દેશમાં સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય કંપનીઓ દ્વારા મર્જર અને એક્વિઝિશન સોદાઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. તેને ધ્યાનમાં રાખીને અહીં કમાણી કરવાની તક વધી રહી હોવાથી વિદેશોમાં સ્થાયી થયેલા ભારતીય વકીલ સ્વદેશ પાછા ફરવાના પ્રયાસ કરી રહ્યા છે. નિશીથ દેસાઈ એન્ડ એસોસિયેટ્સ(એનડીએ)ના નિશીથ દેસાઈએ કહ્યું હતું કે, વિદેશમાં સારો અનુભવ ધરાવતા વકીલો અમારી પાસે નોકરી અને ઇન્ટર્નશિપ માટે અરજી કરી રહ્યા છે. અમે ખૂબ જ ચીવટપૂર્વક ઉમેદવારોની પસંદગી કરીએ છીએ અને તે પછી તેમને આ વ્યવસાયમાં શ્રેષ્ઠ કામગીરી કરી શકે તે માટેની તાલીમ આપીએ છીએ.
વિદેશમાં વકીલાતનો અભ્યાસ કર્યા હોય તેવા અને વિદેશી લો ફર્મમાં કામ કરવાનો અનુભવ ધરાવતા લોકોની ભરતીની શરૂઆત એનડીએએ છેલ્લા એક વર્ષથી કરી છે. તાજેતરમાં આ કંપનીએ ન્યૂ યોર્ક યુનિવર્સિટી, જ્યોર્જટાઉન, હાર્વર્ડ, કોલંબિયા, ડ્યુક યુનિવર્સિટીની સ્કૂલ ઓફ લો જેવા નામાંકિત સ્થળો પરથી લોકોની પસંદગી કરી છે. દેસાઇએ ઉમેર્યું હતું કે અમારી પાસે એવા વકીલો છે કે જેઓ અમેરિકાના પેટન્ટ એટર્ની છે અને નિક્સન પીબોડી એલએલસી સાથે અમેરિકામાં કામ કરતા હતા.
શહેરની જાણીતી લો ફર્મ અમરચંદ એન્ડ મંગલદાસ, સુરેશ એ શ્રોફ એન્ડ કંપનીએ પણ વિદેશથી પરત ફરેલા ભારતીય વકીલોની ભરતી કરી છે. વિદેશથી ભારતીય વકીલો સ્વદેશ પાછા ફરી રહ્યા છે તેની પાછળનું કારણ વૈશ્વિક મંદી નથી, પણ દેશની સ્થિર આર્થિક વૃદ્ધિ જવાબદાર છે, તેવું જણાવતાં આ ફર્મના એક અનુભવી સભ્યે કહ્યું હતું કે, ભારતીય કંપનીઓ, અમેરિકા કે બ્રિટનની કંપનીઓ જેવી જ મર્જર અને એક્વિઝિશનની તક આપે છે એટલે તેઓ હવે અહીં આવવા આકર્ષાયા છે.
વિદેશી અનુભવ ધરાવતા વકીલોના કારણે ભારતીય કંપનીઓને પણ ફાયદો થઈ રહ્યો છે. આ ફર્મના પાર્ટનર રવીન્દ્ર ઝુનઝુનવાલાએ કહ્યું હતું કે, અમારી ખૈતાન એન્ડ કંપની જેવા ક્લાયન્ટને વિદેશી અનુભવ ધરાવતા વકીલોથી ફાયદો થયો છે. તેઓ વિદેશી કાયદાની સારી જાણકારી ધરાવે છે. આ કંપનીમાં લંડનથી પરત ફરેલા મુરલી નીલકંઠન, કલ્પના ઉનડકટ અને ભારત આનંદ જેવા અનુભવી વકીલો જોડાયા છે અને વધારે લોકો જોડાવા માટે રસ ધરાવે છે.
આ પ્રકારનું ચલણ ભારતીય લો ફર્મ અને વિદેશથી ભારત પરત પાછા ફરી રહેલા વકીલો બંને માટે આવકારદાયક છે. તેના પગલે બંને પક્ષોની જરૂરિયાતો સંતોષાય છે. ભારતીય કંપનીઓ જે રીતે વૃદ્ધિ કરી રહી છે તે રીતે તેમને આંતરરાષ્ટ્રીય સોદાનો અનુભવ ધરાવતા વકીલોની જરૂર હોય તે દેખીતું છે. વળી, વિદેશમાં રહેતા વકીલોને આ વલણને લીધે સ્વદેશ પાછા ફરવાની સારી તક પ્રાપ્ત થાય છે.
No comments:
Post a Comment