October 13, 2010

મોરારિબાપુ: પ્રેમ દેવો ભવ:

નરસિંહ મહેતાના હૃદયમાં શામળિયા માટે પ્રેમ હતો એટલે એ ગરીબીનું તપ કરી શક્યા, મીરાંના હૃદયમાં મોહન માટે પ્રેમ હતો એટલે એણે મેવાડની મહારાણીનું પદ છોડીને કૃષ્ણભક્તિનાં પદ લખ્યાં.

શ્રીમદ્ ભાગવતના અગિયારમા સ્કંધમાં ભગવાન સાથેની પ્રશ્નોત્તરીનો પ્રસંગ આવે છે. અહીં ભગવાનને દસ જેટલા પ્રશ્નો પૂછવામાં આવે છે અને ખુદ ભગવાન એના જવાબો આપે છે. પહેલો પ્રશ્ન છે: સૌથી મોટું દાન કોને કહેવાય? જેનો જવાબ છે કે ક્ષમા સૌથી મોટું દાન છે, કારણ કોઇ વ્યક્તિએ તમારું ખૂબ અહિત કર્યું હોય છતાં તમે ઉદાર દિલ રાખીને એને ક્ષમા આપો ત્યારે ક્ષમા તમારું આભૂષણ બની જશે.

કોઇ વ્યક્તિને અપરાધ બદલ સજા મળવાને બદલે ક્ષમા મળે ત્યારે ગુનેગારને પોતાના કૃત્યનો પસ્તાવો થશે અને એ પસ્તાવો આંખનાં અશ્રુઓના વિપુલ ઝરણામાં એના પાપને બાળી નાખશે. માત્ર સજાથી પાપ બળે છે એવું નથી પરંતુ ક્ષમાથી પણ પાપ બળે છે અને કોઇના પાપને બાળવાથી મોટું પુણ્ય બીજું શું હોઇ શકે? એ અર્થમાં ભગવાને ક્ષમાદાનને સૌથી શ્રેષ્ઠ દાન કહ્યું છે તે યથાર્થ લાગે છે.

ત્યારબાદ બીજો સવાલ પૂછવામાં આવ્યો કે સૌથી મોટું તપ શું છે? ભગવાને કહ્યું કે તમામ કામનાઓનો ત્યાગ એ સૌથી મોટું તપ છે કારણ કે જેટલી ઇચ્છાઓ ઓછી એટલું તપ વધે છે અને તમામ પ્રકારની ચાહનાઓનો ત્યાગ કરી ચૂકેલો માણસ સંસારમાં રહેવા છતાં સંન્યાસીનો દરજજો મેળવી શકે તેવો હોય છે માટે તમામ કામનાઓનો ત્યાગ એ સૌથી મોટું તપ છે અને તમામ પ્રકારની કામનાઓનો ત્યાગ કરવો એ અત્યંત કિઠન કાર્ય છે એ અર્થમાં પણ આ જવાબ સચોટ લાગે છે.

ત્રીજો સવાલ એવો હતો કે સૌથી શ્રેષ્ઠ શૌર્ય શું છે? જેનો જવાબ મળે છે કે પોતાના સ્વભાવને જીતવો એ સૌથી મોટું પરાક્રમ છે, કારણ કે માણસ આખી દુનિયાને જીતી શકે છે પણ પોતાના સ્વભાવને જીતી શકતો નથી. ત્યારબાદ ચોથો સવાલ એવો હતો કે સૌથી શ્રેષ્ઠ સત્ય શું છે? જેના જવાબમાં ભગવાને કહ્યું કે તમામ જીવોમાં પરમાત્માનું દર્શન કરવું એ સૌથી મોટું સત્ય છે.

ભાગવતના એકાદશ સ્કંધમાં ભગવાનને પુછાયેલો પાંચમો સવાલ હતો કે સૌથી શ્રેષ્ઠ ઋતુ કઇ છે? જેનો જવાબ મળ્યો કે માણસના મુખમાંથી દિવ્ય વાણી નીકળે તે ઉત્તમ પ્રકારની ઋતુ છે, કારણ વસંતઋતુમાં પણ કોઇ વ્યક્તિના મુખેથી કટુવચન સાંભળવા મળે તો ઋતુનું સૌંદર્ય રાજી કરી શકતું નથી પણ પાનખરમાં પણ જો દિવ્યવાણી કાને પડે તો મનની વનરાઇ સોળે કળાએ ખીલી ઊઠતી હોય છે.

છઠ્ઠો સવાલ હતો કે સૌથી શ્રેષ્ઠ સંન્યાસ કોને કહેવાય? અને હરિનો જવાબ હતો કે ત્યાગ સૌથી શ્રેષ્ઠ સંન્યાસ છે, કારણ કે સંસાર, સત્તા અને સંપત્તિ સાથે સંઘર્ષ અને સગવડનો પણ ત્યાગ કરવો એ સંન્યાસ છે. માત્ર સંસારનો ત્યાગ કરવામાં આવે પરંતુ સત્તા, સંપત્તિ, સગવડ અને સંઘર્ષનો ત્યાગ કરવામાં ન આવે તો એ ઉત્તમ પ્રકારનો સંન્યાસ સિદ્ધ થતો નથી. સાતમો સવાલ હતો કે સૌથી શ્રેષ્ઠ ધન કોને કહેવાય? જેનો જવાબ છે કે ધર્મ સૌથી શ્રેષ્ઠ ધન છે, કારણ ધર્મ માનવીની બહુ મોટી સંપદા છે જેનાથી મૂલ્યવાન બીજું કંઇ જ નથી.

આઠમો સવાલ પૂછવામાં આવ્યો હતો કે સૌથી ઉત્તમ પ્રકારનો યજ્ઞ કોને કહેવાય? જેનો જવાબ છે કે ઇશ્વર ખુદ ઉત્તમ પ્રકારનો યજ્ઞ છે, કારણ કે પરમાત્માએ કહ્યું છે કે હું સ્વયં યજ્ઞ છું અને નવમો સવાલ હતો કે સૌથી મોટી દક્ષિણા શું છે? જેના જવાબમાં ભગવાને કહ્યું કે કોઇને જ્ઞાનનો સંદેશ આપવો એ સૌથી મોટી દક્ષિણા છે, કારણ કે રૂપિયા કે બીજી કોઇ સ્થૂળ દક્ષિણા ચોરાઇ જશે અથવા વપરાઇ જશે જ્યારે જ્ઞાન જેમ વપરાશે તેમ વધશે અને વિદ્યાની માફક ચોર ચોરી ન શકે અને ભાઇઓ ભાગ પડાવી ન શકે તેથી જ્ઞાન શ્રેષ્ઠ દક્ષિણા છે.

દસમો અને છેલ્લો સવાલ હતો કે સૌથી મોટું બળ શું છે? અને જવાબ મળ્યો કે પ્રાણાયામ સૌથી મોટું બળ છે. ઉપરના જવાબો ખુદ ભગવાને આપ્યા છે તેથી એની સત્યતા વિશે વિચાર પણ કરવાનો હોય નહીં, પરંતુ પચાસ વરસથી આખી દુનિયામાં આ પોથી લઇને ફર્યો છું એટલે વિચાર આવ્યો કે આ દસે-દસ સવાલોનો એક જવાબ આપવો હોય તો પ્રેમ નામનો અઢી અક્ષરનો શબ્દ આ તમામ સવાલોનો વધુ એક સાચો જવાબ છે. આપણે ઉપરના બધા સવાલોને પ્રેમદ્રષ્ટિથી મૂલવવાનો વિનમ્ર પ્રયાસ કરીએ.

પહેલો જવાબ છે કે ક્ષમા એ સૌથી શ્રેષ્ઠ દાન છે, પરંતુ માણસ ક્ષમા ત્યારે જ આપી શકે જ્યારે તેના હૃદયમાં પ્રેમ હોય. મહાવીરના કાનમાં શૂળો ભોંકવામાં આવી, ઇસુને વધસ્તંભ ઉપર ખીલાઓથી જડી દેવામાં આવ્યા છતાં મહાવીર અને ઇસુએ ક્ષમા આપી એનું કારણ એ હતું કે પ્રાણી માત્ર પ્રત્યે એ બંનેના હૃદયમાં પ્રેમ હતો. કરુણા હતી અને તેથી શ્રેષ્ઠ દાન પ્રેમ છે તેમ પણ કહી શકાય.

ત્યારબાદ બીજો જવાબ હતો કે તમામ પ્રકારની કામનાઓનો ત્યાગ કરવો એ ઉત્તમ પ્રકારનું તપ છે, પરંતુ તપ એ જ કરી શકે જેના હૃદયમાં પ્રેમ હોય. કામનાઓનો ત્યાગ એ જ કરી શકે જે પ્રેમથી છલોછલ હોય. નરસિંહ મહેતાના હૃદયમાં શામળિયા માટે પ્રેમ હતો એટલે એ ગરીબીનું તપ કરી શક્યા, મીરાંના હૃદયમાં મોહન માટે પ્રેમ હતો એટલે એણે મેવાડની મહારાણીનું પદ છોડીને કૃષ્ણભક્તિનાં પદ લખ્યાં. રાજપાટ છોડીને રઝળપાટ પસંદ કર્યો. લોકનિંદાનું તપ એટલે થઇ શક્યું કારણ હૃદયમાં પ્રેમ હતો. હજારો વર્ષ તપ કરનાર ઋષિમુનિઓના હૃદયમાં પણ ઇશ્વર પ્રત્યે પ્રેમ હોય છે ત્યારે તો તપ થઇ શકે છે તેથી પ્રેમને ઉત્તમ પ્રકારનું તપ કહેવામાં વાંધો નથી.

ત્રીજો જવાબ હતો કે પોતાના સ્વભાવને જીતવો એ સૌથી મોટું પરાક્રમ છે. નરસિંહ નાગર હોવા છતાં હરજિનવાસમાં જઇને ભજન ગાય તે એ જમાનામાં બહુ મોટી હિંમતની વાત ગણાય. મીરાં મેવાડનાં મહારાણી હોવા છતાં હાથમાં રામસાગર લઇને નાચે અને સાધુ-સંતોની સાથે ભજન ગાય તે એ જમાનામાં બહુ મોટા પરાક્રમની વાત હતી. આમ પ્રેમમાં બહુ મોટી છલાંગ મારવી પડે છે અને ડરપોક માણસો ક્યારેય સાચા હૃદયથી કોઇને ચાહી શકતા નથી, માટે પોતાના સ્વભાવને જીતવો એ સૌથી મોટું શૌર્ય છે એમ પ્રેમ પણ સૌથી મોટું શૌર્ય ગણી શકાય.

ચોથો જવાબ હતો કે તમામ જીવોમાં ઇશ્વરનું દર્શન કરવું એ સૌથી મોટું સત્ય છે. દરેક જીવમાં ઇશ્વર છે એ વિશ્વનું સૌથી મોટું સત્ય છે તે બરાબર છે પણ એવું સમદર્શન ત્યારે જ શક્ય બનશે જ્યારે હૃદયમાં પ્રેમ હશે. જો હૃદય પ્રેમથી છલોછલ ન હોય તો પ્રત્યેક જીવમાં જગદીશનું દર્શન શક્ય બનતું નથી. વિશ્વમાં કોઇપણ વ્યક્તિ સાથે જ્યારે વેર ન હોય ત્યારે આ પ્રકારનું દર્શન શક્ય બને છે. જો વેર હોય તો તે વ્યક્તિમાં દેવના સ્થાને દાનવનું દર્શન થશે માટે મિત્ર અને શત્રુ બંનેના જીવમાં શિવ દેખાય તે માટે અનિવાર્ય લક્ષણ પ્રેમ છે તેથી પ્રેમ સૌથી મોટું સત્ય છે.

પાંચમો જવાબ હતો કે દિવ્યવાણી અથવા પ્રિયવાણી સૌથી સુંદર ઋતુ છે, પરંતુ માણસના મુખમાંથી દિવ્યવાણી ત્યારે જ નીકળી શકે છે જ્યારે એના હૃદયમાં પ્રેમની હાજરી હોય છે. દિલમાં જો નફરત હોય તો પ્રિયવાણી ક્યારેય નીકળી શકતી નથી તેથી સૌથી શ્રેષ્ઠ ઋતુ પ્રેમ છે અને છઠ્ઠો જવાબ હતો કે ત્યાગ સૌથી શ્રેષ્ઠ સંન્યાસ છે પરંતુ માણસને ત્યાગનો વિચાર ત્યારે જ આવે જ્યારે અન્યનું ભલું કરવાની ભાવનારૂપી પ્રેમ હાજર હોય છે.

સંન્યાસી સર્વના ભલા માટે સ્વનો વિચાર કરતો નથી અને પરિણામે સર્વસ્વનો ત્યાગ કરે છે. જે લોકોએ માત્ર પોતાનો વિચાર કર્યો છે તે ત્યાગ કરી શક્યા નથી તેથી ત્યાગના પાયામાં ઇશ્વર પ્રત્યેનો, ધર્મ પ્રત્યેનો, સમગ્ર વિશ્વ પ્રત્યેનો પ્રેમ પડેલો હોય છે તેથી સૌથી શ્રેષ્ઠ ત્યાગ પ્રેમ છે. આ વાતને સમજવા માટે એક બીજો દાખલો આપું તો માતા પોતાના પુત્રને પ્રેમ કરે છે તેથી તેના માટે તે બધું છોડવા તૈયાર છે. ત્યાં સુધી કે પોતાના પુત્રના જન્મ સમયે તે મોત સાથે બાથ ભીડે છે એનો અર્થ એ જીવન પણ છોડવા તૈયાર છે માટે ત્યાગના પાયામાં પ્રેમ હોય છે તે સિદ્ધ થાય છે અને એટલે સૌથી શ્રેષ્ઠ સંન્યાસ પ્રેમ છે.

સાતમો જવાબ હતો કે ધર્મ સૌથી શ્રેષ્ઠ ધન છે. જો પ્રેમ ન હોય તો ધર્મ ટકી શકે ખરો? જગતમાં કોઇપણ ધર્મનો પાયો પ્રેમ છે અને જે ધર્મમાં પ્રાણી માત્ર પ્રત્યેનો પ્રેમ નથી તે ધર્મ સિવાય બીજું ગમે તે હોઇ શકે પણ ધર્મ નથી માટે સ્નેહ સૌથી મોટી સંપદા છે. આઠમો જવાબ હતો કે ઇશ્વર સૌથી ઉત્તમ યજ્ઞ છે. મારી દ્રષ્ટિએ અશ્વમેધ યજ્ઞ કરવો સહેલો છે પણ પ્રેમયજ્ઞ કરવો અઘરો છે, કારણ કે બીજા યજ્ઞમાં જવ, તલ અને ઘીની આહુતિ આપવામાં આવે છે.

જ્યારે પ્રેમયજ્ઞમાં ખુદની જાતની આહુતિ આપવી પડે છે. પ્રેમ-યજ્ઞમાં ખુદના અહંકારને હોમવો પડે છે. અશ્રુની આહુતિ આપવી પડે છે. જે રીતે અન્ય યજ્ઞમાં ઘી નાખો અને અગ્નિ પ્રજવલિત થાય છે તેમ પ્રેમયજ્ઞમાં અશ્રુઓની આહુતિથી પ્રેમાગ્નિ જોર પકડે છે એ અર્થમાં પ્રેમ સૌથી મોટો યજ્ઞ છે. ઇશ્વર સ્નેહનો સમંદર છે એ અર્થમાં પણ પ્રેમ યજ્ઞ છે.

નવમો જવાબ હતો કે જ્ઞાન સૌથી શ્રેષ્ઠ દક્ષિણા છે. તમારા ઘરે કોઇ અતિથિ આવે અને વેદાંતના જ્ઞાનની વાતો કરો પણ એના માટે તમારા હૃદયમાં જરાપણ પ્રેમ નહીં હોય તો એ જ્ઞાન શુષ્ક માહિતી બનીને રહી જશે. તમે કોઇ સાધુસંતને દક્ષિણામાં લાખ રૂપિયા આપો પણ મોઢું ચડાવીને આપો, એ સાધુ માટે તમારા હૃદયમાં જરાપણ આદર ન હોય તો એ દક્ષિણા નિરર્થક છે માટે યાદ રાખવા જેવું એ છે કે જ્ઞાન કે સંપત્તિ પ્રેમ કરતાં મહાન નથી.

તમારી પાસે જ્ઞાન પણ નથી અને સંપત્તિ પણ અને આંગણે આવેલા કોઇ અતિથિના પગમાં બેસી બે હાથ જોડીને સજળ નયને એમ કહો કે માફ કરજો આપને આપી શકાય એવું મારી પાસે કંઇ જ નથી તો હું એવું માનું છું કે અતિથિ પ્રત્યેનો અણમોલ આદર સૌથી મોટી દક્ષિણા બની જશે માટે પ્રેમ શ્રેષ્ઠ દક્ષિણા છે.

છેલ્લો જવાબ એ હતો કે પ્રાણાયામ સૌથી મોટું બળ છે. પ્રાણાયામ કરવાથી શ્વાસોશ્વાસમાં જે પરિવર્તન આવે છે તે પરિવર્તન પ્રેમમાં પણ જોવા મળે છે. પ્રભુનાં દર્શન માટે જીવ તલપાપડ બને છે. ધબકારા વધે, શ્વાસોશ્વાસમાં ફરક પડી જાય તે તમામ લક્ષણો પ્રાણાયામનાં છે માટે પ્રેમ સૌથી મોટું બળ છે. તુલસીદાસ શબને હોડી અને નાગને દોરડું માનીને રત્નાવલીને મળવા દોડી ગયા. આ બળ ક્યાંથી આવ્યું? જો દુન્યવી પ્રેમમાં આટલું બળ મળે તો ઇશ્વરના પ્રેમમાં કેટલું બધું બળ મળતું હશે?

છેલ્લે એટલું જ કહેવાનું કે પ્રેમ અખિલ બ્રહ્નાંડનું સર્વશ્રેષ્ઠ તત્વ છે જેના વગરનું માનવહૃદય હૃદય મટીને મશીન બની જતું હોય છે માટે માતૃ દેવો ભવ:, પિતૃ દેવો ભવ:, આચાર્ય દેવો ભવ: અને અતિથિ દેવો ભવ: સાથે પાંચમું સૂત્ર એ ઉમેરવું જોઇએ: પ્રેમ દેવો ભવ:

(સંકલન : જગદીશ ત્રિવેદી)

No comments:

Post a Comment