છેલ્લા થોડા સમયથી ભીવંડીમાં કારીગરો કૃત્રિમ મોતી ઉદ્યોગ તરફ વળતાં પાવરલૂમ ઉદ્યોગ મુશ્કેલીમાં મુકાઈ ગયો છે. પૂરતા ભીવંડીમાં સવારે કામ પર આવતા કારીગરો દરરોજ સરેરાશ રૂ. 200 જેટલી કમાણી કરી લેતા હતા, પણ છેલ્લા ઘણા સમયથી વીજકાપની સમસ્યાના પગલે તેમની કમાણી ઘટીને રૂ. 50થી રૂ. 60 થઈ ગઈ છે. આ કારણે કારીગરો આ વિસ્તારમાં ઇમિટેશન જ્વેલરી માટે ઊભા થઈ રહેલા મોતીના કારખાના તરફ આકર્ષાયા છે. અને કુશળ કારીગરોને અભાવે પાવરલૂમ ઉદ્યોગ તેના ઓર્ડર્સ સમયસર પૂરા કરી શકતો નથી.
હાલારી પાવરલૂમ એસોસિયેશનના પ્રમુખ રતિલાલ સુમરિયાએ કહ્યું હતું કે, ભીવંડીમાં છેલ્લા કેટલાક સમયથી વીજકાપની સમસ્યા હોવાના કારણે દિવસના ભાગમાં કામ કરતા કારીગરો અત્યંત ઓછું દૈનિક વેતન મેળવતા હતા. તેના સ્થાને ભીવંડી વિસ્તારમાં છેલ્લા થોડા સમયમાં અસ્તિત્વમાં આવેલા ઇમિટેશન જ્વેલરીનાં 450 કારખાનાંમાં કારીગરો કામ કરવા જઈ રહ્યા છે. તેમાં પાવરલૂમની સરખામણીએ કામ કરવું વધારે સરળ છે અને દૈનિક રૂપિયા 150થી 200 કમાઈ શકાય છે.
ભીવંડીમાં અંદાજે સાત લાખ પાવરલૂમ છે અને તમામને સંપૂર્ણ ક્ષમતા સાથે કામ કરવા 12 લાખ કારીગરની જરૂર છે. વૈશ્વિક મંદીના પગલે માંગમાં ઘટાડો થતાં ડિસેમ્બર મહિના દરમિયાન 70 ટકા કારીગર તેમના વતન ચાલ્યા ગયા હતા. ત્યાર બાદ નવા ઓર્ડર મળવા છતાં કુશળ કારીગરોની ખેંચના કારણે કાપડના ઉત્પાદનમાં ઘટાડો થયો છે, તેવું ભીવંડી પાવરલૂમ એસોસિયેશનના પ્રવક્તા શરદરામ સેજપાલે જણાવ્યું હતું.
તેમણે કહ્યું હતું કે, આ વરસે વરસાદ ખેંચાઈ જવા છતાં પણ અનેક કારીગર તેમના વતનમાં ખેતીમાં જોડાઈ ગયા છે, જ્યારે અહીં આવેલા 50,000 કારીગર મોતી બનાવવાનાં કારખાનાંમાં કામે લાગી ગયા હોવાથી ભીવંડીની પાવરલૂમોની હાલત વધુ કફોડી થઈ ગઈ છે. ભીવંડીમાં પાવરલૂમ કરતાં મોતી બનાવવાનાં કારખાનાંમાં કામ કરવું વધારે સુરક્ષિત અને ફાયદાકારક છે. વળી અહીં નિયમિત દૈનિક આવક વીજળીના પ્રવાહ પર નિર્ભર નહીં હોવાના કારણે પાવરલૂમના કારીગરો આ તરફ વળ્યા છેે.
પાવરલૂમમાં કામ કરવાની શરૂઆત કાંડી મશીનથી થાય છે અને ત્યાર બાદ અનુભવે વીવર, હેલ્પર, મુકાદમ અને રિપેરર જેવા પદ પર પહોંચી શકાય છે, પરંતુ હાલમાં કાંડી મશીન માટેના કારીગરો મળતા ન હોવાથી આ ઉદ્યોગ વધારે મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે. એક વર્ષ અગાઉ પ્રત્યેક લૂમમાં દૈનિક 50 મીટર જેટલા કાપડનું ઉત્પાદન થતું હતું, જે અત્યારે ઘટીને સરેરાશ 25 મીટર થઈ ગયું છે.
No comments:
Post a Comment