમે ત્યાં હોય તો પણ આવી જાય છે. સાતેય કામ પડતા મૂકી એ એની પાસે દોડી જાય છે. એ પોતાના બાળકની જરૂરિયાત અંગે હંમેશા સતર્ક રહે છે. બાળકે માગવું પડતું નથી. અહીં ‘આપવું’ અને ‘લેવું’ ક્રિયાપદો અર્થહીન બની જતાં હોય છે.

ઈશ્વરનું પણ માતા જેવું જ છે. એ સૌની જરૂરિયાત જાણે છે અને લાયકાત પ્રમાણે આપતો રહે છે. મંદિરમાં જઈ ભગવાન પાસે કશું માગવું એનો અર્થ એ કે ઈશ્વરમાં શ્રદ્ધા નથી-સ્નેહ નથી.નરેન્દ્રના માતા અને ભાઈ બહેનોને ખાવાના પણ સાંસા હતા. રામકૃષ્ણે એને કહ્યું, ‘જા, તું મા પાસે જઈને વિનંતી કર કે એ તારા કુટુંબને અન્ન-વસ્ત્રની તંગી ન રહે એવું કરે.’ નરેન્દ્ર મંદિરમાં પ્રવેશ્યો. માની મૂર્તિ સામે જોતાં જ એ ભાવુક બની ગયો. હાથ જોડી એ મા સાથે એવી આત્મીયતા અનુભવી રહ્યો કે માગવાનું યાદ જ ન રહ્યું! રામકૃષ્ણે એને ત્રણ વાર મા પાસે મોકલ્યો.

એમણે ભારપૂર્વક કહ્યું કે એ પોતાની જરૂરિયાત ભૂલ્યા વગર માને જણાવે. પણ દરેક વખતે નરેન્દ્ર માગવાનું ભૂલી ગયો. સાધુ ભિક્ષા માગે છે એને માધુકરી પણ કહે છે, સાધુ-સંત સમાજને અજવાળતા દીવા છે. એમાં તેલ પૂરવું એ સૌની ફરજ છે. ગોરખનાથે કહ્યું છે, ‘સહેજ મિલા સો દૂધ બરાબર, માગ લિયા સો પાની, છીન લિયા સો ખૂન બરાબર, કહ ગયે ગોરખ બાની.’ સહજ રીતે જે આવી મળે છે તે દૂધ સમાન-અમૃત જેવું છે. સામેથી માગીને લેવામાં આવે તે પાણી બરાબર છે.

કોઇની પાસેથી કશું છીનવીને લઇ લીધું હોય તે લોહી ચૂસવા બરાબર છે. કોઈની પાસેથી કશું પ્રાપ્ત કરવામાં મનુષ્યનું જુદું જુદું વલણ પ્રગટ થતું રહે છે, જેના થકી એનામાં રહેલી સત્વ, રજસ અને તમસની પ્રકૃતિનો અનુભવ પણ થાય છે. પરિવ્રાજક સાધુએ માગવાનો સ્વભાવ ન હોય, તે જ સારો છે તેમ ગાલિબે કહ્યું તે આટલા માટે. અંગ્રેજીમાં એક સેઇંગ છે: ‘It is better to die than to beg.’ એટલે કે ભીખ માગવા કરતાં મરી જવું વધુ સારું

No comments:

Post a Comment