‘દાદુ, મને કશું ગમતું નથી’, ચોવીસ વર્ષની નેહાએ ચોથીવાર આ વાક્ય રિપીટ કર્યું. નેહા અત્યારે મલ્ટિનેશનલ કંપનીમાં જોબ કરે છે. એવરેજ કહી શકાય તેવો દેખાવ અને એવરેજ બુદ્ધિ શક્તિ. દરેક યુવાનને હોય તેવી મહત્વાકાંક્ષાઓ અને જિંદગીનાં સપનાં ધરાવતી એક સરેરાશ યુવતી. કોલેજ પાસ કર્યા પછી ખાસ કોઇ પ્રયત્ન વગર જ એક કંપનીમાં જોબ મળી ગઇ એટલે ટાઇમ પાસ કરવા જોબ કરે છે. મેરેજની વાતો ચાલે છે. જાતે કોઇ પાત્ર શોધીને પ્રેમમાં પડવા જેટલી પણ આવડત ધરાવતી નથી તેવી લાગણી ધરાવતી, બહુ જ ઇમોશનલ યુવતી, ઘરની અંદર મમ્મી-પપ્પા અને ચાર-પાંચ મિત્રો-બહેનપણીઓની આંખે દુનિયા જોતી એક સરેરાશ યુવતી એટલે નેહા.
‘દાદા છેલ્લા ચાર-પાંચ મહિનાથી મને કશું ગમતું નથી. મને શું થયું છે એ પણ સમજાતું નથી. મને કશું જ ખાવાનું ગમતું નથી. મારી ફેવરિટ પાણીપુરી પણ નહીં. મને હવે શોપિંગ માટે જવું પણ ગમતું નથી. દાદા, મને તો કોઇ ફ્રેન્ડ્સને મળવાનું પણ ગમતું નથી. એમના ફોન આવ્યા કરે એટલે એમની સાથે જવું પડે છે. આજકાલ તો મને ઓફિસમાં પણ ગમતું નથી. અગાઉ પિકચર જોવા જવાનું મન થતું મને તો એકલા બેસી રહેવાનું મન થાય છે. મમ્મીને રસોડામાં મદદ કરવા ટ્રાય કરું છું પણ મને એમાં મજા પડતી નથી.’
‘બેટા કોઇ, સાથે ઝઘડો થયો છે? કોઇ છોકરો ગમી ગયો છે? કાંઇ લવ-બવની વાત હોય તો દાદુને કહી દેવાનું. દાદા તારા માટે બધા સોલ્યુશન લાવે તેમ છે.’
‘ના દાદા. તમે કહ્યું એવી કોઇ વાત નથી. હા, મને ઓફિસમાં થોડો વર્ક લોડ રહે છે. પણ એ કોઇ મારી મુશ્કેલી નથી. મારી ફ્રેન્ડ રિયા કહેતી હતી કે આને ડિપ્રેશન કહેવાય.’‘બેટા, હવે તમારી આ ઉંમરમાં ડિપ્રેશન થવું તે કમનસીબી જ કહેવાય. આજકાલની ભાગદોડવાળી જિંદગી, હરીફાઇનું વાતાવરણ અને ગમે તે ભોગે જિંદગીમાં સફળતા પ્રાપ્ત કરવાની દોટ લાગી છે. એમાં તારા જેવી ડાહી કેટલીય છોકરીઓને ડિપ્રેશન થવાની વાત અમારે સવારે મોર્નિંગ ક્લબમાં થાય છે. મને તો આ બધાની બહુ નવાઇ લાગે છે. મન પર સતત પ્રેશર, અનિયમિત લાઇફ સ્ટાઇલ અને સતત વધતો જતો સ્ટ્રેસ એ તો આજની વાસ્તવિકતા છે.
એને સ્વીકારીને જ ચાલવું પડે. સ્ટ્રેસ, તાણ, હતાશા, નિરાશા જેવા શબ્દો જોખમી છે. જો મારું માનતી હોય તો કાલ સવારથી મોર્નિંગ વોક શરૂ કરી દે. સવારે વહેલા ઊઠીને ઘરની બહાર ચાલવા જવાનું. ગાર્ડનમાં યોગ, ધ્યાન અને પ્રાણાયામ શીખવતા કેટલાંય ગ્રૂપ છે. પ્રાણાયામ અને ધ્યાનની શુભ અસરો ડિપ્રેશન અને બીજા અનેક મનના રોગો પર સાબિત થયેલી છે અને દુનિયાભરમાં સ્વીકૃત છે. કાલથી નિયમિત જીવવાનું.
ઉજાગરા નહીં. કોમ્પ્યૂટર પર રાતે મોડે સુધી બેસી રહેવાનું નહીં. જમવામાં પણ થોડો કંટ્રોલ કરવાનો, જંક ફુડ, વાસી ફુડ કે તામસિક ફુડ બહુ સારું નથી. તાજું બનાવેલું, ગરમાગરમ, પ્રેમથી રાંધેલું જ જમવાનું, ફ્રુટ્સ બહુ સારાં. દૂધ નિયમિત લેવાનું. સવારે વોક કે કસરત, ધ્યાન-પ્રાણાયામ, વાળમાં થોડું આછું તેલ નાંખવાનું અને રાત્રે પગનાં તિળયે ઘીથી માલશિ, આ અમારા જમાનાની ટિપ્સ છે. તને આ કદાચ નહીં ગમે, પણ આ અકસીર ઉપાય છે.
સારા મિત્રો, સારો ખોરાક, સાચી લાઇફ સ્ટાઇલ અને ઘરના સભ્યો સાથે વિતાવેલી સુંદર ક્ષણો ડિપ્રેશનની સાચી સારવાર છે. તને હજુ તો સિરિયસ ડિપ્રેશન હોય તેમ લાગતું નથી. કાલે તારા માટે બ્રાહ્ની રસાયણ લેતો આવીશ. બ્રાહ્ની, શંખપુષ્પી, અશ્વગંધા, શતાવરી જેવાં નિર્દોષ ઔષધો બહુ સરસ ફાયદો કરે છે. મન થાય તો અઠવાડિયે એકાદ-બે વાર મસાજ, સ્ટીમ અને શિરોધારા કરાવી આવ પછી જોજે તને કેવો મુડ રહે છે
No comments:
Post a Comment