October 22, 2010

રોજગારી સર્જનમાં ખાનગી ક્ષેત્ર જાહેર ક્ષેત્ર કરતાં આગળ

ગુજરાતમાં એમ્પ્લોયમેન્ટ માર્કેટ ઇન્ફર્મેશન (ઇએમઆઇ) હેઠળ સમાવવામાં આવેલી જાહેર ક્ષેત્રની સંસ્થાઓમાં માર્ચ 2008ના અંતે રોજગારી ઘટીને 7.86 લાખ થઈ છે જે માર્ચ 2007ના અંતે 7.96 લાખ હતી જ્યારે ખાનગી ક્ષેત્રમાં રોજગારી વધીને 10.53 લાખ થઈ છે જે માર્ચ 2007ના અંતે 10.08 લાખ હતી, એમ ગુજરાત રાજ્યની સામાજિક આર્થિક સમીક્ષા 2008-09 જણાવે છે.
જાહેર ક્ષેત્રની સંસ્થાઓમાં સૌથી વધુ રોજગારી સ્થાનિક સંસ્થાઓ દ્વારા (2.86 લાખ) પૂરી પાડવામાં આવી હતી જ્યારે અર્ધસરકારી સંસ્થાઓ દ્વારા 2.35 લાખને રોજગારી આપવામાં આવી હતી. માર્ચ 2008ના અંતે રાજ્ય સરકારી સંસ્થાઓ 1.73 લાખ અને કેન્દ્રીય સરકારી સંસ્થાઓએ 0.92 લાખ રોજગારી આપી હતી. ઉલ્લેખનીય છે કે એમ્પ્લોયમેન્ટ માર્કેટ ઇન્ફર્મેશનમાં સંરક્ષણ સંસ્થાઓ, સ્વરોજગાર વ્યક્તિઓ અને 10થી ઓછા કર્મચારીઓ ધરાવતી સંસ્થાઓનો સમાવેશ થતો નથી.

એમ્પ્લોયમેન્ટ એક્સ્ચેન્જ (કમ્પલસરી નોટિફિકેશન ઓફ વેકેન્સિસ) એક્ટ, 1959 હેઠળ 25 કે તેથી વધુ કર્મચારીઓને રોજગારી આપતી ખાનગી સંસ્થાઓએ ફરજિયાત મહિતી આપવાની હોય છે. જ્યારે 10થી 24 કર્મચારી ધરાવતી બિનકૃષિ સંસ્થાઓ સ્વૈચ્છિક રીતે માહિતી આપી શકે છે.

ઉદ્યોગવાર રોજગારીના આંકડા સૂચવે છે કે માર્ચ 2008ના અંતે, સૌથી વધુ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રએ 7.42 લાખ અને ત્યાર બાદ સામુદાયિક, સામાજિક અને વ્યક્તિગત સેવા ક્ષેત્રએ 6.05ને રોજગારી આપી છે. ટ્રાન્સપોર્ટ, સ્ટોરેજ અને કમ્યુનિકેશન્સ ક્ષેત્રએ 1.48 લાખ, ફાઇનાન્સિંગ, ઇન્શ્યોરન્સ, રિયલ એસ્ટેટ અને બિઝનેસ સર્વિસ ક્ષેત્રએ 1.47 લાખ, હોલસેલ અને રિટેલ ટ્રેડિંગ ક્ષેત્ર અને રેસ્ટોરાં એ 0.54 લાખ, બાંધકામ ક્ષેત્રએ 0.50 લાખ, કૃષિ, શિકાર, જંગલ અને ફિશિંગ ક્ષેત્રએ 0.24 લાખ અને માઇનિંગ અને ક્વોરી ક્ષેત્રએ 0.14 લાખ લોકોને રોજગારી આપી છે.

ખાનગી અને જાહેર એમ બંને પ્રકારના સંગઠિત ક્ષેત્રમાં રોજગારી મેળવનાર કુલ 18.39 લાખ લોકોમાં 2.58 લાખ મહિલા હતી. જાહેર ક્ષેત્રએ 1.50 લાખ મહિલા અને ખાનગી ક્ષેત્રએ 1.08 લાખ મહિલાઓને માર્ચ 2008ના અંતે રોજગારી આપી હતી. 2008-09 દરમિયાન એમ્પ્લોયમેન્ટ એક્સ્ચેન્જમાં 3.31 લાખ લોકોની નોંધણી થઈ હતી અને તેમાંથી 1.63 લાખ લોકોને રોજગારી અપાઈ છે. 2007-08માં 3.54 લાખ લોકોની નોંધણીની સામે 2.01 લાખ લોકોને નોકરી અપાઈ હતી.

No comments:

Post a Comment