October 23, 2010

સલામતી સમિતિમાં ભારત : દિલ કે બહેલાને કો.

ભારતને વીટો પાવર વિનાનું સલામતિ સમિતિમાં અસ્થાયી સ્થાન એ બકરીનાં આંચળથી વિશેષ નથી.

બેદાયકા પછી યુનોની સલામતી સમિતિ (Security Council)માં અસ્થાયી સભાસદ તરીકે ભારતની વરણી થઇ તેમાં ઢોલ વગાડવાની અથવા હરખઘેલા થઇ જવાની કશી જરૂર નથી. સલામતી સમિતિ અત્યંત મહત્વની અને સમર્થ સત્તાવાન હોવા છતાં તેના સભાસદ તરીકે ભારત કશી મહત્વની કામગીરી બજાવી શકે તેવી કોઇ શક્યતા આજે દેખાતી નથી. સલામતી સમિતિમાં બે પ્રકારના સભાસદો છે.

ઇસ. ૧૯૪૪માં યુનોનું બંધારણ ઘડાયું ત્યારે જગતની ચાર મહાસત્તાઓ અમેરિકા, રશિયા, બ્રિટન અને ફ્રાન્સ અને તેમના સાથી તરીકે ચીન આ પાંચ રાજ્યો સલામતી સમિતિના કાયમી સભાસદો છે. બાકીના દસ રાજ્યોની ચૂંટણી યુનોની સર્વસામાન્ય સભા- General Assembly કરે છે અને દર બે વરસે આ ચૂંટણીઓ થાય છે. યુનોની સ્થાપના થઇ ત્યારે બીજો વિશ્વવિગ્રહ ચાલતો હોવાથી જર્મની-ઇટાલી-જાપાન જેવા દુશ્મન દેશોને તેમાંથી બાકાત રાખવામાં આવ્યા અને ભારત જેવા પરતંત્ર દેશોને પણ તેમાં સ્થાન અપાયું નહીં.

યુનો શાંતિચાહક રાજ્યોનો સંઘ છે અને ૧૯૪૪ના જર્મની-જાપાન-ઇટાલી સાથે લડી રહેલા દેશો ને શાંતિચાહક ગણવામાં આવ્યા છે. વાતાવરણ ફેરવાયું તેમ ધીરે ધીરે જાપાન, ઇટાલી, જર્મનીને યુનામાં દાખલ કરવામાં આવ્યા. બ્રિટન, ફ્રાન્સ, બેલ્જિયમ, પોચ્યુંગલના સામ્રાજ્યોના વિસર્જન પછી આઝાદ બનેલા રાષ્ટ્રો યુનોમાં જોડાયા. યુનોની સ્થાપના થઇ ત્યારે તેમાં ૪૮ સભાસદો હતા. અત્યારે ૧૯૨ રાજ્યોમાં તેમાં બેઠક ધરાવે છે.

બંધારણ અને કાયદા પ્રમાણે આ તમામ સભાસદો ધરાવતી આમસભા General Assembly સર્વોચ્ચ સત્તા આપવામાં આવી છે પણ આ સભાની બેઠક વરસમાં એક વખત બે મહિના મળે છે. તેથી બધી સત્તા સલામતી સમિતિ ધરાવે છે કારણ કે આ કાયમી સંસ્થા છે અને આંતરરાષ્ટ્રીય રાજકારણના તમામ પ્રશ્નો અને તમામ સમસ્યાઓ સૌથી પહેલાં તેની પાસે રજૂ થાય છે. દુનિયામાં શાંતિ જાળવવી, નબળા રાજ્યોની સલામતીનું રખોપું કરવું, લડાઇ અથવા આંતરવિગ્રહ અટકાવવા માટે શાંતિમય ધોરણે અને જરૂર પડે તો લશ્કરી પગલાં ભરવાનો અધિકાર આ સમિતિને અપાયો છે. ૧૯૫૦-૫૧માં ઉત્તર કોરિયા, દક્ષિણ કોરિયા વચ્ચેના યુદ્ધથી માંડીને સુદાનના આંતરવિગ્રહમાં શાંતિ જાળવવા માટે યુનોની શાંતિસેના મોકલવાની કામગીરી સલામતી સમિતિએ બજાવી છે.

આવી અત્યંત મહત્વની અને સમર્થ સત્તાકેન્દ્ર ગણાતી સમિતિમાં ભારતની વરણી થઇ છે, પણ સમિતિની સંરચના એવી છે કે આ બેઠક બકરીના ગળે લટકતા આંચળ જેવી છે. જોવા-રમાડવા માટે કામ લાગે પણ તેમાંથી દૂધ મળતું નથી.

સલામતી સમિતિના કાયમી સભાસદોને ખાસ સત્તાઓ આપવામાં આવી છે. તેમાં સૌથી મહત્વની સત્તા નકારની સત્તા (હetગ્ ડગ્થ્eચ્) છે. સલામતી સમિતિના દરેક ઠરાવમાં પાંચ કાયમી સભ્યોની મંજૂરી હોવી જોઇએ. પાંચમાંથી એક પણ સભાસદ વિરોધી મત આપે તો ઠરાવ ઊડી જાય છે. આવા ઊડી ગયેલા ઠરાવ જનરલ એસેમ્બલિમાં રજૂ કરવામાં આવે અને બે તૃતિયાંશની બહુમતી મળે તો નકારની સત્તા રદ થાય છે પણ આ કામ એટલું બધું મુશ્કેલ હોય છે કે નકારી કાઢાયેલા ઠરાવને મંજૂરી મળતી નથી.

યુનોના બંધારણમાં સુધારો થવો જોઇએ. આંતરરાષ્ટ્રીય રાજકારણનું માળખું બદલાઇ ગયું છે. ૧૯૪૪માં મરવાના વાંકે જીવી રહેલું ચીન આજે વિશ્વની મહાસત્તા છે. આઝાદ ભારત ઝડપથી મહાસત્તા બની રહ્યું છે. બ્રિટન અને ફ્રાન્સ આજે બીજી કક્ષાના અને નબળા રાજ્યો બની ગયાં છે. બ્રાઝિલ, જર્મની, જાપાન તેમના કરતાં વધારે મજબૂત અને મહત્વનાં રાજ્યો છે.

તેથી ભારત, જર્મની, જાપાન, બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકા સલામતી સમિતિમાં કાયમી બેઠક માગી રહ્યા છે. વિવેક ખાતર તેમને હા પાડવામાં આવે છે અને પંપાળવામાં આવે છે પણ ખરાખરીની વાત આવે ત્યારે નક્કર પગલું ભરવા કોઇ તૈયાર નથી. ભારત જેવા રાષ્ટ્રને સલામતી સમિતિમાં કાયમી રાષ્ટ્ર તરીકે બેઠક મળવી જોઇએ તેવો સિદ્ધાંત સહુ કોઇ સ્વીકારે છે પણ રાજકારણનો નિયમ એવો છેકે સિદ્ધાંત કબૂલ રાખવામાં આવે તેનો અમલ કદી થતો નથી. એક દરખાસ્ત એવી છે કે આ નવી મહાસત્તાઓને કાયમી બેઠક આપવી, પણ તેમને નકારની સત્તા જેવી અન્ય મહત્વની સત્તાઓ આપવી નહીં. આવી વિશેષ સત્તાઓ વગરની કાયમી બેઠક કાગળના ફૂલ જેવી છે. તેમાં રંગ અથવા સુગંધ ઉમેરવામાં આવે તો પણ તે તાજા ફૂલ ગણાય નહીં.

ભારતને સલામતી સમિતિમાં કાયમી સ્થાન મળે, બધા અધિકાર પ્રાપ્ત થાય અને વિશ્વની મહાસત્તા તરીકે તેનો સ્વીકાર થાય ‘વહ ખ્યાલ અચ્છા હૈ દિલ બહેલાને કે લિયે!’ વાતો ગમે તેટલી થાય પણ આવું કશું બનવાનો સભંવ નથી. આપણું હરીફ અને આપણા તરફ કટ્ટર દુશ્મન ભાવ રાખનાર ચીન સલામતી સમિતિનું કાયમી સભાસદ છે અને નકારની સત્તા ધરાવે છે. ભારત પ્રવેશ વિરુદ્ધ આ વીટો પાવર વપરાયા વિના રહે નહીં.

અમેરિકાની દોસ્તી, ઇઝરાયેલ સાથેના સંબંધ અને પાકિસ્તાન જોડેની દુશ્મનાવટના કારણે તમામ મુસ્લિમ દેશો આપણાથી નારાજ છે. મુસ્લિમ દેશો આમસભામાં આપણને ટેકો આપવાના નથી અને અમેરિકા દુશ્મન તરીકે ખતરનાક હોવા છતાં દોસ્ત તરીકે લગભગ નકામું છે. અણુશસ્ત્રો અને અણુઊર્જા માટે ચીન પાકિસ્તાનને જેટલી મદદ કરે છે તેની સરખામણી ભારત-અમેરિકા જોડે કરીએ તો આ ખ્યાલ વધારે સ્પષ્ટ થશે. અમેરિકા આપણા વખાણ કરે છે અને પાકિસ્તાનને વખોડે છે પણ નાણાં અને હથિયાર આપવાની વાત આવે ત્યારે ભારત નહીં પણ પાકિસ્તાનને લાભ આપવામાં આવે છે.

No comments:

Post a Comment