October 23, 2010

નોલેજ ઇકોનોમીનો નવો ફંડા : જ્ઞાનને ડિગ્રીના ફંદાથી દૂર કરો

ફક્ત ડિગ્રી મળવાથી જ્ઞાનપ્રાપ્તિ થતી નથી, લાયકાત કેળવાતી નથી, પરિણામે શિક્ષણનો મૂળભૂત હેતુ માર્યો જાય છે. શિક્ષણને પુસ્તક અને વર્ગખંડની ગુલામીમાંથી આઝાદી અપાવવાનો સમય આવી ચૂક્યો છે.

શિક્ષણ એ ફક્ત માહિતીના ખજાનાથી મગજને ભરવાનું માઘ્યમ નથી પરંતુ જ્ઞાનને પ્રજવલિત કરવાની પ્રક્રિયા છે. ૨૧મી સદીની નોલેજ ઇકોનોમીમાં કારકિર્દીને ભૌગોલિક સીમાડાઓ નડતા નથી. કારકિર્દી હવે માત્ર એન્જિનિયિંરગ, મેડિસિન, આર્ટસ, કોમર્સ અને સાયન્સ એમ પાંચ વિદ્યાશાખાઓ પૂરતી મર્યાદિત રહી નથી. ઇન્ટરનેટના જમાનામાં માહિતીનું મૂલ્ય ઘટયું છે. જ્ઞાનનું મૂલ્ય વઘ્યું છે.

ગૂગલ પર કોઈ પણ વિષય અંગે સર્ચ કરો અને આંગળીના ટેરવે માહિતીનો ખજાનો ફાટી નીકળે છે, પણ જ્ઞાન મેળવવાનું કામ કપરું છે. ભારતમાં આઝાદીનાં ૬૩ વર્ષ બાદ હજી ૧૨ ટકા વિદ્યાર્થીઓ ઉચ્ચશિક્ષણ યાને કે કોલેજ સુધી પહોંચે છે અર્થાત્ ૮૮ ટકા વિદ્યાર્થીઓ યુનિવર્સિટીના શિક્ષણથી એક યા બીજા કારણસર વંચિત રહે છે. આ માહિતી નવી નથી પરંતુ એનું વિશ્લેષણ રસપ્રદ છે. ફકત ૧૨ ટકા વિદ્યાર્થીઓ ડિગ્રી મેળવતા હોવા છતાં શિક્ષિત બેકારોની સંખ્યા ભારતમાં અમેરિકા અને યુરોપ કરતાં વધુ છે. કારણ ? ભારતમાં શિક્ષિત યુવાનો માટે યોગ્ય તકોનો અભાવ છે ? સંખ્યાબંધ ક્ષેત્રોમાં હજી આજે પણ કેળવાયેલા-કૌશલ્યવાન સ્નાતકો મળતા નથી. જયારે કેટલીક વિદ્યાશાખાઓ માત્ર બેકારોની ફેક્ટરી સાબિત થઈ ચૂકી છે.

આ અસંતુલન શા માટે ? કારણ કે યુવાનોને દશમા અને બારમા ધોરણના સ્તરે કારકિર્દીની યોગ્ય સમજ અપાતી નથી. માત્ર બીબાંઢાળ વાતો કરીને વડીલો અને શિક્ષકો મારો દીકરો કે વિદ્યાર્થી ડોક્ટર, એન્જિનિયર, ચાર્ટડ એકાઉન્ટ, આઇએએસ - આઇપીએસ અફસર, વકીલ કે શિક્ષક બનાવવાનું નક્કી કરી નાંખે છે. કારકિર્દીમાં નવીન અભિગમ (ઇનોવેશન) વિશે કોઈ વાત કરતું નથી. બેન ફ્રેન્કલીને બાઇફોકલ લેન્સ બનાવ્યા, થોમસ આલ્વા એડિશને વીજળીનો બલ્બ બનાવ્યો.

હેનરી ફોર્ડે કાર ઉત્પાદનના ક્ષેત્રમાં એસેમ્બલી લાઇન નામનો નવો શબ્દ-ખ્યાલ-સિદ્ધાંત આપ્યો. આજે એડવાન્સ માઇક્રોપ્રોસેસરનો જમાનો છે. અમેરિકામાં હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી હકાલપટ્ટી બાદ પણ બિલ ગેટ્સ વિશ્વનો સૌથી સફળ બિઝનેસમેન અને શ્રીમંત વ્યક્તિ બની શકે છે. જયારે ભારતમાં કરોડો યુવાનો યોગ્ય તકથી વંચિત રહી જાય છે શા માટે? કારણ કે કારકિર્દી માર્ગદર્શનના નામે ઉપલક માહિતી છે. ૨૧મી સદીમાં સંભવિત તકોને આધારે કારકિર્દી કેળવવા માટે યોગ્ય જ્ઞાન કે તાલીમ જવલ્લે જ જોવા મળે છે.

હાર્વર્ડ યુનિવર્સિટી આજે પણ પોતાના પ્રચારમાં મજાકમાં કહે છે કે અમારે ત્યાં ડ્રોપ આઉટ પણ બિલ ગેટ્સ જેવા પાકે છે. જમાનો ગ્લોબલાઇઝેશનનો છે. વિશ્વનો ટ્રેન્ડ સવાôગી વિકાસ તરફનો છે. કનેકિટવિટી હશે ત્યાં જ પ્રગતિ થશે. ભારતમાં ઇન્ટરનેટ સંખ્યાની દ્રષ્ટિએ વધુ છે. ટકાવારીની દ્રષ્ટિએ માંડ છ ટકા પણ નથી. દુનિયા બદલાઈ રહી છે ત્યારે આપણે પણ જૂની માનસિકતા બદલવી પડશે. શેરબજારમાં ઇન્વેસ્ટ (મૂડીરોકાણ) કરતા પહેલાં સ્ક્રિપ વિશે એક્સ-રે કાઢવાનું આપણે ચૂકતા નથી.

કારકિર્દીના સંદર્ભમાં કદી વિચાર્યું છે? નોલેજ ઇકોનોમી અને ગ્લોબલાઇઝેશનનો તાળો મેળવવા પ્રયાસ કરશો તો પ્રતીતિ થશે કે ભવિષ્યમાં એનર્જી (ઊર્જા) એનવિરોનમેન્ટ (પર્યાવરણ), હેલ્થ (આરોગ્ય), સિક્યોરિટી (સુરક્ષા) અને ડિજિટલ ઇકોનોમી ઉપરાંત નેનો સાયન્સ-નેનો ટેક્નોલોજીનો જમાનો આવશે. આ ક્ષેત્રમાં તાલીમાર્થીઓથી માંડીને તજજ્ઞોની જરૂર પડશે. ભારતે ઇન્ફોર્મેશન ટેક્નોલોજી અને ટેલિકોમમાં કાઠું કાઢયું છે. બીપીઓ અને કેપીઓમાં ભારતીય ઉદ્યોગની હરણફાળથી ખુદ ઓબામા અંજાઈ ગયા હતા.

અમેરિકી કંપનીઓએ ભારતમાં ઘસડાઈ જતા ધંધા સામે વધુ ટેકસ કે પ્રતિબંધ મૂકવાની માગણી કરી હતી. ઓબામા આજે પણ અમેરિકાની શાળા-કોલેજમાં વિદ્યાર્થીઓને સંબોધે ત્યારે એક વાત અવશ્ય કહે છે કે મહેનત કરો નહીંતર ભારતીય વિદ્યાર્થીઓ તમને ઓવરટેક કરી જશે. વાતનો સાર એ છે કે બદલાતા સમયમાં અન્ય ક્ષેત્રોમાં પણ સજજતા કેળવવી પડશે.

નાસ્કોમ-મેકેન્સીનો લેટેસ્ટ રિપોર્ટ કહે છે કે આવનારા દશ વર્ષમાં હેલ્થકેર, મીડિયા, ફાર્માસ્યુટિકલ્સ, ટેલિકોમ, ટ્રાન્સપોર્ટેશન, પબ્લિક સેક્ટર, સર્વિસ સેક્ટર અને શિક્ષણક્ષેત્રે સૌથી વધુ મૂડીરોકાણ આવશે અને આ જ ક્ષેત્રોમાં રોજગારીની તકો સૌથી વધુ ઉદ્ભવશે. દુનિયાભરની શ્રેષ્ઠ યુનિવર્સિટીઓ શા માટે ભારતમાં કેમ્પસ સ્થાપવા, નોલેજ પાર્ક બનાવવા ઇચ્છે છે ? કારણ કે ભારતમાં ૮૮ ટકા યુવાનો હજી કોલેજમાં જતા નથી. આ મોટું ‘માર્કેટ’ કબજે કરવા આગામી પાંચ વર્ષમાં પડાપડી થશે.

ભારત સરકાર આઇઆઇટી અને આઇઆઇએમની સંખ્યા વધારીને બમણી કરવા ઇરછે છે પરંતુ કવોલિફાઇડ પ્રોફેસર મળતા નથી. એવિએશન (નાગરિક અને ખાનગી ઉયન) ક્ષેત્રોમાં વિમાનોની સંખ્યા વધે છે પરંતુ પાઇલટ્સની સંખ્યા પૂરતી નથી. આવનારા દશ વર્ષમાં એવિએશન ક્ષેત્રમાં પાઇલટ્સની ખોટ સર્જાશે. એક અંદાજ અનુસાર ઇન્ડિયન એરફોર્સના હયાત અને નિવૃત્ત તમામ પાઇલટ્સને જો ખાનગીક્ષેત્રમાં નોકરી અપાય તો પણ કમસે કમ દશ હજાર પાઇલટ્સની ઘટ પડશે. આજે ભારતમાં પાઇલટ્સ મળતા નથી એટલે વિદેશી પાઇલટ્સને ઊચા ભાવે નોકરીએ રાખવાની નોબત આવી છે. ભારતમાં મેડિકલ ટુરિઝમ વધી રહ્યું છે.

અમેરિકા અને યુરોપની સરખામણીમાં ભારતીય ખાનગી હોસ્પિટલો એકંદરે વાજબી અને ગુણવત્તાસભર ટ્રીટમેન્ટ આપે છે. પરંતુ હોસ્પિટલોનું ઇન્ફ્રાસ્ટ્રકચર પાંચ વર્ષ પછીના ઇન ટેકને લેવા સક્ષમ નથી. ગ્લોબલાઇઝેશનની સાથે તકો પ્રાપ્ત થાય છે. તેમ પડકારો પણ આવી રહ્યા છે. શિક્ષણ અને હેલ્થકેરમાં અપગ્રેડેશનની ઊણપ ઊડીને આંખે વળગે છે પરંતુ સરકાર અને ખાનગીક્ષેત્ર વચ્ચે તંતુમેળ મોટાભાગનાં રાજયોમાં જામતો નથી.

વડોદરાની એમ. એસ. યુનિ.માં શિક્ષણનું સ્તર જુઓ અને પચાસ કિલોમીટરના વિસ્તારમાં આવેલી વાઘોડિયા, સાવલી, જંબુસર અને ડભોઈની કોલેજો જુઓ તો ઇન્ફ્રાસ્ટ્રકચર, લાઇબ્રેરી, ફેકલ્ટી મેમ્બર્સની સંખ્યા અને ગુણવત્તામાં નોંધપાત્ર તફાવત જોવા મળશે. શા માટે ગ્રામીણક્ષેત્રમાં સારી સવલતો અને પુસ્તકાલયો ઉપલબ્ધ થતાં નથી ? ગ્રામ વિસ્તારની કોલેજોમાં અનુસ્નાતક અને પીએચડીની સવલતો શા માટે પાંખી જોવા મળે છે.

સરકાર ખાનગીક્ષેત્રને છેવાડાના વિસ્તારોમાં યુનિવર્સિટીઓ અને હોસ્પિટલો બાંધવા શા માટે દબાણ કરતી નથી ? એમ.એસ. યુનિવર્સિટીમાં ભણેલા વેંકટરમણ રામક્રિષ્ણનને (વેંકી) નોબેલ પ્રાઇઝ મળ્યું એ બાબત સમગ્ર ભારતે ગૌરવ લેવા જેવી છે પરંતુ આ જ વેંકીને ત્રણ વર્ષ સુધી લેકચરર કે રિસર્ચર તરીકે ભારતની કોઈ યુનિ.માં જોબ મળી નહોતી. દુર્ભાગ્યે જોબ મળી હોત તો વેંકીને કદાચ નોબેલ પ્રાઇઝ ન જ મળ્યું હોત. કારણ કે ભારતમાં રિસર્ચ માટેનો માહોલ હજી ખીલ્યો નથી.

રિસર્ચ એ ફયૂચર નોલેજની પ્રાથમિક શરત છે. નોલેજ ઇકોનોમીમાં રિસર્ચ વિના વેલ્થ (સંપત્તિ) જનરેટ (પેદા) ન થઈ શકે. ઇન્ફોર્મેશન ટેક્નોલોજીમાં ભારતે અગ્રેસર રહેવા વેબ, પ્રાઇવેસી, સર્વિસ, ડિલિવરી, ઇમેજ પ્રોસેસિંગ, રોબોટિકસ અને વેરી લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેશનના ક્ષેત્રમાં રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કરવું પડશે.

મેડિકલના ક્ષેત્રમાં ટેક્નોલોજીનું પ્રભુત્વ વધી રહ્યું છે. મેડિસિનની નવી બ્રાંચમાં નિક્ટના ભવિષ્યમાં બાયો ડિઝાઇનિંગ, બાયો મેડિકલ રિસર્ચ, નેનો ટેક્નોલોજી, સ્ટેમ સેલ ટેક્નોલોજી, ડીએનએ મેપિંગ, જિનેટિક એન્જિનિયિંરગ, લેસર ટેક્નોલોજી, જીનોમ્સ સ્કેનિંગ, મોલેકયુલર મિકેનિકસનો સમાવેશ થાય છે. આ બ્રાંચોમાં બાયોલોજી અને ઝુઓલોજી ઉપરાંત ફિઝિકસ અને કેમિસ્ટ્રીના રિસર્ચનો સુભગ સમન્વય જોવા મળે છે. ડીએનએ મેપિંગ અને જીનોમ્સ સ્કેનિંગથી કેન્સર જેવા રોગો થવાની સંભાવનાને જડમૂળથી નિવારી શકાશે.

આજકાલ બાળકના જન્મ સાથે ગર્ભનાળને સ્ટેમ સેલ બેન્કની સેફ ડિપોઝિટમાં મૂકવાનો નવો વ્યવસાય શરૂ થયો છે. સ્ટેમ સેલ ટેક્નોલોજીની મદદથી આ બાળકોને ભવિષ્યમાં જનીનજન્ય રોગોથી બચાવી શકાશે. મેડિકલ ક્ષેત્રમાં ગજબની ક્રાંતિ આવી રહી છે. દા.ત. ડાયાબિટીસના દર્દીના મોંની અંદરના કોષોને લઈને પેન્ક્રિયાટિક બીટા સેલ્સ ઉત્પન્ન કરાશે, જેના શરીરમાં પ્રત્યારોપણથી ઇન્સ્યુલિનનું ઉત્પાદન વધી જશે અને લોહીમાં શર્કરા ભળતી ઓછી થશે.

મેડિકલના ક્ષેત્રમાં એકેડમિક રિસર્ચ, એપ્લિકેશન રિલેટેડ રિસર્ચ, કિલનિકલ ટ્રાયલ રિસર્ચ, ફાર્માસ્યુટિકલ, એન્ઝાઇમ એન્ડ સેલ રિસર્ચની પાંખો વિસ્તરી રહી છે. જાહેર આરોગ્યના ક્ષેત્રમાં હવે દુનિયાભરમાં રોગો નિવારવાની દિશામાં જબરજસ્ત સંશોધન થઈ રહ્યું છે. વૈશ્વિકીકરણના જમાનામાં રોગચાળો દુનિયાભરમાં વિમાનની ઝડપે પ્રસરે છે. સ્વાઇન ફ્લૂનો કિસ્સો યાદ છે ને ?

ઇજનેરી ક્ષેત્રમાં સિવિલ, મિકેનિકલ અને ઇલેકિટ્રકલની મૂળભૂત બ્રાંચોમાં હવે સંખ્યાબંધ શાખાઓ અને પ્રશાખાઓ ઉત્તરોત્તર ઉમેરાઈ રહી છે. ઇલેકટ્રોનિકસ, કોમ્પ્યુટર અને આઇટી ઉપરાંત મરીન ટેક્નોલોજી, ઓસન એન્જિનિયિંરગ, એનવિરોનમેન્ટ, પ્લાસ્ટિક, જિનોમિકસ, મેગ્નેટિક, રિઝોનન્સ, ઇમેજિંગ, સ્પેસ, રડાર, એવિએશન, મોબાઇલ, ઇન્ફોટેક, કોમ્યુનિકેશન, મિકેટ્રોનિકસ, રોબોટિકસ, મિલ્ટમીડિયા સહિત જાતજાતના ગણ્યા ગણાય નહીં એવા વિષયો આવી રહ્યા છે.

જ્ઞાનનું ફલક વિસ્તરી રહ્યું છે. મેડિકલ અને એન્જિનિયિંરગ સાથે આર્ટસ, ફાઇન આર્ટસ, સાયન્સ, સોશિયલ વકર્સ જોડાઈ રહ્યાં છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ આનો બોલતો પુરાવો છે. કમનસીબે ભારતમાં ઇન્ટર ડિસિપ્લિનરી અપ્રોચ એટલે કે વિદ્યાશાખાઓ વચ્ચે સંકલનના અભિગમમાં ખોટ અને ઓટ વર્તાય છે. અમેરિકામાં બાયોમેડિકલ એન્જિનિયિંરગની બ્રાંચનો વિદ્યાર્થી એન્જિનિયિંરગ કે મેડિસિન પૈકી કઈ ડિગ્રી મળશે એની ચિંતા કરતો નથી પરંતુ પોતાની ટેક્નોલોજીથી કેન્સરનું કાયમી મારણ શોધે છે.

મોલેકયુલર બાયોલોજી અને જિનેટિકસમાં સાયન્સની તમામ વિદ્યાશાખાઓનો સમન્વય જરૂરી બને છે. કહેવાનું મૂળ તાત્પર્ય એ છે કે જ્ઞાનને હવે કોઈ એક વિદ્યાશાખામાં કે ડિગ્રીમાં કુંિઠત નહીં કરી શકાય. કોઈ બ્રાંચ નીચી કે ઊચી નથી. દરેક ક્ષેત્રમાં સુપર સ્પેશિયાલિસ્ટ તજજ્ઞોની જરૂરિયાત છે. સમયની સાથે, ગ્લોબલાઇઝેશનની પાંખે, તમામ વિદ્યાશાખાઓ જ્ઞાનના અગાધ, અમાપ આકાશમાં વિહરવા વ્યાકુળ છે. ડિગ્રી મહત્વની નહીં રહે. આવનારા દિવસોમાં કેળવણીનું મહત્વ વધશે.

સમયનો તકાદો શિક્ષિતો અને બેરોજગારો વચ્ચેનો તફાવત ઘટાડવાનો છે. ભારતમાં દર વર્ષે ૩૧ લાખ સ્નાતકો, પાંચ લાખ ઇજનેરો ડિગ્રી મેળવે છે પરંતુ ૭૫ ટકાને પણ યોગ્ય નોકરી મળતી નથી. ફકત ડિગ્રી મળવાથી જ્ઞાનપ્રાપ્તિ થતી નથી, લાયકાત કેળવાતી નથી, પરિણામે શિક્ષણનો મૂળભૂત હેતુ માર્યોજાય છે. શિક્ષણને પુસ્તક અને વર્ગખંડની ગુલામીમાંથી આઝાદી અપાવવાનો સમય આવી ચૂક્યો છે. કારકિર્દી પસંદ કરનારાઓ ભવિષ્યના ઝરૂખેથી વિચારશે અને પરિશ્રમના પરસેવે રેબઝેબ થશે તો જ સિદ્ધિ મળશે.

No comments:

Post a Comment