માર્ચ 2009માં સમાપ્ત થયેલા નાણાકીય વર્ષમાં કંપનીઓના કર્મચારીઓ કરતાં શેરધારકો અને ડિરેક્ટર્સને સૌથી વધુ ફટકો પડ્યો હતો. કોર્પોરેટ મંદીથી શેરધારકો અને ડિરેક્ટર્સને નુકસાન થયું હતું પરંતુ કર્મચારીઓના પગાર વધતા રહ્યા હતા. ઇટીએ 750 કંપની પર કરેલા સરવે પ્રમાણે કંપનીના ડિરેક્ટર્સ (કંપનીનું સંચાલન કરતા ટોચના છ એક્ઝિક્યુટિવ્સ અને કંપનીના રોલ પર ન હોય તેવા કેટલાક સ્વતંત્ર સભ્યો)ના વળતરમાં ચાર ટકા સુધી કાપ મુકાયો હતો. 750 કંપનીઓમાં ડિરેક્ટર્સને ચૂકવવામાં આવેલું કુલ વળતર રૂ. 1,440 કરોડ હતું.
ગયા વર્ષની સરખામણીમાં ચોખ્ખા વેચાણમાં 19 ટકા વધારો થવા છતાં કંપનીઓનો નફો ખાસ વધ્યો નથી તેથી શેરધારકોને ગયા વર્ષ જેટલું જ ડિવિડન્ડ મળ્યું છે. તેની સરખામણીમાં આ અભ્યાસમાં સામેલ કંપનીઓના સેમ્પલ મુજબ કર્મચારીના પગારમાં 20 ટકા વધારો થયો છે. કુલ ખર્ચમાં પગારનો ઊંચો હિસ્સો ધરાવતી આઇટી કંપનીઓ ઇન્ફોસિસ, ટીસીએસ અને વિપ્રોને સામેલ કરવામાં આવે તો પણ એકંદરે ચિત્ર બદલાતું નથી.
ડિરેક્ટર્સના પગારમાં ઘટાડાનું એક કારણ તેમના પગારમાં કમિશનનો હિસ્સો હોઈ શકે છે. આ કમિશન કોર્પોરેટ નફાના આધારે ચૂકવાય છે અને ઘણી કંપનીઓ ડિરેક્ટર્સ માટે કુલ નફાનો ચોક્કસ હિસ્સો કમિશન તરીકે ફિક્સ કરે છે. તેથી જો નફો ઘટે તો કમિશનની ચુકવણીને પણ અસર થાય છે. કંપની નુકસાન કરે તો કોઈ કમિશન મળતું નથી. જોકે જૂનમાં સમાપ્ત થયેલા પ્રથમ ક્વાર્ટરમાં ભારતીય કંપનીઓનો નફો વધ્યો છે તેથી ડિરેક્ટર્સને કરોડો રૂપિયાનું કામગીરી આધારિત બોનસ ચૂકવાય તેવી શક્યતા છે. આ વર્ષમાં ડિવિડન્ડની ચુકવણી પણ ઊંચી રહેવાની સંભાવના છે.
ગયા વર્ષે કર્મચારીઓના ખર્ચમાં 30 ટકા કરતાં વધુ ઉછાળો લાવનાર કંપનીઓમાં વોલ્ટાસ, એચડીએફસી બેન્ક, પુંજ લોઇડ, એક્સિસ બેન્ક, ટાટા કમ્યુનિકેશન, રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, લ્યુપિન અને આઇડીબીઆઇ બેન્કનો સમાવેશ થાય છે. કુલ કર્મચારી ખર્ચમાં આ કંપનીઓએ નોંધપાત્ર વધારો કર્યો હોવા છતાં સરેરાશ પગારમાં પણ એટલો વધારો થયો હોય તે જરૂરી નથી. ઘણી કંપનીઓએ છેલ્લા એક વર્ષમાં કર્મચારીની સંખ્યામાં વધારો કર્યો છે તેથી ચોક્કસ પગારવધારાનું પ્રમાણ નક્કી કરી શકાયું નથી.
જોકે ઘણી કંપનીઓએ કર્મચારીઓની છટણી પણ કરી છે તે હકીકતને ધ્યાનમાં લેતાં શક્ય છે કે બચી જનારા કર્મચારીઓને આર્થિક મંદી વચ્ચે પણ સારો પગારવધારો આપવામાં આવ્યો હોય. જોકે ડિરેક્ટર્સના પગાર કોર્પોરેટ આવકમાં મંદીના કારણે ઘટ્યા હતા. ઘણા અગ્રણી એક્ઝિક્યુટિવ્સ પોતાની કંપનીમાં પ્રમોટર છે અને તેમણે પગારકાપ સ્વીકાર્યો છે.
જે ડિરેક્ટર્સના પગારમાં ઘટાડો થયો છે તેમાં જેએસડબલ્યુના સજ્જન જિંદાલ, એપોલો ટાયર્સના ઓનકાર કંવર, હિંદુસ્તાન કન્સ્ટ્રક્શનના અજિત ગુલાબચંદ, સોભા ડેવલપર્સના જે સી શર્મા અને ભારતી એરટેલના અખિલ ગુપ્તાનો સમાવેશ થાય છે. એપોલો ટાયરના ચેરમેન અને એમડી ઓનકાર કંવરને મળતું કુલ વળતર 2007-08માં 15.53 કરોડ હતું જે ઘટીને 9.21 કરોડ થયું હતું. તેમને મળતું રૂ. 10 કરોડનું બોનસ ઘટાડીને રૂ. પાંચ કરોડ કરવામાં આવતાં વળતર ઘટ્યું હતું.
No comments:
Post a Comment