રોકડની ખેંચ અનુભવી રહેલી એર ઇન્ડિયાએ મંગળવારે જણાવ્યું હતું કે, દેશના વિવિધ ભાગમાં ઘણા કર્મચારીઓના વિરોધ પ્રદર્શન છતાં એરલાઇન તેમના પગારની ચૂકવણીમાં વિલંબ નહીં કરે. એર ઇન્ડિયાના ચેરમેન અને એમડી અરવિંદ જાધવ અને તેમની ટીમના અધિકારીઓ સાથે મંગળવારે મોડી સાંજ સુધી અત્રે ચાલુ રહેલી બેઠકમાં 14 યુનિયનના પ્રતિનિધિઓએ ઉત્પાદકતા આધારિત ઇન્સેન્ટિવ (પીએલઆઇ) અને અન્ય ભથ્થાંની ચૂકવણી સહિતના મુદ્દે વાટાઘાટ કરી હતી.
આ બેઠક પહેલાં એર ઇન્ડિયાના પ્રવક્તાએ કહ્યું હતું કે, એર ઇન્ડિયા નિર્ધારિત સમયપત્રક પ્રમાણે મહિનાના છેલ્લા દિવસે ઓગસ્ટ મહિનાના પગારની ચૂકવણી કરશે. મેનેજમેન્ટે વિવિધ વર્ગના કર્મચારીઓના બેઝિક વેતન સાથે પીએલઆઇને મર્જ કરી તેને છઠ્ઠા પગારપંચની ભલામણ પ્રમાણેના પગાર અને ભથ્થાં તેમજ ડિપાર્ટમેન્ટ ઓફ પબ્લિક એન્ટરપ્રાઇઝ(ડીપીઇ)ની માર્ગરેખા સાથે સુસંગત બનાવવાની દરખાસ્ત મૂકી હોવાનું મનાય છે. ઉલ્લેખનીય છે કે ગયા સપ્તાહે મુંબઇમાં યોજાયેલી પ્રારંભિક તબક્કાની બેઠકમાં મેનેજમેન્ટે ઇન્સેન્ટિવની ચૂકવણી અડધી કરવાનો નિર્ણય લીધો હતો.
દરમિયાન, કર્મચારી સંગઠનોએ દેશના વિવિધ સ્થળે ભૂખ હડતાલ કરવા ઉપરાંત, બેઠક યોજી ભાવિ પગલાંની ચર્ચા કરી હતી. એર ઇન્ડિયાની સ્થિતિને જોતાં કેટલાકે સંપૂર્ણ હડતાલ પર નહીં જવાનો નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે એર ઇન્ડિયાની માલિકી ધરાવતી નેશનલ એવિએશન કંપનીના બોર્ડે પીએલઆઇ અને ફ્લાઇંગ ભથ્થાંમાં 50 ટકાના કાપની જાહેરાત ગયા સપ્તાહે કરી હતી. કંપનીના જણાવ્યા અનુસાર, ત્રણ મહિનામાં પીએલઆઇ માટેની વૈકલ્પિક ફોર્મ્યુલા નિર્ધારિત ન થાય ત્યાં સુધી આ કાપ જારી રહેશે.
અગાઉ પગારની ચુકવણીમાં વિલંબથી નારાજ એર ઇન્ડિયા એરલાઇન્સના કર્મચારી યુનિયનના 20,000 સભ્યોએ મંગળવારથી ત્રણ દિવસની ભૂખ હડતાલ પર જવાનો નિર્ણય લીધો હતો. એર કોર્પોરેશન એમ્પ્લોયીઝ યુનિયન(એસીઇયુ)ના જનરલ સેક્રેટરી જે બી કેડિયને કહ્યું હતું કે, એવિએશન ઇન્ડસ્ટ્રી એમ્પ્લોયીઝ ગિલ્ડ (એઆઇઇજી) એસીઇયુના 20,000 સભ્ય અને દેશભરના અન્ય કેટલાક યુનિયને પગારની ચુકવણીના મુદ્દે અપનાવેલા અક્કડ વલણને પગલે મંગળવારથી ભૂખ હડતાલ પર જવાનો નિર્ણય લીધો છે.
કર્મચારીઓએ એવી પણ ધમકી આપી હતી કે, મેનેજમેન્ટ સાથે તેમની 31 ઓગસ્ટની વાટાઘાટ નિષ્ફળ જશે તો તેઓ ફરી હડતાલ પર જશે. કેડિયને કહ્યું હતું કે, છેલ્લા બે મહિનાથી અમે એરલાઇન્સની કામગીરીમાં સુધારા માટે કામ કરી રહ્યા છીએ. તેમ છતાં, મેનેજમેન્ટ અમારા પગારમાં 50 ટકા ઘટાડો કરવા મક્કમ છે. આ વાત અમને સ્વીકાર્ય નથી. તેમણે ઉમેર્યું હતું કે, વેતન અમારો હક છે અને તેની ચુકવણી સરકારની ફરજ છે. કોઈ ચેરમેન-એમડી કે પ્રધાન પગારમાં કાપનો એકતરફી નિર્ણય લઈ શકે નહીં.
આ હડતાલને કારણે દેશનાં કેટલાંક એરપોર્ટ પર ફ્લાઇટની અવરજવર ખોરવાઈ શકે છે. અગાઉ જુલાઈમાં કર્મચારીઓએ બે કલાકની હડતાલ પાળી આ મુદ્દે વિરોધ પ્રદર્શન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે એર ઇન્ડિયાના ચેરમેન અને એમડી સાથે ગયા શુક્રવારે મુંબઈમાં એરલાઇન્સના હેડક્વાર્ટર ખાતે યોજાયેલી યુનિયનની બેઠક નિષ્ફળ રહી હતી
No comments:
Post a Comment